Friday, January 31News That Matters

વાપીમાં આહીર સમાજે શરદ પૂર્ણિમાએ રાસ ગરબાનું આયોજન કર્યું, પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઈ આહીર રાસ ની રમઝટ બોલાવી

વાપીમાં શ્રી સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ આહીર સેવા સમાજ દ્વારા શરદ પૂર્ણિમા નિમિતે રાસ ગરબાનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત આહીર સમાજની મહિલાઓએ ભાતીગળ વસ્ત્રોમાં ઉપસ્થિત રહી પ્રાચીન આહીર રાસની રમઝટ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે આહીર રાસ અને ઢોલના તાલે રાસ રમાડતા અમરા ઢોલી પાછળ 140 આહીરાણીઓ વ્રજવાણી માં સતી થઈ હોવાની અનેક દંતકથાઓ છે. કવિઓ, લેખકોએ આહીર રાસ, આહીરોની ખુમારી અને ખમીરને એક અનોખી ઓળખ અપાવી છે. 
વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણને કર્મભૂમિ બનાવી સ્થાઇ થયેલા સૌરાષ્ટ્ર-કચ્છના આહીર સમાજે વાપીમા શરદ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ભગવાન કૃષ્ણની પરંપરા આહિર સમાજે જાળવી રાખી છે. આજના દિવસે રાસ ગરબા રમવા સાથે સમાજના દરેક લોકો એકબીજાને હળેમળે છે. છેલ્લા 15 વર્ષથી આ પ્રકારે શરદ પૂનમે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે.
શ્રી સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ આહીર સેવા સમાજ ના બેનર હેઠળ આયોજિત રાસ ગરબાનો ઉદેશ્ય વર્ષોજુની સંસ્કૃતિને જાળવી રાખવાનો છે. વલસાડ જિલ્લો અને સંઘ પ્રદેશમાં રહેતા સમાજના લોકો આ વિસ્તારને જ કર્મભૂમિ માની દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. જેવો તેમની પ્રાચીન સંસ્કૃતિને પણ જાળવી રાખે તે માટે આહિર જ્ઞાતિના જે ભાતીગળ વસ્ત્ર પરિધાન છે. તેમાં સજ્જ થઈ ઉપસ્થિત રહ્યા હતા.
શરદપૂર્ણિમાના દિવસે આયોજિત રાસ ગરબા માં સૌપ્રથમ મહિલાઓ પરંપરાગત વસ્ત્ર પરિધાન અને મોંઘા ઘરેણાઓમાં સજ્જ થઈ ઢોલના તાલે રાસ ગરબે રમી હતી. જે બાદ પુરુષો પણ તેમના પ્રાચીન પહેરવેશમાં રાસ રમ્યા હતા. આહિર સમાજ એ કૃષ્ણવંશી સમાજ છે. દર વર્ષે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ રાસ ગરબાનું આયોજન કરે છે. શરદ પૂનમ એ ચંદ્રની શીતળતાનો અહેસાસ કરી ઉત્સાહનું સર્જન કરતી રાત્રી છે. એટલે શરદ પૂનમે રાસ ગરબાનું અને સ્નેહમિલનનું આયોજન કરે છે.
વાપીમાં આયોજિત આહીર સમાજના રાસ ગરબા મહોત્સવમાં વલસાડ જિલ્લાના વલસાડ થી ઉમરગામ સુધીના તેમજ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પશુપાલન સાથે તેમજ વિવિધ ધંધા વેપાર ક્ષેત્રે સંકળાયેલ બિલ્ડરો, ઉદ્યોગોમાં નોકરી કરતા નોકરીયાતો, સરકારી નોકરીઓમાં બદલી થઈને આવેલા પોલીસ જવાનો, તબીબો સહિત અબાલ વૃદ્ધ સૌ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમાજના પ્રમુખ દેવસી ભાટુનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિરમ ભાટુ, જગદીશ ભાટુ, મનોજ નંદાણીયા, નીતિન આહીર, વશરામ આહીર, રામ કંડોરિયા સહિત સમાજના આગેવાનો, સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. સાથે જ પોલીસ સેવામાં, તબીબી ક્ષેત્રે સંકળાયેલ સમાજના યુવાનો, યુવતીઓનું સન્માન કરી સમાજ સતત પ્રગતિ કરતો રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.
શરદ પૂર્ણિમાન આ રાસોત્સવમાં તમામે ઢોલના ધબકારે ભાતીગળ સંસ્કૃતિને જાળવી રાખતા પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઈ રાસ ગરબે રમી વતનની યાદ તાજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં આહિર સમાજ તેમની ભારતીય સંસ્કૃતિ અને રાસ ગરબાના કારણે પ્રખ્યાત છે. તેમના સમાજની સંસ્કૃતિને હાલમાં જ હેલ્લારો નામની ફિલ્મે આહિર રાસ અને આહિર સંસ્કૃતિને નવી ઓળખ આપી છે. આહીર સમાજની ખુમારી અને ખમીરની અનેક દંતકથાઓ છે. જેમાં કચ્છના વ્રજવાણી ગામે વર્ષો પહેલા એક અમરા ઢોલીના ઢોલ ના તાલે રાસ રમતી 140 આહીરાણીઓએ ઢોલીના મૃત્યુ સાથે પોતાનું પણ બલિદાન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *