સંઘપ્રદેશ દમણના કચીગામ વિસ્તારમાં એક રેડીમેડ અને ફૂટવેરની દુકાનમાં ગેસ એજન્સીનો અધિકારી બનીને આવેલા ગઠિયાએ ગેસ સિલિન્ડરના ચેકિંગના નામે વેપારી પાસે 22,500 રૂપિયાનો તોડ કરીને રફુચક્કર થઇ ગયો હતો,
મળતી માહિતી મુજબ કચીગામ ચાર રસ્તા પાસે આવેલ મહાદેવ કોમ્પ્લેક્સમાં માજીસાં રેડીમેડ એન્ડ ફૂટવેર નામની દુકાન ધરાવતા અશોક માલી નામના વેપારીની દુકાનમાં બપોરે બે વાગ્યાની આસપાસ એક ગઠિયો ગેસ એજન્સીનો અધિકારી બનીને દુકાનમાં ઘુસ્યો હતો, અને દુકાનમાં પડેલા ગેસના સિલિન્ડરનું ચેકીંગ હાથ ધરીને દુકાનમાં હાજર અશોક માલીને તમે 5 કિલો વાળા ગેસના બાટલા કેમ વેચો છો એમ કહીને પોતે અધિકારી હોવાનો રોફ બતાવતા અશોક માલીએ ગઠિયા પાસે અધિકારી હોવાનું આઈડી કાર્ડ માંગતા તોરમાં આવેલા ગઠિયાએ અશોકને 2 થી ત્રણ તમાચા ચોડી દીધા હતા,
વધુ રુઆબ છાંટતા ગઠિયાએ ધરપકડ સહીત કાયદા કાનૂનની ધમકીઓ આપીને તોડપાણી માટે 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ દુકાનમાં તાત્કાલિક 50 હજારની રોકડ હાજર ન હોય અશોકે પોતાના ખિસ્સામાં રહેલા 7 હજાર અને આસપાસના વેપારીઓ પાસેથી માંગેલા 15,500 રૂપિયા ભેગા કરીને 50 હજારને બદલે 22,500માં મામલો પતાવ્યો હતો, આ સમય દરમ્યાન ચાલાક ગઠિયો અશોક જ્યાં જ્યાં પૈસા માંગવા ગયો ત્યાં ત્યાં તેની સાથે ભેગો પણ ગયો હતો, જે બાદ ગઠિયો 22,500 રૂપિયા લઈને બાઈક પર ફરાર થઇ ગયો હતો,
સમગ્ર ઘટનાની જાણ અશોકે અન્ય દુકાનદારો અને સગાસંબંધીઓને કરતા અંતે તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ આ અરસામાં ગઠિયો તો વાપી તરફ પલાયન કરી ગયો હતો, બનાવની સમગ્ર હકીકત દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી હતી, અંતે છેતરાયેલા વેપારીએ અજાણ્યા ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી, અને દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે ઠગને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.