Friday, October 18News That Matters

કપરાડા બેઠક પર કોંગ્રેસની આશા જીવંત બનતા ભાજપના જીતુ ચૌધરી માટે જોખમ? આપ ના આદિવાસી નેતા લોકપ્રિયતા ટકાવવાની મથામણમાં?

ગુજરાતની 182 વિધાનસભા પૈકી 181- કપરાડા (અ.જ.જા.) બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. આ 7 ઉમેદવારો પૈકી 1 અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. વર્ષોથી કોંગ્રેસના ગઢ તરીકે જાણીતી આ બેઠક પર ભાજપે કોંગ્રેસના જ ઉમેદવાર જીતુ ચૌધરીને ભાજપમાં ખેંચી ગત 2017 પછી 2020માં પેટા ચૂંટણી યોજી જીતુભાઇ ચૌધરીની વિજયયાત્રાને અવિરત રાખી હતી. જે બાદ જીતુ ચૌધરી ને ભાજપ સરકારે રાજ્યના પાણી પુરવઠા પ્રધાનનો હવાલો સોંપતા કોંગ્રેસમાં રહી વિકાસના કામો નહિ થવાની હૈયાવરાળ ઠાલવતા જીતુ ચૌધરીએ ભાજપમાં રહી રસ્તા, પાણી, આરોગ્યના વાયદા પુરા કર્યા છે. જે બાદ હાલમાં ભાજપે 2022માં ફરી જીતુ ચૌધરી ને રિપીટ કર્યા છે. જેમની સામે કોંગ્રેસે વસંત પટેલને તો, આમ આદમી પાર્ટીએ આદિવાસી નેતા ગણાતા જયેન્દ્ર ગાંવિત ને મેદાને ઉતાર્યા છે. કપરાડા બેઠક મુખ્યત્વે કોંગ્રેસ તરફી મતદારો ધરાવતી બેઠક હોય કોંગ્રેસે આ બેઠક ફરી અંકે કરવા જોરશોરથી ચૂંટણી પ્રચાર આરંભ્યો છે.
જીતુ ચૌધરી આ બેઠક પર કોંગ્રેસ તરફથી વર્ષ 2007, 2012 અને 2017ની ચૂંટણી લડ્યા છે. અને જીત્યા છે. 2020માં તેમણે રાજીનામુ આપી ભાજપ તરફથી ચૂંટણી લડ્યા અને 47066 મતથી જીત મેળવી હતી. હાલની 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, BSP, CPI, RSP,  જેવા કુલ 6 પક્ષ અને 1 અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે.
કપરાડા બેઠક પર ચૂંટણી લડી રહેલ ઉમેદવારોના નામ જોઈએ તો…… 
1, જીતુભાઈ હરજીભાઈ ચૌધરી, ભાજપ (BJP) કમળ (Lotus)  
2, વસંતભાઈ બરજુલભાઈ પટેલ,  કોંગ્રેસ (Congress) હાથ (Hand)  
3, જયેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ગાંવિત, આમ આદમી પાર્ટી (AAP) જાડુ (Broom)
4, વૈચંદભાઈ લલ્લુભાઈ પટેલ બહુજન સમાજ પાર્ટી (BSP) હાથી (Elephant)
5, ગુરવ કમલેશભાઈ શ્રવણભાઈ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા CPI (માર્કસિસ્ટ લેનિનીસ્ટ) (લીબ્રેશન) (CPI) ત્રણ તારા સાથે નો ઝંડો (Flag With Three Stars)
6, સુભાષભાઈ રડકા ભાઈ પટેલ, રાષ્ટ્રીય સમાજ પક્ષ (RSP) નિશાન કપ અને રકાબી (Cup And Saucer)
7, ગૌરાંગભાઈ રમેશભાઈ પટેલ અપક્ષ (Independent) નિશાન સ્ટુલ (Stool)
કપરાડા બેઠક પર આમ તો ભાજપના ઉમેદવાર હોટ ફેવરિટ મનાય છે. પરંતુ તેમણે આ પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઈ આ સીટ પર ગત પેટા ટર્મમાં જીત મેળવી હોય આ વર્ષે કોંગ્રેસ જીતના પ્રબળ દાવા કરે છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર આદિવાસી મતદારોમાં વધુ લોકપ્રિય હોય ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ને સારી એવી ટક્કર આપી મતોનું ધ્રુવીકરણ કરી શકે છે.
