Tuesday, October 22News That Matters

બર્ન કેસની સારવાર અને સ્કિન બેન્ક અંગે વાપીની SSRCN નર્સિંગ કોલેજમાં નિષ્ણાંત તબીબોએ આપ્યું માર્ગદર્શન

વાપીમાં આવેલ સાન્દ્રાબેન શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગ ખાતે અભ્યાસ કરતા નર્સિંગ વિદ્યાર્થીઓ માટે 2 દિવસીય કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે પણ મહિલા કે પુરુષ દાઝી જાય અને એવા કેસ હોસ્પિટલમાં આવે ત્યારે તેમને પ્રથમ સારવાર કઈ રીતે આપવી, પ્લાસ્ટિક કે કોસ્મેટિક સર્જરી કઈ રીતે કરવી, દેશમાં સ્કિન બેન્ક ની કેટલી આવશ્યકતા છે. તે અંગે નિષ્ણાંત સર્જનો દ્વારા વર્કશોપનું આયોજન કરી વિસ્તુત જાણકારી આપવામાં આવી હતી.

 

 

દેશમાં અને વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ દાઝી જાય ત્યારે એ ઘટના તેમને માટે અસહ્ય પીડાદાયક હોય છે. આવા કેસમાં દર્દીનો જીવ કઈ રીતે બચી શકે, પ્રથમ પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી, બર્ન પેશન્ટની કાળજી કઈ રીતે લેવી તે અંગે હજુ પણ ઉપયોગી જાણકારીનો મેડિકલ ક્ષેત્રે અભાવ છે. જેને પૂર્ણ કરી નર્સિંગ સ્ટાફમાં બર્ન કેસ અંગે સારી સ્કીલ્ડ ડેવલોપ થાય તે માટે વાપીમાં આવેલ સાન્દ્રાબેન શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગ (SSRCN) ખાતે અભ્યાસ કરતા નર્સિંગ વિદ્યાર્થીઓને મુંબઈના નેશનલ બર્ન્સ સેન્ટરના મેડિકલ ડાયરેકટર અને પ્લાસ્ટિક સર્જન ડૉ. સુનિલ કેશવાણીએ પેનલ ડિસ્કશન અને વર્કશોપના માધ્યમથી બર્ન્સ કેસમાં થતી ટ્રીટમેન્ટ અને સ્કિન બેન્ક અંગે સજાગ કર્યા હતા.

 

 

બર્ન્સ કેસ અને સ્કિન બેન્ક અંગે પ્લાસ્ટિક સર્જન ડૉ. સુનિલ કેશવાણીએ જણાવ્યું હતું કે, બર્ન કેસમાં ભારતમાં સારી કાળજી સાથેની સારવાર થતી નથી. હોસ્પિટલોમાં બર્ન યુનિટ નથી. સ્કિન બેન્ક નથી. આ અંગે નર્સિંગ સ્ટાફમાં અને સામાન્ય જનતામાં જાગૃતિ આવે તે જરૂરી છે. કોલેજમાં નર્સિંગ સ્કીલ્ડ સેન્ટર ઉભા કરી તેને તે અંગે માર્ગદર્શન આપવામાં આવે તો દાઝવાની ઘટનામાં અનેક લોકોને સારી સારવાર આપી તેના જીવ બચાવી શકાય છે.

 

 

ડૉ. સુનિલ કેશવાણીએ ઉમેર્યુ હતું કે, વાપી જેવા ઔદ્યોગિક વિસ્તારમાં બર્ન કેસનું પ્રમાણ વધુ હોય છે. સામાન્ય રીતે દાઝવાના પાંચ પ્રકાર છે. જેમાં અચાનક આગથી દાઝવું,(ફાયર બર્ન), ગરમ પાણી, દૂધ કે એ પ્રકારના પ્રવાહીથી દાઝવું જેને લિકવિડ બર્ન કહેવાય છે. જે બાદ કેમિકલ બર્ન્સ, ઇલેક્ટ્રિકલ બર્ન અને રેડીયોએક્ટિવિટી બર્ન છે. જેમાં કેમિકલ બર્ન અને ઇલેક્ટ્રીક બર્ન્સ દર્દી માટે ઘાતક છે. આ પ્રકારના કેસમાં દર્દીની ચામડી બળી જાય છે. તેને અસહ્ય પીડા થાય છે. શરીરનો તે ભાગ બેડોળ થઈ જાય છે. અંગો વાંકાચૂકા થઈ જાય છે. આ માટે અલગથી ચામડી લગાડવી પડે છે. જે માટે દેશમાં સ્કિન બેંકની આવશ્યકતા છે. આ સ્કિન બેંકમાં મૃત વ્યક્તિના આંખ, પગ અને પીઠ ના ભાગેથી ચામડી દાનમાં લેવામાં આવે છે. જેને દાઝેલા દર્દીના તે ભાગ પર લગાડવામાં આવે છે.

 

દાઝેલા વ્યક્તિના શરીર પર સૌપ્રથમ સ્કિન બેન્કમાંથી મેળવેલ ચામડી લગાડવામાં આવે છે. જે બાદ દર્દીના શરીરના ભાગ પરથી ચામડી લઇ તે લગાડવામાં આવે છે. જેને પ્લાસ્ટિક સર્જરી કહેવામાં આવે છે. એજ રીતે બેડોળ શરીર પરના ડાઘ દૂર કરવા વાંકાચૂકા અંગોને ફરી સારા કરવા કોસ્મેટિક્સ સર્જરી કરવી પડે છે. રોફેલ નર્સિંગ કોલેજમાં આયોજિત આ વર્કશોપ અંગે કોલેજના ટ્રસ્ટી સાન્દ્રાબેન શ્રોફે જણાવ્યું હતું કે નર્સિંગ પડકારજનક ફરજ છે. જેમાં મહેનત અને માનસિક તાણ સાથે નર્સ 24 કલાક ફરજ બજાવે છે. તેની પાસે સારું નોલેજ હશે તો તે બર્ન પેશન્ટની વધુ સારી કાળજી લઈ શકશે. જેઓને પ્રોત્સાહન પૂરું પાડવા આવા વર્કશોપનું આયોજન જરૂરી છે.

 

 

ઉલ્લેખનીય છે કે, ફાયર બર્નની કે એસિડ બર્ન ની ઘટનામાં મહિલાઓએ ખૂબ જ સહન કરવું પડે છે. દાઝેલી મહિલાઓ સાથે જલ્દી કોઈ લગ્ન કરવા તૈયાર થતા નથી. ત્યારે આવી મહિલાઓની કોસ્મેટિક સર્જરી ઉપયોગી નીવડે છે. આ સર્જરી પીડિત મહિલાઓને નવું જીવન આપી શકે છે. તો, પ્લાસ્ટિક સર્જરી માટે સ્કિન બેંકનું મહત્વ અને ફર્સ્ટ બર્ન ટ્રીટમેન્ટની જાણકારી દાઝેલા વ્યક્તિને નવું જીવન આપી શકે છે. સેમિનારના આ મહત્વના ઉદેશયમાં કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *