આજના દિવાળી પર્વ નિમિત્તે સૌ વાચક મિત્રોને દિવાળી પર્વની શુભેચ્છા, એ સાથે નવું વર્ષ દરેકના જીવનમાં અપાર ખુશીઓ લઈને આવે તેવી માતા સરસ્વતી અને માં લક્ષ્મી પાસે પ્રાર્થના. જો કે વાચક મિત્રો આ નવા વર્ષમાં કંઈક નોખા અનોખા શોખ નો પણ સંકલ્પ લઈ શકે. જીવનને એક નવી દિશા આપી શકે તે ઉદેશયથી અહીં વાપીના પ્રસિદ્ધ ઉદ્યોગપતિના વિદેશી ચલણ ના સંગ્રહ શોખ ની રસપ્રદ કહાની પ્રસ્તુત કરી છે. આ ઉદ્યોગપતિના શોખ અંગે જો વિસ્તૃત અહેવાલ લખવા બેસીએ તો એક આખું 100 પેજથી મોટું પુસ્તક લખી લખાય પરંતુ, સ્થળ સંકોચને કારણે શબ્દોની મર્યાદા જાળવવી પડી છે.
વર્ષ 1953માં એક 8 વર્ષના બાળકને તેમના કાકાએ આફ્રિકન ચલણનો 10 પૈસાનો સિક્કો આપેલો, આ બાળકે તે સિક્કાને સાચવ્યો અને 1960માં ધોરણ 10 પાસ કરી પોતે પરદેશ ગયો, ત્યારે, તેમને ખબર પડી કે લોકો આ પ્રકારના વિવિધ દેશનું ચલણ સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે. બસ, ત્યાર પછી આ બાળક મોટો થઈને ઉદ્યોગપતિ બન્યો અને 84 દેશમાં 50 વર્ષ સુધી બિઝનેસ માટે ફરી ત્યાંની વિવિધ ચલણી નોટ, સિક્કાનો સંગ્રહ કર્યો છે. જેનું મૂલ્ય આજે 50 લાખ રૂપિયા છે.
આ ઉદ્યોગપતિનું નામ કાંતિલાલ લખમશી હરિયા છે. જેઓ હરિયા ગ્રૂપ ના માલિક છે, અને તેમના પત્ની કમલા કાંતિલાલ હરિયા સાથે મળી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે. મૂળ જામનગરના અને વર્ષોથી મુંબઇ-વાપીમાં રહી ઉદ્યોગક્ષેત્રે સંકળાયેલ કાંતિલાલ લખમશી હરિયાનું નામ ખૂબ જાણીતું છે. પરંતુ તેમની પાસે 80 દેશોના ચલણી સિક્કા, ચલણી નોટ્સનો ખુબ મોટો સંગ્રહ છે. જે અંગે ખૂબ ઓછા લોકોને ખબર છે. વાપીમાં અગ્રણી ઉદ્યોગપતિ, સેવાકીય ક્ષેત્રે દાનવીર ગણાતા કાંતિલાલ હરિયાએ 50 વર્ષમાં 84 દેશનો પ્રવાસ કર્યા છે. આ પ્રવાસ દરમ્યાન તેમણે વિવિધ દેશનું ચલણ પણ એકઠું કર્યું છે.
કાંતિલાલ હરિયા પાસે બ્રિટિશ કોઈન, ભારતીય રાજાશાહી વખતનો રૂપિયો, દુનિયાનું મોંઘામાં મોંઘુ કહેવાતું ઝિમ્બાબ્વે સહિતના દેશનું ચલણ છે. તો કેટલાક દેશના ચાંદીના સિક્કાને ગોલ્ડપ્લેટેડ કરી સાચવી રહ્યા છે. હરિયા પરિવાર પાસે વિવિધ દેશનું જે ચલણ સંગ્રહિત છે તેનું અંદાજીત મૂલ્ય 50 લાખ છે.
