દેશમાં હિંદી ભાષાનો પ્રચાર પ્રસાર થાય, નવી શિક્ષણ નીતિથી શિક્ષકો વાકેફ બને, બાળકોને હિન્દી ભાષાનું જ્ઞાન મળે, દેશમાં હિન્દી ભાષાને રાષ્ટ્ર ભાષાનો દરજ્જો મળે તેવા ઉદેશથી દેશભરમાં અને વિદેશમાં વર્કશોપના માધ્યમથી હિન્દી ભાષાનો પ્રચાર કરતી સંસ્થાના આગેવાનોએ વાપીમાં એક વર્કશોપનું આયોજન કર્યું હતું. જેમાં વાપી, વલસાડ, સેલવાસ, દમણની વિવિધ શાળાના 120 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.
સમગ્ર દેશ અને વિદેશમાં હિન્દી ભાષાના પ્રચાર પ્રસાર કરતાં લેખકો દ્વારા વાપી ખાતે આવેલ શ્રી રાજ રાજેશ્વરી રિસોર્ટ ખાતે હિન્દી ભાષા પર વિશેષ વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપ અંગે હિન્દી ભાષાના રિસોર્સ પર્સન ડૉ. ડી. વી. સીંગે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તેમણે દેશ અને વિદેશના ખાડી દેશોમાં 800 થી 875 જેટલા વર્કશોપ કર્યા છે. ભારતમાં હિન્દી ભાષાનો વિકાસ થાય હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળે તેવું સપનું ગાંધીજીએ અને રાજેન્દ્ર પ્રસાદએ જોયું હતું. જોકે ભારતમાં અનેક ભાષાઓ હોવાના કારણે હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે નો દરજ્જો મળ્યો નથી. ત્યારે તે અંગે પ્રચાર પ્રસાર કરી લોકોમાં જાગૃતિ લાવી હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળે તે માટે વાપીમાં પણ આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
વાપીમાં આયોજિત વર્કશોપમાં વાપી વલસાડ, સેલવાસ, દમણની વિવિધ શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોને આમંત્રણ પાઠવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં નવી શિક્ષણ નીતિ અંગે તેમજ બાળકોને ભાષાકીય જ્ઞાન કઈ રીતે આપી શકાય. હિન્દી ભાષાને સન્માન મળે તે માટે શિક્ષકો દ્વારા કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે અંગે નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું.

હિન્દી ભાષાના પ્રચાર પ્રસાર અંગે અને હિન્દી ભાષામાં થયેલા વિવિધ પરિવર્તન પરની ચર્ચા અંગે વેસ્ટ ઝોનના રિજિયોનલ હેડ વેસ્ટ દિનેશચંદ્ર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ વર્કશોપ માં 120 જેટલા શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતાં. જે તમામને હિન્દી ભાષા અને નવી શિક્ષણ નીતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે જી. રામ બુક્સ દ્વારા આયોજિત હિન્દી ભાષાના પ્રચાર પ્રસાર માટેના આ કર્યક્રમમાં ડો. રાજેશ્રી ચૌહાણ શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિરના શિક્ષક સહિત મોટી સંખ્યામાં અન્ય શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.



