ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને કોંગ્રેસની બદલાયેલી વિચાર સરણીએ ભાજપને તેમના જ નિયમોમાં ફેરફાર કરવાની ફરજ પાડી મતદારો સમક્ષ ઉઘાડી પાડી દીધી છે. આ ચૂંટણીમાં અનેક પરિવર્તન તો, ક્યાંક રાજકીય કદ અને પેઢીવાદ સામે આવ્યો છે. જેને લઈને 2022ની ગુજરાતની વિધાનસભા ની ચૂંટણી યાદગાર અને ઐતિહાસિક બનવાની છે તેમાં કોઈ મીનમેખ નથી.
ગુજરાતમાં 27 વર્ષના ભાજપના શાસનને વિધાનસભા 2022માં ટકવું આસાન નથી લાગતું. નરેન્દ્ર મોદીએ તેમની પહેલી જ જાહેર સભામાં જણાવી દીધું કે નરેન્દ્ર કરતા ભુપેન્દ્રનો રેકોર્ડ વધુ હોવો જોઈએ એ માટે તેમને જેટલી વાર બોલાવશે તેટલી વાર તેઓ આ ચૂંટણીમાં પ્રચાર માટે આવશે. જો કે ભરોસાની આ સરકારની વિકાસ ગાથા પણ તેમણે મતદારોને યાદ અપાવવી પડી આ તમામ મુદ્દાઓ ભાજપની કમનસીબી ગણાય તેવો ગણગણાટ હજુ શમ્યો નથી. ત્યાં જ ઉમેદવારોની પસંદગીમાં મોટાભાગના ને રિપીટ કરી ભાજપના ગુજરાતમાં અંજળપાણી ખૂટે તે પહેલાં કૂવો ખોદવાના હવાતિયાં શરૂ થયા છે.
2-3 ટર્મથી રિપીટ થતા ધારાસભ્યો સત્તા ટકાવવા મુસીબત બની રહ્યા છે…….
ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી સત્તામાં છે. એમા પણ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળ (2002થી 2014) દરમ્યાન તેમણે ઉમેદવારોની પસંદગીમાં ભારે ચીવટ વાપરી હતી. પસંદગી પામેલા નેતાઓને તેમણે એટલા અભિમાની બનાવ્યા કે તે ચીવટ હવે ભુપેન્દ્ર પટેલની 2022ની સરકારમાં ગળામાં ફસાયેલા હાડકા સમાન બની છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી બાદ મુખ્યમંત્રી પદે આનંદીબેન પટેલ આવ્યા તેમણે મોદી સ્ટાઇલમાં જ ગુજરાતમાં ભાજપનું કદ વિસ્તાર્યું. તેમના બાદ વિજય રૂપાણી સરકારે પણ એ જ નીતિ વાપરી જો કે ભાજપમાં સર્વેસર્વા એવા મોદી-શાહે વિજય રૂપાણી ને મુખ્યમંત્રી પદ થી દુર કરી તેના સ્થાને ભુપેન્દ્ર પટેલને સત્તાના સુકાન સોંપ્યા. કઈક નવું કરવાની મોદી સ્ટાઇલમાં હવે એમના જ ધારાસભ્યો સત્તા ટકાવવા મુસીબત બની રહ્યા છે.
2022માં આપ ના ચૂંટણી પ્રચારે કોંગ્રેસ ને બેઠી કરી……
વર્ષ 2022માં ગુજરાતની વિધાનસભા ની ચુંટણી જાહેર થાય તે પહેલેથી ગુજરાત પર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલે ગુજરાતની તમામ સીટ પર ઉમેદવારો ઉભા રાખી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી. કેટલાક વિધાનસભાના મુરતીયાઓ પણ જાહેર કરી પ્રચાર પ્રસાર તેજ કર્યો. જો કે આ તરફ ગુજરાતમાં લગભગ મૃતપાય: બનેલી કોંગ્રેસમાં પણ આમ આદમી પાર્ટીએ જાણે જીવ નાખ્યો અને તેમણે પણ ફરી બેઠા થવા કવાયત હાથ ધરી લીધી.
સી. આર. ભાઈના અને ક્યાંક શાહભાઈના આ વચનો વિસરાઇ ગયા……..
