ભારત સરકારના નાણામંત્રાલયે આપેલા 2022 ડિસેમ્બર GST ના અંકડાઓમાં ફરી એકવાર ફલિત થયું છે કે, પાછલાં 2 મહિનાથી રાજ્યના ઉદ્યોગોમાં આયાત નિકાસ માટેના પ્રોડક્શન પર બ્રેક લાગી રહી છે. જેને કારણે ગુજરાતમાં નવેમ્બર મહિનાની તુલનાએ ડિસેમ્બર મહિનામાં પણ આવક ઘટી છે.
ભારત સરકારના નાણાં મંત્રાલયે આપેલા આંકડા મુજબ 2022 ડિસેમ્બર મહિનામાં દેશની કુલ GST આવક 1,49,507 કરોડ હતી. જેમાં CGST 26,711 કરોડ હતી, SGST 33,357 કરોડ હતી, IGST 78,434 કરોડ હતી (માલની આયાત પર એકત્ર કરાયેલ ₹ 40,263 કરોડ સહિત) અને ₹ 10,433 કરોડ (માલની આયાત પર એકત્રિત ₹ 850 કરોડ સહિત) સેસ હતો.
સરકારે નિયમિત સેટલમેન્ટ તરીકે IGSTમાંથી રૂ. 36,669 કરોડ CGST અને રૂ. 31,094 કરોડ SGSTને પતાવટ કર્યા છે. ડિસેમ્બર 2022માં નિયમિત સેટલમેન્ટ પછી કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે રૂ. 63,380 કરોડ અને SGST માટે રૂ. 64,451 કરોડ છે.
હવે છેલ્લા 5 મહિના દરમિયાન નોંધાયેલ માસિક કુલ GST આવક તેમજ ગુજરાત, DDDNH ના એકત્રિત કરવામાં આવેલ GSTના આંકડા જોઈએ તો ડિસેમ્બરે 2022માં ગુજરાતની 9238 કરોડની GST ની આવક થઈ છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવમાં 317 કરોડ થઈ છે. દેશની કુલ GST આવક 1,49,507 કરોડ થઈ છે.
નવેમ્બર મહિનાની તુલનાએ ડિસેમ્બર મહિનામાં 95 કરોડ ની ઘટ……
નવેમ્બર 2022માં ગુજરાતની 9333 કરોડની GST ની આવક હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવમાં 304 કરોડ હતી. દેશની કુલ GST આવક 1,45,867 કરોડ હતી. એટલે કે દેશની કુલ GSTની આવકમાં ગત મહિમાની તુલનાએ ડીસેમ્બર માં 3640 કરોડનો વધારો છે. પરંતુ ગુજરાત ની નવેમ્બર મહિનાની તુલનાએ ડિસેમ્બર મહિનામાં 95 કરોડ ની ઘટ છે. જ્યારે DDDNH માં 13 કરોડ વધુ આવક થઈ છે.
ઓગસ્ટમાં દેશની કુલ GST આવક 1,43,612 કરોડ હતી…….
ઓક્ટોબર 2022માં ગુજરાતની 9469 કરોડની GST ની આવક હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવમાં 279 કરોડ હતી. સપ્ટેમ્બર 2022માં ગુજરાતની 9020 કરોડની GST ની આવક હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવમાં 312 કરોડ હતી. ઓગસ્ટ 2022માં 8684 કરોડની GST ની આવક હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દિવમાં 310 કરોડ હતી. ઓગસ્ટમાં દેશની કુલ GST આવક 1,43,612 કરોડ હતી.
ટૂંકમાં નવેમ્બર મહિના બાદ ડિસેમ્બર મહિનામાં પણ ગુજરાત રાજ્યની GSTની આવકમાં ઘટાડો યથાવત રહ્યો છે. ઘટાડો હાલ મામુલી છે. પરંતુ ઉદ્યોગકારોનું માનીએ તો અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન જેવા દેશોમાં ચાલતો વૈશ્વિક મંદી નો દૌર હવે ભારતના ઉદ્યોગોને નડી રહ્યો છે. વલસાડ જિલ્લાની વાપી, સરીગામ, ઉમરગામ GIDC અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ઉદ્યોગકારો પાસેથી મળતી વિગતો મુજબ ઓક્ટોબર મહિનાથી અનેક ઉદ્યોગોનું પ્રોડકશન ઘટ્યું છે. નવેમ્બર બાદ ડિસેમ્બર મહિનામાં પણ મોટાભાગના ઓર્ડર મળ્યા નથી. એટલે ઉત્પાદન પર રોક લાગી છે. વિદેશથી આવતું રો-મટિરિયલ મોંઘું થયું છે. ઉપરાંત પૂરતા ઓર્ડર મુજબ મળતું નથી. એટલે ફિનિશ ગુડ્સ પણ તૈયાર કરી શકાતું નથી. ફિનિશ ગુડસના ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે. અનેક કંપનીઓ હાલ રિસેશન પર છે. કામદારોના પગરભથ્થા અને અન્ય ખર્ચ પણ નીકળતો નથી.
દેશમાં વર્તાતી મંદી ના કારણો અંગે જાણકારો જણાવે છે કે, રશિયા યુક્રેન વચ્ચે ચાલતું યુદ્ધ આયાત નિકાસ પર અસર કરી રહ્યું છે. તેનાથી વધુ અસર સ્થાનિક લેવલે દેશમાં વધતી મોંઘવારીએ ઉભી કરી છે. સરકારમાં વધેલા ભ્રષ્ટાચાર પર ખુદ સરકારનો કાબુ નથી. વધુ ને વધુ રેવન્યુ જનરેટ કરવાની સરકારની લાલસામાં અત્યાર સુધી માત્ર જનતા સરકાર પર આક્રોશ ઠાળવતી હતી. હવે, ઉદ્યોગકારો પણ સરકાર સામે આક્રોશ ઠાલવે તો નવાઈ નહિ.
મહારાષ્ટ્રમાંથી 23,598 કરોડ GST ની આવક……
ઉલ્લેખનીય છે કે ગુજરાતની GST ની ડિસેમ્બર મહિનાની આવકની તુલનાએ મહારાષ્ટ્રમાંથી 23,598 કરોડ, કર્ણાટકમાંથી 10,061 કરોડની આવક થઈ છે. જે દેશના મોડેલ અને ઔદ્યોગિક હબ ગણાતા ગુજરાત કરતા ક્યાંય વધુ છે. જ્યારે તામિલનાડુ ની GST ની આવક 8324 અને ઉત્તરપ્રદેશ ની GST ની આવક 7178 કરોડની છે.