Thursday, October 17News That Matters

ધાર્મિક વિવાદોવાળી ધરમપુર બેઠક પર કોંગ્રેસને ઝાકારો આપ્યા બાદ ભાજપથી અસંતુષ્ટ આમ મતદારો માટે કોણ ખાસ આપ કે અપક્ષ?  

ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠક પૈકીની વલસાડ જિલ્લાની 178- ધરમપુર (અ.જ.જા.) બેઠક ગત કેટલાક વર્ષોથી સતત ધાર્મિક વિવાદને કારણે ગુજરાતના સમાચાર માધ્યમોમાં ન્યૂઝ આઈટમ બનતી રહી છે. સ્થાનિક આદિવાસીઓએ તેમના દેવ તુલ્ય જળ, જંગલ, જમીનને લઈને અનેકવાર આંદોલનો કર્યા છે. સ્થાનિક સમાજની લાગણી દુભાઈ તેવા બયાનો પર અનેકવાર લોકો રસ્તા પર આવ્યા છે. પોલીસ સ્ટેશનનો ઘેરાવ હોય કે કચેરીઓમાં આવેદનપત્ર આપવાના આવા અનેક બનાવો ધરમપુર માં પાછલા 5 વર્ષમાં બન્યા છે. જેમાં ભાજપના નેતાએ કે કોંગ્રેસના નેતાએ માત્ર પોતાના જ રોટલા શેકયા હોવાનો ગણગણાટ રહેતો હતો. તો, વિવિધ સામાજિક મુદ્દે હાલના અપક્ષ ઉમેદવારે આંદોલનોમાં સક્રિય ભાગ ભજવી પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે
આ વિધાનસભા બેઠક પર 2022ની ચૂંટણીને લઈ 9 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 3 અપક્ષ ઉમેદવારો છે. જ્યારે 6 ઉમેદવારો અલગ અલગ પક્ષ ના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યા છે. ધરમપુર બેઠક પર 1,25,245 પુરુષ મતદારો, 1,25,801 સ્ત્રી મતદારો મળી કુલ 2,51,801 મતદારો છે. દર વર્ષે આ બેઠક પર મતદાનની ટકાવારી પ્રમાણમાં ખૂબ સારી રહી છે. વર્ષ 2017માં આ બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલ ચૂંટણી જીત્યા હતાં. મતદારોએ કોંગ્રેસના ઉમેદવારને ઝાકારો આપી ભાજપના ઉમેદવાર પર ભરોસો કર્યો હતો. જો કે તે બાદ સતત 5 વર્ષ સુધી આ વિસ્તારમાં કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી વિકાસના કામો થયા. પરંતુ તેમ છતાં ધરમપુર શહેરના શહેરી લોકોની સરખામણીએ ગ્રામ્ય આદિવાસી લોકો માટે પાયાની સુવિધાઓ પુરી પાડવામાં અનેક ચૂક રહી ગઈ છે.
જળ, જમીન, જંગલ ને લઈ અનેકવાર લોકોએ રસ્તા પર આવી આંદોલનો કર્યા છે……
આ બેઠક પર જળ, જમીન, જંગલ ને લઈ અનેકવાર લોકોએ રસ્તા પર આવી આંદોલનો કર્યા છે. અનેકવાર સરકાર સામે બાથ ભીડી અવેદનપત્રો આપી આક્રોશ ઠાલવ્યો છે. ભાજપના કે કોંગ્રેસના નેતાઓએ માત્ર તેમનું અને તેમના માનીતાઓનો જ ઉદ્ધાર કર્યો હોવાના આક્ષેપો થયા છે. રોડ, ગટર, આરોગ્ય, શિક્ષણ, રોજગારી ના વાયદાઓ અહીં ધરાતલ પર સાકાર થયા નથી. એવામાં ભાજપે ફરી અરવિંદ પટેલને રિપીટ કર્યા છે. તો, કોંગ્રેસમાં કિશન પટેલે પોતાના અભરખા પુરા કરવા ફરી ચૂંટણી જંગમાં ઝંપલાવી કોંગ્રેસ તરફથી અને સ્થાનિક મતદારો તરફથી જેને ઉમેદવારી કરાવવાની હતી તે કલ્પેશ પટેલને અપક્ષ તરીકે ચૂંટણી લડવાની ફરજ પાડી છે.
ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-અપક્ષ સામે ચોથું ફેક્ટર આમ આદમી પાર્ટી છે……
હાલ આ બેઠક કબ્જે કરવા ભાજપના ઉમેદવાર એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ ના ઉમેદવાર પણ ભાજપની પોલ ખોલતી ઓટલા બેઠકો કરી રહ્યા છે. અપક્ષ ઉમેદવાર કલ્પેશ પટેલ ગામના દરેક મહોલ્લા માં જઇ પોતાને જીત અપાવવા મતદારોને રિઝવી રહ્યા છે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-અપક્ષ સામે ચોથું ફેક્ટર આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક પર આદિવાસી સમાજમાં પ્રભુત્વ ધરાવતા કમલેશ પટેલને મેદાને ઉતાર્યા છે. જેઓ પણ ડોર ટૂ ડોર ચૂંટણી પ્રચાર સાથે સોશ્યલ મીડિયા પર પોતાની જીત માટે પ્રચાર કરી રહ્યા છે. એટલે આ બેઠક પર ચતુષ્કોણીય જંગ છે.
ધરમપુર બેઠક પરના તમામ 9 ઉમેદવારોના નામ જોઈએ તો………
1, અરવિંદભાઈ છોટુભાઈ પટેલ, ભાજપ (BJP), નિશાન કમળ (Lotus)
2, કિશનભાઈ વી. પટેલ, કોંગ્રેસ (Congress), હાથ(Hand)
3, કમલેશભાઈ ઘેલાભાઈ પટેલ, આમ આદમી પાર્ટી (AAP) ઝાડુ (Broom) 
4, રતિલાલ વિજરભાઈ હાકર્યા, બહુજન સમાજ પાર્ટી (BSP) હાથી (Elephant)
5, બારાત આનંદભાઈ ડુબીયાભાઈ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ લેનિનીસ્ટ) (લીબ્રેશન) (CPI) ત્રણ તારા સાથે નો ઝંડો (Flag With Three Stars)
6, સુરેશભાઈ બલ્લુભાઈ પટેલ, ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) ઓટોરિક્ષા (Auto Rickshaw) 
7, કલ્પેશ પટેલ, અપક્ષ (Independent) નિશાન કાતર (Scissors)
8, ગાવીત કલ્પેશભાઈ મગનભાઈ, અપક્ષ (Independent) નિશાન ફળો ધરાવતી ટોપલી  (Basket Containing Fruit)
9, ઝીણાભાઈ ધાકલભાઈ કાકડ, અપક્ષ (Independent) બેટ (Bat)
ધરમપુર બેઠક પર આ વખતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉપરાંત અપક્ષ ઉમેદવાર કલ્પેશ પટેલ પણ સક્ષમ ઉમેદવાર હોય ચતુષ્કોણી જંગ જામવાનો છે. જો કે ધરમપુરના મતદારોએ કોંગ્રેસ ને ઝાકારો આપી ભાજપના ઉમેદવાર પર જે ભરોસો કરેલો તેમાં ભાજપ ખરું ઉતાર્યું નથી. આદિવાસી સમાજને પડખે ઉભા રહેવાને બદલે સતત તેમની અવહેલના કરી છે. તેમના પૂજ્ય જળ, જંગલ, જમીનનો સત્યાનાશ વાળ્યો છે. ધાર્મિક બાબતોએ અનેક પ્રકારે લાગણી દુભાવતા નિવેદનો કર્યા છે. ત્યારે કદાચ આ ચૂંટણીમાં આદિવાસી મતદારો માત્ર અપક્ષ ઉમેદવાર અથવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખાસ બની શકે છે. તેવી ચર્ચા રાજકીય પંડિતોમાં ઉઠી છે. જો કે ધરમપુરના ધાર્મિક આદિવાસી સમાજ કોને પોતાનો ખાસ માની વિજય અપાવે છે તે તો 1લી ડિસેમ્બરના મતદાન બાદ 8મી ડિસેમ્બરે જાહેર થનાર પરિણામમાં જ જાણવા મળશે. પરંતુ એટલું ચોક્કસ છે કે કોંગ્રેસના અહીં વળતા પાણી છે. ભાજપની મોટી સરસાઈથી જીત મેળવવાની આશા નિરાશામાં ફેરવાશે. આમ આદમી પાર્ટી માટે આશા વધારશે, અપક્ષ ઉમેદવારની રાજકીય લેવલે પ્રતિભાના શ્રીગણેશ કરાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *