વલસાડ જિલ્લાના વાપી ખાતે 74મા પ્રજાસત્તાક દિન નિમિત્તે, મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટે Alchemy અને Twincity ક્લિનિકના સહયોગથી 26મી જાન્યુઆરી 2023ના રોજ જ્ઞાનધામ શાળામાં રાષ્ટ્ર રક્ષક નામના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈ તેમજ વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઇવેન્ટનો હેતુ ખાસ કરીને કોવિડ-19 દરમિયાન પોલીસ વિભાગ તેમજ ફાયર વિભાગની પ્રશંસનીય સેવાઓને બિરદાવી સન્માન કરવાનો હતો.
આ ઈવેન્ટમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના દિવ્યાંગો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રદર્શન, રોફેલ કોલેજ ઓફ ફાર્મસી નામધાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ દેશભક્તિ નાટક તેમજ Kings Crew દ્વારા વિશેષ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લામાં પ્રથમવાર ભારત માતા પૂજન તેમજ જન જાગૃતિ મશાલ યાત્રા પણ યોજાઈ હતી.
આ અનોખા કાર્યક્રમમાં વાપી સહિત વલસાડ જિલ્લાના રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ સહિત 700 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. મહાનુભાવોના હસ્તે જિલ્લાના પોલીસ જવાનો તેમજ ફાયરના જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.