આદિવાસી ગામોમાં વિરોધનો સુર ઉઠ્યો છે……….
કપરાડા બેઠક કોંગ્રેસનો ગઢ મનાતી હોય કોંગ્રેસના ઉમેદવાર વસંત પટેલ પુરા દમખમ થી પ્રચાર કરી રહ્યા છે. ગામેગામ રાત્રી સભામાં તેમને સારો આવકાર મળી રહ્યો છે. જેની સામે ભાજપના જીતુ ચૌધરીએ સરકારની તમામ યોજનાઓને 1 વર્ષમાં જ ધરાતલ પર ઉતારી હોવા છતાં મતદારોને રિઝવવામાં સફળ થતા દેખાતા નથી. કેટલાક આદિવાસી ગામોમાં તેમની સામે વિરોધનો સુર ઉઠ્યો છે.
કોંગ્રેસના ઉમેદવાર જીતુ ભાઈને હરાવવા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે……….
કપરાડા બેઠક પર 1,35,275 પુરુષ મતદારો, 1,31,195 સ્ત્રી મતદારો મળી કુલ 2,66,475 મતદારો છે. સૌથી વધુ આદિવાસી મતદારો આ બેઠક પર છે. જેઓ 2007થી જીતુ ચૌધરી ને ચૂંટતા આવ્યા છે. તેમ છતાં 2020 સુધી આ વિસ્તારમાં કોઈ જ મહત્વના કામ કે સરકારની યોજના પહોંચી નહોતી. હાલમાં પાણી, રસ્તા, આરોગ્યની સુવિધા મળી છે. જેમાં જીતુભાઇ એ કરેલા પ્રજાલક્ષી કામો આંગળીના વેઢે ગણાય એટલા જ છે. એટલે કોંગ્રેસના ઉમેદવાર આ તમામ મુદ્દા લોકો સમક્ષ રાખી જીતુ ભાઈને હરાવવા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
ત્રીજા ફેક્ટર તરીકે આવેલી આપ પાર્ટીએ ખળભળાટ મચાવ્યો છે…….. 
કપરાડા બેઠક પર કોંગ્રેસને ભાજપ કરતા આમ આદમી પાર્ટીનો ડર વધુ દેખાઈ રહ્યો છે. કેમ કે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ગાંવિત આ વિસ્તારના આદિવાસી નેતા છે. એટલે કોંગ્રેસના મતનું ધ્રુવીકરણ આપ કરી શકે તેમ છે. આપ ના નેતા ને પણ ઠેરઠેર આવકાર મળી રહ્યો છે. આ વિસ્તારમાં આજે પણ પાયાની સુવિધાઓ પૃરી કરાઈ નથી. જે પુરી કરવા અત્યાર સુધી ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો વાયદા કરતા હતાં. જેમાં ત્રીજા ફેક્ટર તરીકે આવેલી આપ પાર્ટીએ ખળભળાટ મચાવ્યો છે.
પરિવર્તન થશે કે કેમ તેના પર સૌ કોઈ નજર માંડીને બેઠું છે……….. 
કપરાડા બેઠક પર કોંગ્રેસ ને ફરી સત્તા કબ્જે કરવાની આશા બંધાઈ છે. ભાજપના જીતુ ચૌધરી ને બેઠક ગુમાવવાનો ડર હોય સતત ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરવા છતાં પણ લીડ સાથે જીતવાનું જોખમ ઉભું થયું છે. કપરાડા ના આદિવાસી મતદારો ને રીઝવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંથી જ 2022ની ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો હતો. જીતુભાઇના ભાજપ માં જવાથી તેમના કોંગ્રેસી સમર્થકો નારાજ છે. ભાજપમાં આવવાથી ભાજપના સમર્થકોમાં પણ નારાજગી છે. એટલે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી જે મતોનું ધ્રુવીકરણ કરશે તેનાથી જે પણ પક્ષનો ઉમેદવાર જીતશે તે કોઈ મોટા માર્જિનથી જીત મેળવી શકશે નહીં તેવું રાજકીય પંડિતોનું માનવું છે. જો કે વર્ષોથી પાયાગત સુવિધાઓ માટે વલખા મારતા આદિવાસી સમાજ માટે પક્ષ પ્રથમ અને ઉમેદવાર તે બાદ એવી નીતિ રહી છે. એટલે આ વખતે પરિવર્તન થશે કે કેમ તેના પર સૌ કોઈ નજર માંડીને બેઠું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *