વાપી નજીક કરામબેલે ખાતે વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી વિશ્વકર્મા વંશ સુથાર સમાજ દ્વારા આયોજિત આ 20મો વાર્ષિક મહોત્સવ હતો. જેની સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. સમસ્ત વલસાડ જિલ્લો અને દાદરા નગર હવેલીમાં વસતા સમાજના પરિવારોને શ્રી વિશ્વકર્મા વંશ સુથાર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
ટ્રસ્ટના પ્રમુખ સુથાર નરસિંહજી દેવરાજજી, ઉપાધ્યક્ષ સુથાર અશોકજી લુમ્બાજી, કોષાઘ્યક્ષ સુથાર નૈનજી દીપાજી સહિત સભ્યો એ કાર્યક્રમમાં તમામને આવકાર્યા હતાં. કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ ભજનનું આયોજન કરાયું હતું. જ્યારે 3જી ફેબ્રુઆરીએ વહેલી સવારે હવન-યજ્ઞ પૂજન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બપોરે તમામ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તો, વિશ્વકર્મા ભગવાનની મૂર્તિની સ્થાપના કરી મહાઆરતી કરવામાં આવી હતી. જાણીતા કલાકારો દ્વારા સાંસ્કૃતિક ભજન રજૂ કરાયા હતાં.
કાર્યક્રમ અંતર્ગત સ્થળ સુધી વિશેષ રથ સાથે કળશ યાત્રા કાઢવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. વિશ્વકર્મા જયંતિ નિમિતે સમાજનું નામ રોશન કરનાર સામાજિક અગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમાજને વધુને વધુ વિકસિત કરવા, શિક્ષણ ક્ષેત્રે આગળ લઈ જવા સુચનોની આપ લે કરી તે અંગે આગેવાનોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો, વિશ્વકર્મા જયંતિ સાથે સ્નેહમિલનનું પણ આયોજન હોય મોટી સંખ્યા માં ઉપસ્થિત સમાજના લોકોએ એકબીજા સાથે હળીમળીને શુભકામના પાઠવી હતી.