પોતાના આ શોખ અંગે કાંતિલાલ હરિયાએ જણાવ્યું હતું કે 1953માં તેમના કાકા આફ્રિકા ગયા હતાં, જ્યાંથી પરત આવી તેને એક કાણાંવાળો 10 પૈસાનો સિક્કો આપ્યો, જે તેમણે સાચવ્યો, 1960માં તેઓ પોતે પરદેશ ગયા, ત્યારે, તેમને ખબર પડી કે લોકો આ પ્રકારના ચલણનો શોખ ધરાવે છે. એટલે તેમણે પણ પોતાન દરેક પ્રવાસ દરમ્યાન જે તે દેશના સિક્કા, નોટ્સ એક ડબ્બામાં ભેગી કરી. એક દિવસ ડબ્બો ભરાયો એટલે તેને બહાર કાઢી કોઈનના ખાસ પાઉચમાં સંગ્રહ કર્યાં. કાંતિલાલ હરિયા પાસે આવા કુલ 20 આલબમ છે. એક આલબમમાં 200 કોઈન છે. જે 1862 થી લઈને હાલના સમય સુધીના છે.
આ ચલણમાં 25 આફ્રિકન દેશો સહિત અમેરિકા, યુરોપ, ફ્રાસ નું ચલણ છે. તો, ભારતના 100 વર્ષ જુના અને બ્રિટિશ શાસનના સિક્કાઓ પણ તે સંગ્રહીને બેઠા છે. મોટાભાગના સિક્કાઓ ચાંદીના છે. જેને તેણે ગોલ્ડ પ્લેટેડ કરી ખાસ બ્રિફકેસમાં સાચવી રાખ્યા છે.
તેમના આ શોખમાં સતત મદદરૂપ બનતા રહેલા તેમના ધર્મપત્ની કમલા કાંતિલાલ હરિયાએ જણાવ્યું હતું કે, તેઓ જે પણ દેશમાં બિઝનેસ માટે જતા ત્યાંથી આ તમામ ચલણ લાવતા હતાં. જેને જુદાજુદા ઝીપલોગ બોક્સમાં ભરી એક પાઉચમાં ગોઠવ્યું, એ રીતે કુલ 10-10 શીટ ના 20 જેટલા આલબમ બનાવી તેને સાચવીએ છીએ. તેમની પાસે ઝિમ્બાબ્વેની 3 બિલિયનની મોંઘામાં મોંઘી નોટ છે. તો, 1862, 1864 થી અત્યાર સુધીના અનેક સિક્કાઓ છે. પ્રાઇડ ઓફ ઇન્ડિયાના ચાંદીના સિક્કાઓને તેણે ગોલ્ડપ્લેટેડ કરી સાચવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હવે ઢળતી ઉંમરે કાંતિલાલ હરિયાએ આ મહામુલો ખજાનો પોતાના પુત્રને સાચવવા આપી દીધો છે. તેમણે આ ચલણને માત્ર શોખ ખાતર જ એકઠું કર્યું છે. ક્યારેક પોતાના ટ્રસ્ટની સ્કૂલમાં તેનું એક્ઝિબિશન ગોઠવી બાળકોને તે બતાવી સંતોષ મેળવે છે. વિદ્યાર્થીઓ પણ આ અમૂલ્ય ચલણ જોઈને અભિભૂત થાય છે. ત્યારે આ દિવાળી બાદ શરૂ થતાં નવા વર્ષમાં અન્ય લોકો પણ આવા શોખ ના સંકલ્પ લે દેશ વિદેશ ની ચીજવસ્તુઓનો સંગ્રહ કરી આવનારી પેઢીને તેનાથી અવગત કરાવવામાં નિમિત્ત બનશે તો પેઢીઓની પેઢીઓ સુધી કોઈ પણ દેશની સંસ્કૃતિ ક્યારેય ભુલાશે નહિ.