Friday, January 31News That Matters

ઉત્તરાખંડના જોશી મઠની ઘટના બાદ ઇસરોએ ગુજરાતના આ દરિયાકાંઠા અંગે પણ આપી ચેતવણી

ઉત્તરાખંડના જોશી મઠમાં થઈ રહેલી ઘટના સાથે સાથે ગુજરાતના દરિયા કિનારા અંગે પણ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અહેવાલ રજૂ કરનાર ઈસરોએ અનુમાન લગાવ્યું છે કે, કચ્છ, જામનગર, ભરૂચ, નવસારી સહિત વલસાડ જિલ્લાનો દરિયા કાંઠો પર સતત ધોવાઇ રહ્યો છે. જ્યારે અમદાવાદ દર વર્ષે જમીનમાં સરકી રહ્યું છે. દરિયાઈ ધોવાણ સહિત વધુ પડતા ભૂગર્ભ જળના ઉપયોગથી ગુજરાતના ઘણા શહેરો ડૂબી શકે એવી શક્યતા દર્શાવવામાં આવી છે.

 

વલસાડના ઉમરગામ તાલુકાના કાલઈથી લઇ દહેરી અને મહારાષ્ટ્રની હદ સુધી લગભગ 33 કી.મીના દરિયા કાંઠા ઉપર સતત દરિયાઈ ભરતી અને ચોમાસા દરમિયાન  મોટા પ્રમાણ માં કાંઠાનું ધોવાણ થઈ રહ્યું. ગત ચોમાસા વખતે નારગોલ બંદર ઉપર વસતા સાગર કાંઠાના ઘરોમાં દરિયાનું પાણી ધસી જતા સાગરખેડુઓના પરિવારનું મોટા પાયે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કાંઠા વિસ્તારોનું ધોવાણ અટકાવવા સ્થાનિક માછીમારોએ અનેક વાર સંબંધિત નેતા અને અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. હાલમાં ફરી ચોમાસા દરમ્યાન તારાજી સર્જાશે તેવો ભય માછીમારોને સતાવી રહ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે, ગુજરાત 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો ધરાવે છે. આ દરિયાકાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં માછીમારો વસવાટ કરે છે. દરિયા કાંઠાનું સતત ધોવાણ થઈ રહ્યું છે. દર વર્ષે આગળ વધતો દરિયો ખેતીની જમીનને પારાવાર નુકસાન પહોંચાડી રહ્યો છે. વલસાડ જિલ્લામાં પણ દરિયા કાંઠા નો વિસ્તાર દરિયાના ઉછળતા મોજામાં ગરકાવ થઈ રહ્યો છે. ત્યારે આ અંગે દરિયાને આગળ વધતો અટકાવવા વહેલી તકે જરૂરી પગલાં લેવામાં આવે, ચેરીયા જેવા દરિયાના પાણીને અટકાવતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે, સ્થાનિક કાંઠા વિસ્તારના લોકોને જાગૃત કરી દરિયાના પાણીને રોકવા પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. જો કે હાલમાં તો ઇસરોના અહેવાલ બાદ સરકારી એજન્સીઓ અને કાંઠા વિસ્તારના લોકોનો જીવ તાળવે ચોંટ્યો છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *