સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આદિવાસી બાળકની થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. અંધશ્રધ્ધામાં નાણાંકીય લાભ મેળવવા પાવરફૂલ બનાવવાની લાલચ આપી તાંત્રિકે ધાર્મિક વિધિ માટે બાળકની બલી ચઢાવી હોવાનું પોલીસ સમક્ષ ખુલ્યું છે. પોલીસે આ મામલે 2 આરોપીઓની ધરપકડ છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા એક કિશોરને સુરત ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી ગુનાના ઉપયોગમાં લેવાયેલા હથિયારને કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
30 ડિસેમ્બરે 2022 ના રોજ સેલવાસ પોલીસ મથકે સાયલીમાં રહેતા વારલી સમાજના ગણેશ માહલા કોલાએ પોતાના 9 વર્ષિય પુત્ર ચૈતા ગણેશ માહલા કોલાની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ બીજા દિવસે 31 ડિસેમ્બર 2022 ના રોજ વાપીના કરવડની દમણગંગા નહેરમાંથી એક બાળકનો શિરચ્છેદ થયેલી હાલતમાં મૃતદેહ જોવા મળતા વાપી ડુંગરા પોલીસની સાથે સેલવાસ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ દોડી ગઈ હતી. જ્યાં બાળકના મૃતદેહનું નિરીક્ષણ કરતા આ મૃતદેહ સેલવાસના ગુમ થયેલા આદિવાસી બાળકનો હોવાનું સામે આવ્યું હતું.
દાદરા નગર હવેલી પોલીસ અધિક્ષક પિયુષ ફૂલઝેલના નેતૃત્વમાં સેલવાસ પોલીસે ટીમનું ગઠન કરી તપાસ હાથ ધરી હતી. 100 જેટલા પોલીસની ટીમે ઔદ્યોગિક વિસ્તારના કામદારો અને દુકાનદારોનું વેરિફિકેશન, મોબાઈલ કોલ રેકોર્ડનું વિશ્લેષણ કર્યું હતું. બાળકના પરિવાર તથા તેમના સંબંધીઓનું કાઉન્સિલિંગ કરવાની સાથે શંકાસ્પદ લોકોની ચકાસણી કરાઈ હતી. તપાસ દરમ્યાન 1 જાન્યુઆરી 2023ના સાયલીની ચિકન શોપ પર કસાઈનું કામ કરતો એક કિશોર શંકાના દાયરામાં આવ્યો હતો. જેની આ હત્યા પ્રકરણમાં સંડોવણી હોવાનું ખુલતા પોલીસે તેની અટક કરી પૂછપરછ કરતા તેણે આ હત્યાના પ્રકરણ પરથી પડદો ઉચક્યો હતો.
કિશોરે કબૂલ્યું હતું કે તેણે તેના સાથી મિત્રો શૈલેષ અફાન કોહકેરા, રમેશ સનવર સાથે મળીને આર્થિક ફાયદાના લોભ લાલચમાં આવી તાંત્રિક વિધિના રૂપે ધાર્મિક વિધિ માટે આદિવાસી બાળકનું અપહરણ કરી તેની નરબલી આપવા હત્યા કરી હતી. તેનું શિરચ્છેદ કરેલું માથું અને પગ જે જગ્યાએ દાટયા હતા તથા નરબલી માટે જે હથિયાર જ્યાં ફેંક્યા હતા, એ જગ્યાનું વિવરણ કિશોરે પોલીસને આપ્યું હતું. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી પકડાયેલા કિશોરને CCL (Child in conflict with law) અંતર્ગત અટકાયત કરી જે જગ્યાએ બાળકની બલી આપવામાં આવી હતી. એ જગ્યાએથી હથિયારો, બાળકના અન્ય અંગો પોલીસે રિકવર કર્યા હતા. આ હત્યાના ગુનામાં પોલીસે કિશોર વયની ઉમરના તરૂણ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસના હાથે પકડાયેલા કિશોરે પોલીસ સમક્ષ કબુલાત કરતા જણાવ્યું હતું કે, આર્થિક તંગીને દૂર કરવા અને અઢળક પૈસા મેળવવા માટે તાંત્રિક ધાર્મિક વિધિના ભાગરૂપે નરબલીનાં કાવતરા માટે સેલવાસના અથાલમાં રહેતો રમેશ સાંવરે તેને ઉશ્કેરતો હતો. જેને લઈ તેણે મિત્ર શલેષ સાથે આ નરબલી ચઢાવવાનું કાવતરું રચ્યું હતું, જેથી પોલીસે આ હત્યાના ગુનામાં દાનહના અથાલમાં રહેતા 53 વર્ષિય રમેશ ભાડીયા સાંવરે તથા વાપીના ડુંગરી કરાડ ખાતે રહેતો અને મૂળ ડાંગ સુબીરના ઉપલા મહલ ખાતે રહેતો 28 વર્ષિય શૈલેષ અફાન કોહેરાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.