વાપીની જાણીતી અંગ્રેજી માધ્યમિક શાળા એવી R. S. ઝૂનઝૂનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં શનિવારે સાંજે Almafiesta Euphoria-2023 ના બેનર હેઠળ એન્યુઅલ ડે નો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના નાણાં-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનું દેસાઈ, સીકર રાજસ્થાનના સાંસદ સ્વામી સુમેધા નંદ સહિતના મહાનુભાવોના હસ્તે શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થોનું સન્માન કરવામાં આવ્યું હતું. એન્યુઅલ ડે નિમિતે શાળાના 550 જેટલા વિદ્યાર્થીઓ ડાન્સ સાથેના રંગારંગ કાર્યક્રમની પ્રસ્તુતિ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતાં.
વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલ R. S. ઝૂનઝૂનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આયોજિત આ કાર્યક્રમ દરમ્યાન શાળાના મેનેજીંગ ડિરેકટર નિલેશ રાઠોડ દ્વારા શાળામાં લેવાતા અભ્યાસક્રમો અને સ્પોર્ટ્સ એક્ટિવિટી અંગેની વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી.
કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યના નાણાં-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનું દેસાઈએ શાળાના અભ્યાસલક્ષી કાર્યક્રમો ની સરાહના કરી હતી. તેમજ આગામી દિવસોમાં આવનાર નવી શિક્ષણનીતિ બાળકોના ઘડતર માટે મહત્વની સાબિત થશે અને દેશ શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો સીકર રાજસ્થાનના સાંસદ સ્વામી સુમેધા નંદજીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજનું ઘડતર કરે છે. દેશની સંસ્કૃતિને જાળવવા સંસ્કાર સાથેનું શિક્ષણ આપવું અતિ મહત્વનું છે. R. S. ઝૂનઝૂનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરાવાય છે તે બદલ મેનેજીંગ ટ્રસ્ટી નિલેશ રાઠોડ અને તેની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.
શાળાના આ એન્યુઅલ ડે અંગે શાળાના પ્રિન્સિપલ ડૉ. રિચા શાહે જણાવ્યું હતું કે, આ એન્યુઅલ ડે માટે શાળા પરિવારે સખત મહેનત કરી તેને સફળ બનાવ્યો છે. Almafiesta Euphoria-2023 ના બેનર હેઠળ આયોજિત એન્યુઅલ ડે રંગારંગ કાર્યક્રમમાં શાળાના 550 બાળકોએ ભાગ લઈ નૃત્ય સહિતના કાર્યક્રમો રજૂ કર્યા હતાં.
એન્યુઅલ ડે નિમિતે ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર, પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, પાલિકા વોર્ડના સભ્યો સહિતના અતિથિ વિશેષની હાજરી માં યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. જે તમામના હસ્તે સ્કૂલ ટોપર્સ સ્ટુડન્ટ્સને રોકડ પ્રાઇઝ, સ્પોર્ટ્સમાં સ્ટેટ લેવલે ટોપ રહેલા સ્ટુડન્ટ્સને ટ્રોફી સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.