Tuesday, October 22News That Matters

વાપી સહિત દેશના ઉદ્યોગો પર તોળાતો મંદી નો ખતરો, GST ની આવકમાં ઘટાડો, વાપીના અનેક ઉદ્યોગોમાં પ્રોડક્શન ઠપ્પ?

વિશ્વભરમાં હાલ ઔદ્યોગિક ક્ષેત્રે વળતા પાણી થતા અમેરિકા, બ્રિટન સહિતના અનેક દેશોમાં અર્થતંત્ર ખાડે જઈ રહ્યું છે. જેમાં હવે ભારતનો પણ નંબર લાગી શકે છે. કેમ કે, ભારતમાં પણ પાછલા વર્ષ 2021 અને પાછલા ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનાની તુલનાએ નવેમ્બરમાં GST ની આવકમાં ઘટાડો નોંધાયો છે. પાછલાં મહિનાથી દેશના ઉદ્યોગોમાં આયાત નિકાસ માટેના પ્રોડક્શન પર બ્રેક લાગી રહી છે. જે આવનારા સમયમાં દેશના અર્થતંત્રને ડામાડોળ કરી શકે છે.  

 

 

 

ભારત સરકારના નાણાં મંત્રાલયે આપેલા આંકડા મુજબ 2022 નવેમ્બર મહિનામાં દેશની કુલ GST આવક ₹1,45,867 કરોડ હતી. જેમાં CGST ₹25,681 કરોડ હતી, SGST ₹32,651 કરોડ હતી, IGST ₹77,103 કરોડ હતી (માલની આયાત પર એકત્ર કરાયેલ ₹38,635 કરોડ સહિત) અને ₹10,433 કરોડ (માલની આયાત પર એકત્રિત ₹817 કરોડ સહિત) સેસ હતો.
સરકારે નિયમિત સેટલમેન્ટ તરીકે IGSTમાંથી ₹33,997 કરોડ CGST અને ₹28,538 કરોડ SGSTને સેટલ કર્યા છે. નવેમ્બર 2022 મહિનામાં નિયમિત સેટલમેન્ટ પછી કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે ₹59678 કરોડ અને SGST માટે ₹61189 કરોડ છે. વધુમાં, કેન્દ્રએ નવેમ્બર 2022માં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને GST વળતર તરીકે ₹17,000 કરોડ પણ જાહેર કર્યા હતા. નવેમ્બર 2022 મહિનાની આવક ગયા વર્ષ 2021ના સમાન મહિનાની GST આવક કરતાં માત્ર 11% વધુ છે, જે વખતે રૂ. 1.31,526 કરોડ હતી. મહિના દરમિયાન, માલની આયાતમાંથી આવક 20% વધુ હતી અને સ્થાનિક વ્યવહાર (સેવાઓની આયાત સહિત) ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી આવક કરતાં માત્ર 8% વધુ છે

હવે છેલ્લા 4 મહિના દરમિયાન નોંધાયેલ માસિક કુલ GST આવક તેમજ ગુજરાત, DDDNH ના એકત્રિત કરવામાં આવેલ GSTના આંકડા જોઈએ તો ગુજરાત માં ઓગસ્ટ 2022માં 8684 કરોડની GST ની આવક હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દિવમાં 310 કરોડ હતી. દેશની કુલ GST આવક 1,43,612 કરોડ હતી.

 

 

 

સપ્ટેમ્બર 2022માં ગુજરાતની 9020 કરોડની GST ની આવક હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવમાં 312 કરોડ હતી. દેશની કુલ GST આવક 1,47,686 કરોડ હતી.

 

ઓક્ટોબર 2022માં ગુજરાતની 9469 કરોડની GST ની આવક હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવમાં 279 કરોડ હતી. દેશની કુલ GST આવક 1,51,718 કરોડ હતી.

નવેમ્બર 2022માં ગુજરાતની 9333 કરોડની GST ની આવક હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવમાં 304 કરોડ હતી. દેશની કુલ GST આવક 1,45,867 કરોડ હતી.

ટૂંકમાં નવેમ્બર મહિનાથી દેશની અને રાજ્યની GST આવકમાં ઘટાડો થયો છે. ઘટાડો હાલ મામુલી છે. પરંતુ ઉદ્યોગકારોનું માનીએ તો ડિસેમ્બર મહિનામાં આ ઘટાડો વધુ અસર કરશે. કેમ કે, અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન જેવા દેશોમાં વૈશ્વિક મંદી નો દૌર હવે ભારતના ઉદ્યોગોને નડી રહ્યો છે. વલસાડ જિલ્લાની વાપી, સરીગામ, ઉમરગામ GIDC અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ઉદ્યોગકારો પાસેથી મળતી વિગતો મુજબ ઓક્ટોબર મહિનાથી અનેક ઉદ્યોગોનું પ્રોડકશન ઘટ્યું છે. નવેમ્બર મહિનામાં મોટાભાગના ઓર્ડર મળ્યા નથી. એટલે ઉત્પાદન પર રોક લાગી છે. વિદેશથી આવતું રો-મટિરિયલ મોંઘું થયું છે. ઉપરાંત પૂરતા ઓર્ડર મુજબ મળતું નથી. એટલે ફિનિશ ગુડ્સ પણ તૈયાર કરી શકાતું નથી. ફિનિશ ગુડસના ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે. અનેક કંપનીઓ હાલ રિસેશન માં છે. કામદારોના પગરભથ્થા અને અન્ય ખર્ચ પણ નીકળતો ના હોય સરકારને રેવન્યુ ચુકવવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. 
દેશમાં વર્તાતી મંદી ના કારણો અંગે જાણકારો જણાવે છે કે, રશિયા યુક્રેન વચ્ચે ચાલતું યુદ્ધ આયાત નિકાસ પર અસર કરી રહ્યું છે. જેનાથી વધુ અસર સ્થાનિક લેવલે દેશમાં વધતી મોંઘવારીએ ઉભી કરી છે. દેશમાં હાલ દરેક ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. લોકોની ખરીદશક્તિ દિવસો દિવસ ઘટી રહી છે. ઉદ્યોગોમાં ઉત્પાદન થતી તમામ ચીજવસ્તુઓ પર આ ભાવવધારો નડી રહ્યો છે. એટલે દેશનું અર્થતંત્ર ધીરેધીરે મંદી ની ગર્તામાં ધકેલાઈ રહ્યું છે. 
જો કે દેશમાં હાલ સ્થિર સરકાર છે. પરંતુ સરકારમાં વધેલા ભ્રષ્ટાચાર પર ખુદ સરકારનો કાબુ નથી. વધુ ને વધુ રેવન્યુ જનરેટ કરવાની સરકારની લાલસા દેખાઈ રહી છે. જેમાં અત્યાર સુધી માત્ર જનતા પીસાતી હતી હવે ઉદ્યોગકારો પણ સરકારના રડારમાં આવી ગયા છે. ટૂંકમાં જો હજુ પણ સરકાર સફાળી જાગશે નહિ, ડામાડોળ થતા અર્થતંત્રને ફરતું રાખવા મોંઘવારી પર કાબુ મેળવશે નહિ તો, આવનારા 6 મહિનામાં ભારત પણ શ્રીલંકા, પાકિસ્તાન, બ્રિટન ની જેમ વૈશ્વિક મંદી ના વમળ માં વધુ ખુંપી જશે અને ફરી એક વાર ભારત પ્રગતિશીલ રાષ્ટ્રને બદલે ગરીબ દેશની ઉપમા પર યથાવત રહેશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *