ઉમરગામ બેઠકના ઝરોલી ગામના માજી ઉપસરપંચ ધીરજ પટેલે ભાજપથી છેડો ફાડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યા હતા કે, બુલેટ ટ્રેન પ્રોજેકટ માં ઉમરગામના ગામડાઓના જમીન માલિકોને નજીવું વળતર મળ્યું હોય એ મામલે રજુઆત કરવા છતાં ભાજપના ધારાસભ્યએ તેમને માત્ર ધક્કા ખવડાવ્યા છે.અને હવે વિરોધ કરીએ છીએ તો ધમકીઓ મળે છે.
ઉમરગામ વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવાર નરેશ વળવીએ પત્રકાર પરિષદ બોલાવી હતી. ત્યારે આ પત્રકાર પરિષદ દરમિયાન ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયેલા ઝરોલી ગામના માજી ઉપસરપંચ અને ભાજપના શક્તિ કેન્દ્રના કાર્યકરે ભાજપ પર અને ગત ટર્મના ધારાસભ્ય રમણલાલ પાટકર પર ગંભીર આક્ષેપ કર્યા હતા.
ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર ઝરોલી ગામના માજી ઉપસરપચ અને ભાજપના શક્તિકેન્દ્રના કાર્યકર રહી ચૂકેલા ધીરજ રણછોડભાઈ પટેલે આક્ષેપ કર્યા હતા કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઝરોલી ગામની જમીન સંપાદન થઈ છે. ત્યારે આ જમીન સંપાદનમાં ગામ લોકોને વધુ વળતર મળે તે માટે રમણ પાટકરે ત્રણ વખત ગાંધીનગરના ધક્કા ખવડાવ્યા હતા. પરંતુ મહેસુલ મંત્રી સાથે કોઈ જ મુલાકાત નહીં કરાવી જમીનના ઓછા ભાવ અપાવ્યા છે.
ધીરજ પટેલે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રમાં ₹1,76,000 એકર દીઠ જમીન માલિકોને ચૂકવવામાં આવ્યા છે. સેલવાસમાં એકર દીઠ 5.16 લાખ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે તેમના ગામમાં ખેડૂતોને તેમજ જમીન માલિકોને એકર દીઠ માત્ર સાડા ત્રણ હજાર (3500) રૂપિયા જ ચૂકવવામાં આવ્યા છે. જે અંગે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકર, વાપી-પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સાથે અનેક વખત રજૂઆતો કરી તેમ છતાં ભાજપ સરકારે આદિવાસીઓને અંધારામાં રાખી ઓછું વળતર આપ્યું છે.
આ નારાજગીને લઈને તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. તેમના મતે કોંગ્રેસના નેતા નરેશભાઈ વળવી આ વિસ્તારના લોકપ્રિય નેતા છે. તેમના કામથી તે સુપેરે વાકેફ છે. એટલે આદિવાસીઓના કામ કરશે તે વિશ્વાસ સાથે કોંગ્રેસમાં જોડાયા છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે વિરોધ નહીં કરવા દબાણ કરતા હોવાના આક્ષેપ…….
ધીરજ પટેલે વધુમાં ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, જમીન સંપાદનમાં ઓછા વળતરને લઈને તેઓ અવારનવાર ગામલોકોને સાથે રાખી ધારાસભ્યને મળી રજૂઆત કરતા હોય તેમને વારંવાર ભાજપના કાર્યકરો તરફથી ધમકી મળતી હતી. ભાજપના કાર્યકરો તેમના મકાનની તપાસ, બેંક બેલેન્સની તપાસ કરાવીશું તેવી ધાક ધમકી આપી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે વિરોધ નહીં કરવા દબાણ કરતા હોવાના આક્ષેપ કર્યા હતાં.