મોરબીની ઝૂલતાપૂલની દુર્ઘટનાને પગલે વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી અલગ અલગ સ્થળો પર મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઘટનાને દુઃખ અને આઘાત સાથે સૌથી મોટી કરુણતા ગણાવી હતી.
વલસાડ જિલ્લામાં વલસાડ, વાપી, ધરમપુર ખાતે અલગ અલગ વિધાનસભા માં શ્રધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. વલસાડનાં કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટી ના રાજુ મરચા એ જણાવ્યું હતું કે અત્યારે રાજકારણ નહિ પણ માનવ જિંદગી બચે તે મહત્વનું છે.
ઝૂલતા પુલ દુર્ઘટના અંગે આપ નાં ધારાસભા નાં ઉમેદવાર રાજુભાઇ મરચા એ જણાવ્યું હતું કે, જે નવા વર્ષના દિવસે મોટી સંખ્યામાં લોકો હરવા ફરવા આવ્યા હોય ત્યારે તેમની સાથે મોતનું તાંડવ ખેલતા આ ઘટના સૌથી મોટી આઘાતજનક છે.
આ ઘટનામાં સૌથી વધુ બાળકો ભોગ બન્યા હોય દુઃખદ ગણાવી હાલના તબબકે હોસ્પિટલમાં સારવારમાં છે તે લોકો ઝડપથી સ્વસ્થ થઈ જાય અને જે લોકોના પરિવારજનો મોતને ભેટ્યા છે તેને આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા આયોજિત અલગઅલગ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા તેમજ તાલુકાના હોદેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.