Friday, October 18News That Matters

છઠ પૂજા માટે વાપીમાં દમણગંગા ખાતે, દમણમાં ચંચળ ઘાટ ખાતે તેમજ સેલવાસમાં રિવરફ્રન્ટ ખાતે હાથ ધરાઈ તડામાર તૈયારીઓ

ઉત્તર ભારતીય સમાજમાં છઠ પુજાનું અનોખું મહત્વ છે. જેમાં તેઓ આથમતા અને ઉગતા સૂર્યની પૂજા અર્ચના કરે છે. 30 ઓક્ટોબરે સમગ્ર ભારતમાં રહેતા ઉત્તર ભારતીય સમુદાય છઠ પૂજાની ઉજવણી કરશે. જેઓ ઉગતા અને ડૂબતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરી કઠોર તપ સાથે પરિવારની સુખશાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય માટે છઠીમૈયા પાસે આશીર્વાદ માંગશે.
 
 
 
છઠપૂજા પર્વ અંતર્ગત દમણમાં સનાતન સંરક્ષણ યુવા સમિતિ દ્વારા ડાભેલના આંટિયાવાડ ચાર રસ્તા નજીક આવેલા ચંચળ ઘાટની સફાઈ હાથ ધરવામાં આવી હતી, સમિતિના યુવાનો દ્વારા તળાવમાં ઉતરીને જળમાં રહેલી વનસ્પતિ તેમજ કચરાની સફાઈ તેમજ શ્રદ્ધાળુજનો માટે તળાવના કિનારાને સ્વચ્છ કરી પૂજા માટે ખાસ પ્રકારના સ્તંભ બનાવવાની કામગીરી હાથ ધરી હતી, 
 
વલસાડ જિલ્લામાં વાપી અને સંઘપ્રદેશ દમણ DNH સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં રોજગારી અર્થે આવતા ઉત્તર ભારતીય સમુદાયની વસ્તી માતબર સંખ્યામાં છે, જેઓ અહીં જ પોતાના સાંસ્કૃતિક વારસા ને જીવંત રાખતા તહેવારો ઉજવતા હોય છે, પ્રતિ વર્ષ કારતક સુદ-છઠ્ઠ નિમિત્તે છઠ્ઠ પૂજાનો ઉત્સવ રંગેચંગે મનાવવામાં આવે છે. ઉત્ત્તર ભારત અને બિહારના વિવિધ સાંસ્કૃતિક, સામાજિક મંડળોના ઉપક્રમે યોજાતા આ ઉત્સવની 15-20 દિવસ અગાઉ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે, 
 
જેના ભાગરૂપે ડાભેલના ચંચળ ઘાટ તળાવના સફાઇ કરવામાં આવી રહી છે. આગામી 30 ઓક્ટોબરે ડાભેલ અને તેની આસપાસ રહેતા ઉત્તર ભારતીય પરિવારો અહીં છઠ્ઠ પૂજાનો પરંપરાગત ઉત્સવ મનાવશે. જેમાં હજારો લોકો લોકો ભાગ લેશે. તો એ જ રીતે વાપીમાં દમણગંગા નદી કિનારે, હરિયા પાર્કમાં દમણગંગા ની ખાડી પર, વાપીમાં નગરપાલિકાના ડુંગરા તળાવ ખાતે તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં રિવરફ્રન્ટ પર દર વર્ષે લાખોની સંખ્યામાં છઠ વ્રતધારીઓ છઠીમૈયા ની પૂજા અર્થે ડૂબતા અને ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરે છે. આ કઠોર તપ દ્વારા પરિવારની સુખશાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય માટે છઠીમૈયા પાસે આશીર્વાદ માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *