આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે બુધવારે વલસાડ જિલ્લામાં રોડ શૉ માં હાજરી આપી વલસાડના વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવાર રાજેશ મંગુભાઇ પટેલ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર ને લઈ આયોજિત આ રોડ શૉ માં મોટી સંખ્યામાં લોકો કેઝરીવાલ ને જોવા અને સાંભળવા એકત્ર થયા હતાં. કેઝરીવાલના રોડ શૉ માં ઉમટેલી જનમેદની જોતા ભાજપના નેતાઓનો ભ્રમ ભાંગે તેવો એહસાસ મતદારોને અને ખુદ ભાજપના નેતાઓને થયો હતો.
આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભામાં ચૂંટણીમાં બહુમતી સાથે જીત મેળવવા માટે મેદાનમાં ઉતરી ચુકી છે. ‘આપ’ના કાર્યકરો દિવસ રાત ગુજરાતના બાળકો માટે, મહિલાઓ માટે, યુવાઓ માટે, ખેડૂતો માટે આપવામાં આવેલી ગેરંટીઓની માહિતી પહોંચાડી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતમાં પરિવર્તન લાવવા વિવિધ વિધાનસભા વિસ્તારમાં રોડ શૉ કરી ભાજપ-કોંગ્રેસ પર આક્ષેપોના ફટકા અને વાકબાણ કરી આપ ના ઉમેદવારોને જીત અપાવવા ચુંટણી પ્રચારમાં હાકલ કરી રહ્યા છે. જે અંતર્ગત બુધવારે અરવિંદ કેજરીવાલે વલસાડમાં સફળ રોડ શૉ યોજી જન મેદની ને સંબોધન કર્યું હતું.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રોડ શોમાં હાજર લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. ગુજરાતના મતદારોએ તેમને ભાઈ માન્યો છે, એટલે ભાઈ તરીકે ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળીશ.

કેઝરીવાલે રોડ શૉ માં મોંઘવારી, વીજળી, શિક્ષણ, રોજગારી, આરોગ્ય સેવાના મુદ્દે ભાજપને ઘેરી આ તમામ સુવિધાઓ પુરી પાડવાની ખાતરી આપી હતી. ગુજરાતમાં ભાજપ દ્વારા 24 કલાકની વીજળીના પ્રચાર સામે તેમણે જણાવ્યું હતું કે પંજાબમાં અમારી સરકાર છે, ત્યાં પણ 24 કલાક વીજળી મળે છે, તો પણ ત્યાંના લોકોનું બિલ ઝીરો આવે છે. ગુજરાતમાં પણ અમે 24 કલાક અને મફત વીજળી આપીશું.

શિક્ષણને લઈ કેઝરીવાલે જણાવ્યું હતું કે, દિલ્લીમાં ક્લાસરૂમમાં બેસીને ગરીબો અને અમીરોનાં બાળકો સાથે અભ્યાસ કરે છે. દિલ્હીમાં IAS અને મજૂરના બાળકો એક જ ડેસ્ક પર બેસીને અભ્યાસ કરે છે. તમારા બાળકો માટે પુસ્તકો મફત, યુનિફોર્મ મફત, અભ્યાસનો તમામ ખર્ચ મફત આપીશું. દિલ્હીમાં રિક્ષાચાલકોનાં બાળકો એન્જિનિયર બની રહ્યાં છે, મજૂરોનાં બાળકો હવે ડૉક્ટર બની રહ્યાં છે. ગુજરાતમાં પણ દિલ્લીની જેમ શાનદાર શાળા બનાવીશ. તમારા બાળકોને પણ સારું ભવિષ્ય આપીશ આ મારી જવાબદારી છે.

દિલ્હીની તર્જ પર પંજાબમાં 100 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવ્યા છે અને વધુ ખોલવામાં આવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ દરેક નાના ગામમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. આ રીતે ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવશે. રોગ ભલે ગમે તેટલો મોટો હોય, દરેક વ્યક્તિની સારવાર મફતમાં થશે. ગુજરાતમાં 6.5 કરોડ લોકોની તમામ સારવાર મફતમાં કરવામાં આવશે.
દિલ્હીમાં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરી. અત્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે 20,000 લોકો માટે નવી સરકારી નોકરીઓ આપી. ગુજરાતમાં પણ અમે તમારા બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી તેમને રોજગાર નહીં મળે ત્યાં સુધી 3000 રૂપિયા માસિક બેરોજગારી ભથ્થું આપીશું. અમારી સરકાર આવનારા સમયમાં 1000000 સરકારી નોકરીની વ્યવસ્થા કરશે.

રોડ શૉ માં ઉમટેલી જનમેદની જોઈ કેઝરીવાલે ભાજપ-કોંગ્રેસના રાજકીય નેતાઓ પર ટકોર કરતા જણાવ્યું હતું કે મને રાજનીતિ કરતા નથી આવડતી, મને ગુંડાગીરી કરતા નથી આવડતી, મને અપશબ્દો બોલતા નથી આવડતા, હું એક શિક્ષિત માણસ છું, મને કામ કરતા આવડે છે. મને સ્કૂલ બનાવતા આવડે છે, હોસ્પિટલ બનાવતા આવડે છું, તમે તક આપશો તો હું ગુજરાતમાં પણ કામ કરીશ. હું તમને ખોટા વચનો આપતો નથી. હું તમને ક્યારેય નહીં કહું કે હું તમને ₹15,00,000 આપીશ, હું ખોટું નથી બોલતો. હું ઈમાનદાર માણસ છું, ભ્રષ્ટાચાર નથી કરતો.
આ લોકોને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપી જુઓ…..
ભાજપની ગુજરાત સરકાર પર આક્ષેપ કરતા સંબોધ્યું હતું કે, 27 વર્ષમાં તેઓએ તમારા બાળકો માટે કોઈ શાળાઓ બનાવી નથી, 27 વર્ષમાં તેઓએ તમારા માટે કોઈ હોસ્પિટલ નથી બનાવી, જે પાર્ટીએ 27 વર્ષ તમારા માટે કંઈ કર્યું નથી તે આગામી 5 વર્ષમાં તમારા માટે કંઈ નહીં કરે. સમગ્ર દેશમાં આજે સૌથી મોંઘી વીજળી ગુજરાતની અંદર છે. આ બંને પક્ષો સાથે મળીને બધા પૈસા ખાય છે. એટલે કે કોંગ્રેસને મત આપવાનો કોઈ ફાયદો નથી. ચૂંટણી પછી કોંગ્રેસ તેમની સાથે જતી રહેશે. તમારા ભાઈ તરીકે હું તમારી પાસે માત્ર એક તક માગી રહ્યો છું. તમે આ લોકોને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપી જુઓ, જો તમને ના ગમે તો મને ધક્કા મારીને બહાર કાઢી મુકજો.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પહેલી વખત ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી વચ્ચે બરાબરનો જંગ જામ્યો છે. પ્રથમ વખત કોઈ પાર્ટીએ ગુજરાતની તમામ બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખી ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. પહેલી વખત ભાજપને હાર નો સ્વાદ ચખાડવા ની ચેલેન્જ ઉપાડી છે. ત્યારે જે રીતે કેઝરીવાલ ની સભાઓમાં, રોડ શૉ માં જનમેદની ઉમટી રહી છે. તે જોતા આ વખતે કદાચ એટલે જ દિલ્હીના કેઝરીવાલને માત આપવા વડાપ્રધાન મોદી પણ દિલ્હી છોડી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર, જાહેરસભા, રોડ શૉ ના આયોજનોમાં વ્યસ્ત બન્યા છે. જો કે ગુજરાતમાં ભાજપ ભોંય ભેગી થશે કે આપ ને કાયમ માટે ભોંય ભેગો કરશે તે તો ચૂંટણીના પરિણામ બાદ જ જાણવા મળશે. એટલે ત્યાં સુધી રાહ જોવી અને ધીરજના ફળ કોને મીઠા અને કોને ખાટાં લાગશે એ જોવું રહ્યું.