વાપી GIDC માં 100 શેડ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લોટ નંબર C1/49 માં કાર્યરત જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ડુપેન લેબોરેટરીઝ પ્રાઇવેટ લીમીટેડ (Dupen Laboratories Pvt. Ltd.) માં વાપી GIDC પોલીસે બાતમી આધારે ખોદકામ કરી કંપની સંચાલકો દ્વારા જમીનમાં દાટેલો બાયો મેડિકલ વેસ્ટ બહાર કાઢ્યો હતો. પોલીસે આ અંગે GPCB ને જાણ કરતા GPCB ની ટીમે સ્થળ નિરીક્ષણ કરી જમીનમાં દાટેલ બાયોમેડીકલ વેસ્ટના સેમ્પલ લઈ રિપોર્ટ તૈયાર કરી તેને વડી કચેરીએ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાપી GIDC પોલીસને બાતમી મળી હતી કે, વાપી GIDC માં 100 શેડ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લોટ નંબર C1/49 માં કાર્યરત ફાર્માસ્યુટિકલ કંપની ડુપેન લેબોરેટરીઝ પ્રાઇવેટ લીમીટેડ (Dupen Laboratories Pvt. Ltd.)ના સંચાલકો દ્વારા કંપનીમાંથી નીકળતો બાયો મેડિકલ વેસ્ટ સરકારની ગાઈડલાઈન મુજબ નષ્ટ કરવાને બદલે કંપની પરિસરમાં જ જમીનમાં દાટી દઇ જમીનને ખરાબ કરી રહ્યા છે.
આ બાતમી આધારે GIDC પોલીસની એક ટીમે ડુપેન લેબોરેટરીઝ કંપનીમાં જઇ કંપની પરિસરમાં બાતમી વાળી જગ્યાએ ખોદકામ કર્યું હતું. જેમાં જમીનમાંથી એક્સપાયરી ડેટ થયેલ દવાનો મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો. જે કેટલો હાનિકારક હોઈ શકે તેની જાણકારી મેળવવા GPCB ને જાણ કરવામાં આવી હતી. GPCB ની ટીમે પોલીસ સાથે સંયુક્ત રીતે કાર્યવાહી કરી જમીનમાંથી મળેલા બાયોમેડીકલ વેસ્ટના જથ્થાના સેમ્પલ કલેક્ટ કર્યા હતાં.
હાલ આ અંગે GPCB ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમામ બાયોમેડીકલ વેસ્ટના સેમ્પલ કલેક્ટ કર્યા બાદ તે અંગેનો રિપોર્ટ તૈયાર કરી વડી કચેરી ગાંધીનગર ને સુપ્રત કરવામાં આવ્યો છે. જે રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે કે આ મેડિકલ વેસ્ટ કેટલો નુકસાનકારક છે. અને તે બાદ કંપની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. પોલીસ અને GPCB ના અધિકારીઓએ જમીનમાંથી બહાર કાઢેલ મેડિકલ વેસ્ટ તાજેતરનો છે. અને અંદાજિત 100 કિલોથી વધુનો છે. જેમાં કંપનીમાં બનતી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ એવી ટેબ્લેટ, કેપસ્યુલ, સીરપ, ઓરલ કેર, ઓરલ હેલ્થ કેર, ડેન્ટલ જેલ, પાવડર, ક્રીમનો એક્સપાયરી ડેટ જથ્થો મળી આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વાપી GIDC માં 100 શેડ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લોટ નંબર C1/49 માં કાર્યરત જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ડુપેન લેબોરેટરીઝ પ્રાઇવેટ લીમીટેડ (Dupen Laboratories Pvt. Ltd.) ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે જાણીતી કંપની છે. તેના પરિસરમાંથી જ નિયમોની ઐસી કી તૈસી કરતો બાયો મેડિકલ વેસ્ટ મળી આવતા અન્ય ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. જ્યારે ડુપેન લેબોરેટરીઝ ના કારનામાનો GPCB ની લેબોરેટરીમાથી કેવો રિપોર્ટ આવે છે. અને કંપની સામે કેવી કાર્યવાહી થશે તેના પર સૌ મીટ માંડી ને બેઠા છે.