હવે ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. પ્રચાર અભિયાન તેજ કરી જીતની આશા સેવી છે. ત્યારે, સતત ગુજરાત ભાજપનું હોવાના મદમાં રહેલ ભાજપને ફડકો પેસ્યો છે. ભાજપ જાણે જંગમાં બધું જ જાયઝ હોય અને થુકેલું ચાંટવામાં નાનપ ના હોય તેવી પોઝિશનમાં આવી ગઈ છે. આમાં સી. આર. પણ ભેખડે ભરાઈ ગયા છે. પહેલા નક્કી કર્યું કે જે કાર્યકર કોઈ હોદ્દા પર હોય તેમના પરિવારમાંથી બીજાને ટીકીટ નહિ મળે, બીજો નિયમ બનાવ્યો કે જે નેતાની ઉંમર 70 પ્લસ છે તેમને ટીકીટ નહિ આપે. ત્રીજો નિયમ બનાવ્યો કે યુવાઓને અને મહિલાઓને વધુ પ્રાધાન્ય આપશે. ચોથો નિયમ બનાવ્યો કે ગ્રાઉન્ડ લેવલે જે વધુ મતથી વિજય થયા હોય, વિવાદમાં ના હોય તેમને જ ટીકીટ આપવામાં આવશે. જો કે જેવી ચૂંટણી આવી કે સી. આર. ભાઈના અને ક્યાંક શાહભાઈના આ વચનો વિસરાઇ ગયા.
મોદીએ કહેવું પડ્યું કે કમળ જોઈને મત આપે છે આપજો……..
કપરાડામાં મોદીએ હાલમાં જ ચૂંટણી લક્ષી પહેલી જંગી જનસભા સંબોધી. સભામાં નરેન્દ્રભાઈ એ જાહેર મેચ પરથી નવું સૂત્ર આપ્યું કે આ ગુજરાત મારુ છે. આ ગુજરાત મેં બનાવ્યું છે. મોદી સાહેબ અહીં અટક્યા નહિ વધુમાં તેમણે કહી દીધું કે ગુજરાત લોકો ઉમેદવાર જોઈને નહિ પરંતુ ભાજપનું નિશાન એવું કમળ જોઈને મત આપે છે. આપજો…. એવી અપીલ પણ કરી. વિચારો કે 27 વર્ષના શાસન પછી પણ ગુજરાતમાં મોદી જ પ્રચારક હોય તો એ કોના માટે શરમજનક કહેવાય?
ભરોસો રાખનારને ભરોસો એટલે બોલે કંઈ ને કરે છે કંઈ……..
કદાચ ત્યારે બધાને એવું લાગ્યું કે મોદી આ વખતે એકપણ ધારાસભ્યને રિપીટ નહિ કરે પરંતુ જેવા મુરતિયા ડિકલેર થયા કે ખબર પડી કે ભાજપ ની ભારે થઈ છે. આણે તો કેઝરીવાલની આણમાં કે પછી ભુપેન્દ્ર પરથી ઉઠેલા ભરોસે 182માંથી 80 ટકા ને રિપીટ કર્યા છે. જેમાં વળી 50 ટકા તો વિવિધ બીમારીઓથી પીડાય રહ્યા છે. 30 ટકા 70 પ્લસ આસપાસ છે. બસ એમનું કદ હવે મોટી થયું છે. જો એને પડતા મૂકે તો કદાચ નારાજગીમાં સત્તા સરકી જાય. એટલે સેફ ગેમ રમવામાં માનતા મોદી-શાહે દિલ્હીમાં બેઠાબેઠા જ બધુ ગોઠવી નાખ્યું. એમાં એક વાત એ પણ મતદારોને સમજાય ગઈ છે. કે, 27 વરસથી તેમના પર ભરોસો રાખનારને ભરોસો નથી. નહિતર સાવ આવું તો ના જ કરે કે જેમાં એક પાર્ટી બોલે કંઈ ને કરે કંઈ……
ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી……
દેશમાં મોદી સરકાર આવ્યા બાદ મોંઘવારી વધી છે. બેરોજગારી વધી છે. ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. એ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, રોડ કનેક્ટિવિટી જેવા વિવિધ મુદ્દે કોંગ્રેસ- આમ આદમી પાર્ટી ભાજપ પર સવાલોનો મારો ચલાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી. આ કહેવત કે દ્રઢ માન્યતા ખોટી પાડવા આમ આદમી પાર્ટીએ આ સાહસ કર્યું છે. કદાચ તેમના આ સાહસથી ગભરાઈ ભાજપ જૂનામાં નવું નહિ કરવાનું એ નિતીએ આ ચૂંટણી લડી રહી છે. જેમાં કેટલી સફળતા મેળવશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે. બસ એક વાત સાબિત કરી દીધી છે કે કમળ ના નિશાન પર ગુજરાતના મતદારોને ભરોસો રાખવાનું કહી મતદારો પર ભરોસો નથી રાખ્યો.