વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને વિશ્વકક્ષાએ નામના અપાવી છે. બાબા રામદેવે યોગના અનેક પ્રશિક્ષણ વર્ગો ચલાવી સમાજને રોગ મુક્ત કર્યા છે. ત્યારે યોગ અંગે વધુને વધુ લોકો જાગૃત બને યોગથી રોગ મુક્ત બને તેવા ઉદ્દેશ્યથી વાપીમાં કાર્યરત મહિલા પતંજલિ યોગ સમિતિ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા KBS કોલેજ ખાતે સંયુક્ત યોગ સંવાદ બૈઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
KBS કોલેજ ખાતે આયોજિત સંયુક્ત યોગ સંવાદ બેઠક અંગે ગુજરાત યોગ બોર્ડના કોચ અને મહિલા પતંજલિ યોગ સમિતિના શિક્ષક શીતલ ત્રિગોતરાએ વિગતો આપી હતી કે, વર્ષ 2007થી વાપીમાં મહિલા પતંજલિ યોગ સમિતિમાં દ્વારા નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ વર્ગ ચલાવવામાં આવે છે. તેમજ હાલમાં ગુજરાત યોગ શિક્ષણ બોર્ડ દ્વારા પણ યોગને પ્રોત્સાહન આપવા યોગ ટ્રેનર બનાવવાનું શરૂ કર્યું છે. જેઓ વધુમાં વધુ યોગના વર્ગો ચલાવે આ મેસેજ વધુ માં વધુ લોકો સુધી પહોંચે. તેવા ઉદ્દેશ્યથી વાપી, વલસાડ, દમણ સેલવાસમાં રહેતા યોગ ટ્રેનર્સ ને આમંત્રણ આપી સંયુક્ત યોગ સંવાદ બેઠકમાં બોલાવ્યા હતાં. જેઓ સાથે યોગ અંગે વિચારગોષ્ઠિ કરી યોગનો વધુમાં વધુ પ્રચારપ્રસાર થાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું.
સંવાદ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેલા મહિલા પતંજલિ યોગ સમિતિના દક્ષિણ ગુજરાતના પ્રભારી એવા તનુજા આર્યએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2018થી આ પદ પર બિરાજમાન છે. સમાજને યોગ દ્વારા રોગ મુક્ત કરી શકાય, તે માટે વાપીમાં તેનો પ્રચાર પ્રસાર થાય વધુમાં વધુ યોગ વર્ગો શરૂ થાય લોકો પણ તેમાં જોડાય તે માટે યોગ અંગે ગુજરાત યોગ બોર્ડ અને મહિલા પતંજલિ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત યોગ બોર્ડ અને મહિલા પતંજલિ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે માયાજી અને મંદાકિનીજીએ શીતલ ત્રિગોતરા સાથે મળી આ સંયુક્ત સંવાદ બેઠકનું અયોજન કર્યું હતું. જેમાં વાપીના પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ, RSS, VHP ના સભ્યો સહિત મોટી સંખ્યામાં યોગ ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતાં. જે તમામને યોગ અંગે ઉપયોગી માર્ગદર્શન આપી યોગનો વધુમાં વધુ પ્રચારપ્રસાર થાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું.