Friday, January 31News That Matters

દમણગંગા નદી કિનારે કિંમતી વૃક્ષોનો સફાયો કરી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટે ડઝનેક JCB-ટ્રક લગાવી જમીન સમથળ કરવાની કામગીરી પુરજોશમાં 

જનતાને સ્વચ્છ ભારત, આત્મનિર્ભર ભારતનું  સ્વપ્ન બતાવી પાછલાં બારણે સરકારના અધિકારીઓ ઉદ્યોગપતિઓ સાથે મળી કેવા ખેલ કરે છે. તેનું તાજું ઉદાહરણ વાપીમાં બન્યું છે. આગામી દિવસોમાં વાપી GIDCમાં પ્રદુષણને ઘટાડવાને બદલે વધારવાની હિલચાલ શરૂ થઈ છે. એ માટે કિંમતી સાગ ધરાવતી કરોડોની જમીન પરના વૃક્ષોનો સફાયો કર્યા બાદ હવે સમગ્ર જમીનનું લેવલિંગ કરવા ડઝનેક JCB, ટ્રક લગાવી પુરજોશમાં કામગીરી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ જગ્યા વાપીની દમણગંગા નદી કિનારે છે. અને અહીં 216 એકરમાં 5000 કરોડનું MOU કરી એક બ્રિફકેશ કંપની ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવી રહી છે.
ઔદ્યોગિક નગરી ગણાતા વાપી GIDC માં હાલ ઉદ્યોગોને ફાળવી શકાય તેવી જમીન બચી નથી. ત્યારે વર્ષો પહેલા GIDC એ જમીન ફાળવ્યા બાદ એ જમીન પર ઝાડ રોપી જંગલ ઉભું કર્યું અને હવે એ જ જંગલનો સફાયો કરી કરોડોની જમીન નજીવી કિંમતે મેળવી એક જ ઉદ્યોગપતિએ કરોડોનો સીધો જ ફાયદો મેળવી લીધો છે. વર્ષ 2023 સુધીમાં વાપીની દમણગંગા નદી કિનારે 216 એકરની કરોડોની કિંમતની જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનવાનો છે. જે માટે વાપી જીઆઇડીસી કચેરી મારફતે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વાપીની ખાનગી કંપનીએ 5000 કરોડના MOU કર્યા છે. નવાઈની વાત એ છે કે આ MOU કરનાર હાલની કંપની અને 2004માં આ જમીન GIDC પાસેથી મેળવનાર કંપની એક છે. પરંતુ નામમાં ફેરફાર કરી આ આખો ખેલ ખેલી નાખ્યો છે. ટૂંકમાં કંપની બ્રિફકેશ કંપની છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 87 હેકટરમાં ફાર્મા, પ્લાસ્ટિક, ટેક્સટાઇલ સહિતના એકમો આવશે. અને ટ્રાન્સપોર્ટના આવગમનને ધ્યાને રાખી 15થી 17 એકરમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવશે. જો કે હકીકત આનાથી ઘણી અલગ છે. આ જમીન કુલ 8,72,866 ચોરસ મીટર છે. જેને ખાનગી કંપનીને 26,16,80,100 રૂપિયામાં આપવાનું GIDC એ નક્કી કર્યું હતું. પરન્તુ કરોડોની જમીન મફતના ભાવે પડાવી લેવાની ખોરી દાનત ધરાવતી ખાનગી કંપનીએ કેટલાક સલાહકારોની સલાહ લઈ તડજોડ કરી માત્ર 60 લાખમાં મેળવી લીધી હતી.
2004માં કરોડોની જમીન માત્ર 60 લાખમાં મેળવ્યા બાદ ફોરેસ્ટ વિભાગ સાથે મળી અહીં સાગ સહિતના વૃક્ષોનું વાવેતર કર્યું હતું. કોઈ ઉદ્યોગ સ્થાપ્યો નહિ. આખરે આ બાબતે જમીન મેળવનાર ખાનગી કંપનીની નીચે રેલો આવતા ફરી 2021માં હિલચાલ શરૂ કરી. આ ખાનગી કંપનીના માલિકોએ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઉભો કરવા અહીંના 5 હજાર જેટલા ઝાડને કાપી જમીન સમથળ કરવાની કાર્યવાહી કરવા સાથે વાયબ્રન્ટ ગુજરાતમાં 5000 કરોડનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઉભો કરવા MOU કરી નાખ્યા છે.
હાલ આ જમીન પર ઝાડનો સફાયો કર્યા બાદ ઉબડખાબડ વાળી જમીનને સમથળ કરી પ્લોટિંગ પાડી શકાય તે માટે જોરશોરથી તૈયારીઓ આરંભી દીધી છે. ડઝનેક JCB દ્વારા ઉંચા ટેકરાવાળી જમીનની માટી ઉલેચી નીચાણવાળા સ્થળોએ માટી પુરાણનું કામકાજ જોરમાં ચાલી રહ્યું છે. એટલે હવે કદાચ આગામી એકાદ બે મહિનામાં જ આ સમગ્ર જમીન લેવલ કરી ફાર્મા, પ્લાસ્ટિક, ટેક્સટાઇલ જેવા ઉદ્યોગોના ઉદ્યોગોને કરોડોના ભાવે જમીન આપી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઉભો કરશે. ઉલ્લેખનીય છે કે, પ્રદુષણ મામલે બદનામ વાપીમાં આ સ્થળે આવનારા ઉદ્યોગો ને કારણે હવે આગામી દિવસોમાં વાપીનું પ્રદુષણ ઘટવાને બદલે વધશે એ ચોક્કસ છે. આ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે સરકાર પણ ઉદાર હાથે મદદ કરતી હોય અહીંના ઉદ્યોગોના આવાગમન માટે નદીના સામેના કાંઠેથી આ કાંઠા પર એક બ્રિજ પણ બનવાનો છે. જેથી અહીં જે પણ ઉદ્યોગકારો ઉદ્યોગ સ્થાપશે તે તમામ માટે પાણી, પરિવહન અને પ્રદુષણ મામલે ફાયદા જ ફાયદા છે. જેમાં આખરે મરો તો વાપીવાસીઓનો થવાનો છે. કેમ કે, અત્યાર સુધી ક્યારેય વાપીવાસીઓનું ભલું નહિ કરનારા ઉદ્યોગપતિઓ પાસે બીજી અપેક્ષા પણ શું હોય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *