Sunday, December 22News That Matters

વલસાડ પોલીસે અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો, હત્યારો સરીગામની કંપનીમાં કામ કરતો સગીર યુવક નીકળ્યો

CID સીરિયલમાં ઉકેલતા હત્યાના કેસથી પણ એક ડગલું આગળ વધે તેવા ઇન્વેસ્ટિગેશન સાથે વલસાડ પોલીસે અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. એક વાળંદ અને યુવકનો મોબાઈલ બન્યા મદદરૂપ, જો કે હત્યારો સગીર નીકળ્યો અને મિત્રની જ હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

 

વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ઉમરગામ તાલુકાના કરજગામ ખાતે અજાણ્યા યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મળેલ મૃતદેહ બાદ વલસાડ પોલીસે તેનો ભેદ ઉકેલી હત્યા કરનાર સગીર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનામાં નવાઈની વાત એ છે કે જે હત્યારાની કુંડળી પોલીસ ચોપડે સગીર હોવાની ખુલી છે. યુવકે જેની હત્યા કરી હતી તે તેનો મિત્ર જ હતો અને પુખ્ત યુવક તરીકે તેની સાથે જ સરીગામની કંપનીમાં નોકરી કરતો હતો.
ઘટના અંગે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવે એ વિગતો આપી હતી કે,  21મી નવેમ્બરે કરજગામના વાંજરી ફળીયા, ગુલાબભાઇ વારલીના ખેતરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની પ્રાથમિક તપાસમાં તેની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે મૃતદેહની ઓળખ સાથે હત્યારાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.
જેમાં મૃતક 30 થી 35 વર્ષનો હતી. તેણે તાજેતરના દિવસમાં જ કોઈ હેર સલૂનમાં વાળ કપાવી ડાય કરાવી હતી. એટલે પોલીસે તે દિશામાં તપાસ કરતા સરીગામના એક વાળંદ પાસે તેમણે વાળ કપાવ્યા હોય તે વાળંદે મૃતક યુવકને ફોટો આધારે ઓળખી બતાવ્યો હતો.
જેની પાસે તેનો મોબાઈલ નંબર હતો. અને તેનું નામ દિનેશ પ્રતાપ સિંગ હોવાનું ખુલ્યું હતું. જે સરીગામની હેરંબા ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં કામ કરતો હતો અને મૂળ યુપી નો હતો.
પોલીસે તેના મોબાઈલ નંબરને ચેક કરતા તે યુપી માં હોવાનું જાણવા મળતા પોલીસની એક ટીમ યુપી મોકલી મોબાઈલ લોકેશન પરથી તેની સાથે જ કામ કરતા એક સગીરને ઝડપી લીધો હતો. જેમણે કબુલ્યું હતું કે આ હત્યા તેણે કરી હતી. હત્યાના કારણ અંગે તેમણે ખુલાસો કર્યો હતો કે બંને લૂંટ કરવાનો પ્લાન કરતા હતા જે અંગે બોલાચાલીમાં તેમણે દિનેશ પ્રતાપ સિંગના માથામાં પથ્થર મારી ગળું દબાવી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જો કે જતા જતા હત્યારો મૃતકનો મોબાઈલ અને તેના ખિસ્સામાં રહેલ 250 રૂપિયા પણ લેતો ગયો હતો.
કંપનીમાં યુવકે પુખ્ત વયનો હોવાનો ખોટો પુરાવો આપ્યો હતો…….
ઉલ્લેખનીય છે કે, હત્યારો યુવક સગીર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તો, તે સગીર હોવા છતાં  હેરંબા ઇન્ડસ્ટ્રીઝ માં તેેં કઈ રીતે કામ કરતો હતો. તેે અંગે તપાસ કરતા કંપનીમાં યુવકે પુખ્ત વયનો હોવાનો ખોટો પુરાવો આપ્યો હતો. પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. જો કે હેર કટિંગ અને હેરડાઈ આધારે પોલીસે યુવકના હત્યારાને ઝડપી CID સીરિયલમાં ઉકેલતા કેસથી પણ વધુ રિયલ પોલીસના ઇન્વેસ્ટિગેશન ની અનોખી મિશાલ આપી મહત્વની સફળતા મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *