Friday, October 18News That Matters

વલસાડની 3 વિધાનસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ધુરંધર નેતા કનુલાલ-રમણલાલ ની બેઠકો પર દાવેદારોનો રાફડો ફાટ્યો

ગુજરાત રાજ્યની વિધાનસભા 2022 સામાન્ય ચૂંટણીની આચારસંહિતા ગણતરીના દિવસોમાં જ લાગી શકે છે. અને ચુંટણી તારીખ જાહેર થઈ શકે છે. ત્યારે રાજયની તમામ 182 બેઠકો માટે ભાજપે નિરીક્ષકો નિમી દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાની 5 પૈકી 3 બેઠકો પર ગુરુવારે અને 2 બેઠકો પર શુક્રવારે સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે. 
ગુરુવારે વલસાડ જિલ્લાની 5 બેઠકો પૈકી 3 બેઠકો એવી કપરાડા, પારડી અને ઉમરગામ માટે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચૂંટણીની ટિકિટ લેવાં ઇચ્છુક દાવેદારોનો રાફડો ફાટ્યો છે. રાજ્ય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પંચમહાલના પ્રભારી રાજેશ પટેલ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલની નિરીક્ષકો તરીકેની ઉપસ્થિતિમાં વલસાડના વશિયર ખાતે શ્રી પાર્ટી પ્લોટમાં સવારે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાય હતી. સૌ પ્રથમ કપરાડા વિધાનસભાના દાવેદારો ના સેન્સ લેવામાં આવ્યા હતાં. કપરાડા વિધાનસભા મૂળ કોંગ્રેસી અને હાલમાં ભાજપ સરકારમાં પાણી પૂરવઠા નો હવાલો સાંભળતા ધારાસભ્ય જીતુ ચૌધરીનો ગઢ છે. આ બેઠક પર જીતુ ચૌધરીએ ફરી દાવેદારી નોંધાવી છે. તો, તેની સાથે ભાજપના જુના જોગી કહેવાતા મધુ રાઉત ગુલાબ રાઉત, અને મુકેશ પટેલે પણ પોતાની દાવેદારી નોંધાવી છે. આ તમામ દાવેદારો ને નિરીક્ષકોએ સાંભળ્યા હતાં. અને તેમના સેન્સ લેવામાં આવ્યાં હતાં.
કપરાડા વિધાનસભા પર 4 દાવેદારો એ દાવેદારી નોંધાવી છે. જ્યારે ગુજરાતની સૌથી સુરક્ષિત બેઠક કહેવાતી પારડી વિધાનસભા માટે 13 જેટલા દાવેદારો એ તેમની દાવેદારી નોંધાવી છે. પારડી વિધાનસભા બેઠક રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈની બેઠક છે. આ બેઠક પર તેઓ 2012 થી જીતતા આવ્યા છે. હાલમાં તેમણે નાણાપ્રધાનનો હવાલો સાંભળ્યા બાદ આ વિસ્તારમાં અનેક અટકેલા વિકાસના કાર્યો કર્યા છે. જો કે તેમ છતાં આ બેઠક પર કનું દેસાઈ સિવાય રાજુ રાઠોડ, હાર્દિક શાહ, કમલેશ ગજાનંદ પટેલ, કિરણબેન પટેલ, શરદ ચંદ્ર નર્મદા શંકર ઠાકર, જીતેન્દ્ર ટંડેલ, નગીનભાઈ ગુલાબભાઈ પટેલ સહિતના 13 જેટલા દાવેદારો એ પોતાની દાવેદારી નોંધાવી હતી. જે તમામના ઉપસ્થિત નિરીક્ષકોએ સેન્સ લીધા હતાં.
તો, ઉમરગામ બેઠક માટે 14 જેટલા દાવેદારો એ પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉમરગામ બેઠક પર સતત 5 ટર્મથી રમણલાલ પાટકર ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યાં છે. રમણલાલ પાટકર આ વિસ્તારના ધુરંધર નેતા મનાય છે. તેમજ તે રાજ્યના પૂર્વ આદિજાતિ પ્રધાન છે. તેમ છતાં આ વખતે તેમણે પોતાની દાવેદારી નોંધાવા સાથે પોતાના પુત્રવધુની પણ દાવેદારી નોંધાવી છે. એટલે આ બેઠક પર રમણલાલ પાટકર ઉપરાંત તેમની પુત્રવધુ મીનાબેન પાટકર, પૂર્વ GIDC નોટિફાઇડ એન્જીનીયર બી. સી. વારલી, દિપક ચોપડીયા, નાનુભાઈ ધોડી, પ્રકાશ પટેલ, પૂર્વ ધારાસભ્ય શંકર વારલી સહિત 14 જેટલા દાવેદારો એ દાવેદારી નોંધાવતા નિરીક્ષકોએ તેમની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાની અન્ય 2 બેઠકો એવી વલસાડ અને ધરમપુર બેઠક માટે શુક્રવારે નિરીક્ષકો દાવેદારો ના સેન્સ લેશે અને તેમને સાંભળશે. ત્યારે આજની સેન્સ પ્રક્રિયા જોતા એક વાત ચોક્કસ સાબિત થાય છે કે, ભાજપમાં કપરાડા બેઠક સિવાય સુરક્ષિત મનાતી પારડી અને ઉમરગામ બેઠક પર કાર્યકરોમાં અંદરખાને કનુલાલ અને રમણલાલ સામે ઉકલતો ચરુ છે. એટલે જ સુરક્ષિત મનાતી બેઠક પર અન્ય ધુરંધર નેતાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે. જો કે આખરે કોણ કોને માત આપશે તે તો નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી પાર્ટી લેવલે નામ મોકલશે અને ત્યાંથી જે નામ નક્કી થશે ત્યારે જ ખબર પડશે. પરંતુ હાલ તો સેન્સ પ્રક્રિયા દરમ્યાન તમામ દાવેદારો એ પોતાના સમર્થકો સાથે પહોંચી પોતાની આગવી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *