Tuesday, October 22News That Matters

વાપીમાં GPCBની વર્ષ 2022માં 34 કંપનીને ક્લોઝર, 336 ને શૉ-કોઝ, તો 28ને નોટિસ ઓફ ડાયરેકશન ફટકારતી કાર્યવાહી

વાપીમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) એ જાન્યુઆરી 2022 થી ડિસેમ્બર 2022 સુધીમાં 34 કંપનીને ક્લોઝર નોટિસ, 336 ને શૉકોઝ નોટિસ, તો 28 કંપનીને નોટિસ ઓફ ડાયરેકશન ફટકાર્યું છે. આ સાથે 2 કંપનીઓ સામે લીગલ ફાઇલ કરી 2000થી વધુ કંપનીઓમાં ઇન્સ્પેકશન હાથ ધરી મહત્વની કામગીરી કરી છે. વલસાડ જિલ્લાના વાપી GIDC માં GPCB એ કેટલીક કંપનીઓ સામે માતબર રકમનો દંડ ફટકારી પ્રદુષણ ઓકતા કે કેમિકલ વેસ્ટનો બારોબાર નિકાલ કરતા એકમો સામે ગત વર્ષે લાલ આંખ કરી છે. જે વર્ષ 2023માં પણ યથાવત રહેશે તો વાપીના પ્રદુષણ પર કન્ટ્રોલ પણ યથાવત રહેશે.

 

 

વાપી GIDCના એકમો વર્ષોથી પ્રદુષણ મામલે બદનામ થતા એકમો છે. ભૂગર્ભ જળ, હવા પ્રદુષણ અને ઘન કચરાના મામલે વર્ષોથી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા અનેક એકમો સામે કરોડોનો દંડ ફટકાર્યો છે. તેમ છતાં વાપી GIDC માં પ્રદુષણ ફેલાવતા એકમોના સંચાલકો સુધર્યા નથી. વર્ષ 2022માં 34 કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવી છે.

 

 

વલસાડ જિલ્લાના વાપી સહિત ગુંદલાવ સુધીના પટ્ટામાં અને વાપીથી ઉમરગામ સુધીના વિસ્તારમાં કેમીકલ, ફાર્માસ્યુટિકલ, પેપર, એન્જીનીયરીંગ, પેકેજીંગ જેવી અંદાજિત 4 હજારથી વધુ કંપનીઓ કાર્યરત છે. આ ઉદ્યોગોમાં કેટલાક ઉદ્યોગો દ્વારા પ્રદુષણ ફેલાવી વાપીને પ્રદુષિત ઝોનમાં સામેલ કરી દીધું હતું. જો કે થોડા વર્ષો પહેલા ઉદ્યોગકારોને પ્રતાપે વાપી ક્રિટિકલ ઝોનમાંથી બહાર નીકળ્યું હતું. પરંતુ ફરી એ જ પરિસ્થિતિ નિર્માણ થતી જોયા બાદ GPCB તેના પર નિયંત્રણ લાવવામાં સફળ થઈ રહ્યું છે.

 

 

 

વર્ષ 2019 અને વર્ષ 2020માં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા એકમોમાં જે કાર્યવાહી કરવામાં આવી હતી. તે જોતા ક્રિટીકલ શ્રેણીમાંથી બહાર આવ્યા બાદ પણ વાપી GIDC માં પ્રદુષણ બાબતે કોઈ સુધારો થયો નહોતો. છાશવારે બનતા ગંભીર આગના બનાવો, વેસ્ટ કેમિકલને સગેવગે કરવાના ગોરખધંધા મોટાપાયે ફુલ્યાફાલ્યા છે. વર્ષ 2019માં GBCB એ 46 એકમોને ક્લોઝર નોટિસ, 174 એકમોને શો – કોઝ પાઠવી હતી. વર્ષ 2020 માં વાપી વસાહતમાં પ્રદુષણ ઓકતી 55 કંપનીને ક્લોઝર, 119 કંપનીઓને શૉકોઝ અને 30 એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન અપાયા હતાં. જ્યારે વર્ષ 2021માં 45 કંપનીઓને ક્લોઝર અપાયા બાદ GPCB ની ટીમે સતર્ક બની 2022માં જાન્યુઆરી થી ડિસેમ્બર દરમ્યાન 34 કંપનીને ક્લોઝર નોટિસ, 336 ને શૉકોઝ નોટિસ, તો 28 કંપનીને નોટિસ ઓફ ડાયરેકશન ફટકારી મહત્વની કામગીરી કરી હતી.

 

 

 

વાપી GIDC ના પ્રદૂષણકારી એકમોને કારણે પાણી, હવા ને પારાવાર નુકસાન થયું છે. જોખમી ઘન કચરા અંગેના જરૂરી માપદંડોનું પાલન કરવામા આવતું નથી. પરિણામે વાપી GIDC ની છબી સતત ખરડાઈ રહી હતી. જે અંગે NGTએ પણ અનેકવાર ટકોર કરી કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વાપીમાં ભૂગર્ભ જળ, હવાના પ્રદુષણ અંગે છેલ્લા 4 વર્ષની પરિસ્થિતિ જોઈએ તો હવાના પ્રદુષણ મામલે AQI 300 પાર પહોંચ્યો હોવાના રેકોર્ડ નોંધાયા છે. કેમિકલયુક્ત પાણીના નિકાલને મામલે નદી-નાળા માં COD-BOD નું પ્રમાણ અનેકવાર જળવાયું નથી. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ આ અંગે દર વર્ષે પ્રદૂષણકારી એકમો સામે કાયદાનો દંડો ઉગામે છે. જેને લઈને આ વર્ષે GIDC માં આવેલા એકમોના સંચાલકો કાયદામાં રહેશે તો જ જિલ્લાની જનતા પ્રદુષણ મામલે ફાયદામાં રહેશે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *