દમણ પોલીસે નકલી પરવાનગી પત્ર બનાવી તેને સોશ્યલ મીડિયામાં વાયરલ કરનારા પાંચ લોકોની ધરપકડ કરી એક સંગઠિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દમણ ટુરિઝમ ડિપાર્ટમેન્ટના નાયબ નિયામકના નામે બનાવટી પત્ર બનાવનાર પાંચેય ઈસમો ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીના રહીશો છે. આ પાંચેય ભેજાબાજોએ દમણની જાણીતી ડેલ્ટિન હોટેલ અને વિજીલ ક્રુઝવોય લિમિટેડને ઇલેક્ટ્રોનિક એમ્યુઝમેન્ટ/સ્લોટ મશીનની ગેમ માટે લાયસન્સ આપવાની પરવાનગી અંગેનો ફેક લેટર વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી વાયરલ કર્યો હતો.
દમણ પોલીસે ફેક લેટર વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી વાયરલ કરનાર 5 ભેજાબાજો ની ધરપકડ કરી છે. જે અંગે દમણ પોલીસે વિગતો આપી હતી કે, દમણ પ્રવાસન વિભાગના ડેપ્યુટી ડાયરેકટર અરુણ ગુપ્તાએ દમણ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી કે, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડેલ્ટિન હોટેલ, દમણ અને વિજીલ ક્રુઝવોય લિમિટેડને ઇલેક્ટ્રોનિક એમ્યુઝમેન્ટ/સ્લોટ મશીનની ગેમ માટે લાયસન્સ આપવાની પરવાનગી મળી હોવાનો એક પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ભેજાબાજો એ આ નકલી લેટર વાયરલ કરી ગેરકાયદેસર નાણાકીય લાભ મેળવવા માટે અન્ય વ્યક્તિઓને ટ્વીટ/સર્ક્યુલેટ કર્યો છે. જે પત્ર તેમના કોઈ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવ્યો નથી. જે અંગે યોગ્ય તપાસ કરવામાં આવે.
જે ફરિયાદ આધારે નાની દમણ પોલીસ સ્ટેશનમાં IPC એક્ટ 465, 466, 469, 420, 500, 511 હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે સૌપ્રથમ વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ કે જેના પર આ નકલી પત્ર ફરતો કરવામાં આવ્યો હતો તેનું વિશ્લેષણ કર્યું હતું અને તે આધારે સેલવાસના અંશુમાલી પાંડેને તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એક વિજીલ કનેથરાએ તેને આ નકલી પત્ર તેના વોટ્સએપ એકાઉન્ટ પર મોકલ્યો હતો.
વિજીલ કનેથરા વિજિલ Vigil Cruisevoy Limited નામની પેઢીનો ડિરેક્ટર……..
આ વિગતો આધારે દમણ પોલીસે દિલ્હીના વિજીલ કનેથરાની ધરપકડ કરી હતી. જેે વિજિલ ક્રુઝવોય લિમિટેડ (Vigil Cruisevoy Limited) નામની પેઢીનો ડિરેક્ટર છે. જેેેણે કબુલ્યું હતું કે તેણે આ પત્ર ઘણા લોકોને ફોરવર્ડ કર્યો હતો અને તેઓને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તે પ્રકાશિત કરવા જણાવ્યું હતું. તેનો મુખ્ય હેતુ પરવાનગી પત્ર બનાવટી હોવાનું જાણવા છતાં પણ આ નકલી પત્ર બતાવીને રોકાણકારોને આકર્ષવાનો હતો.
વધુ તપાસમાં જાણવા મળ્યું કે પવન ચૌધરીએ આરોપી વિજિલને આ નકલી પત્ર આપ્યો હતો. જેથી પવન ચૌધરીની ધરપકડ કરી હતી. તેમના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી હતી. જેમાં આ પત્ર ઉર્મેશ પંડ્યા દ્વારા ફોરવર્ડ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે ઉર્મેશ પંડ્યાને સેલવાસમાંથી ઝડપ્યો હતો. જેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે એક નર્મદા જિલ્લાના રાજપીપળાના ઇકબાલ અહમદ ખત્રીએ આ નકલી પત્ર મોકલ્યો હતો. પોલીસ ઈકબાલ ખત્રીની ધરપકડ કરી દમણ લાવી હતી. જેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે નાણાંકીય લાભ મેળવવા માટે તેઓએ આ નકલી પત્ર મહારાષ્ટ્રના મુંબઈના દેવેન્દ્રકુમાર ગૌન્ડ પાસેથી તૈયાર કરાવ્યો હતો. જેણે આ નકલી પત્ર બનાવવા માટે અમુક ટેકનિકલ વ્યક્તિઓને હાયર કર્યા હતા અને બનાવટી પત્રને તૈયાર કરવા UT પ્રશાસનની અસલ વેબસાઇટ daman.nic.in તરીકે URL ધરાવતી વેબસાઈટના સ્પેલિંગ અને ડૉટ ને તોડી મરોડી damannic.co.in નામની નકલી વેબસાઇટ કરી હતી.
રોકાણકારોને આકર્ષિત કરવાની બનાવતી પત્ર વાયરલ કર્યો……
આરોપી વિજીલ કનેથરા પાસેથી પૈસા પડાવવા માટે તે સતત આરોપી ઈકબાલ ખત્રીના સંપર્કમાં હતો. તેનો હેતુ ગેરકાયદેસર રીતે નાણાકીય લાભ મેળવવાનો હતો. તેમણે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નકલી/બનાવટી પત્રો પ્રસારિત કર્યા હતા. સમગ્ર ભારતમાં આ બનાવટી પત્ર વાયરલ કરવા સાથે રોકાણકારોને આકર્ષિત કરવાની કોશિશ કરી હતી.
દમણ પોલીસે મહત્વની સફળતા મેળવવા સાથે વધુ તપાસ હાથ ધરી છે……
દમણ પોલીસે આ નકલી પત્ર બનાવવામાં અને તેને વાયરલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર (1) મુનિરકા ગામ, દિલ્હીના વિજીલ કનેથરા, (2) વાપી વલસાડના પવન ગંગા ચૌધરી, (3) ગાંધીનગરના રાયસનના ઉર્મેશ ધનસુખ લાલ પંડ્યા, (4) રાજપીપળા નર્મદાના ઇકબાલ અહમદ (5) મહારાષ્ટ્રના થાણેના દેવેન્દ્ર હરકનાથ ગૌંડની ધરપકડ કરી તેમની પાસેથી 11 મોબાઈલ કેટલાક દસ્તાવેજો જપ્ત કરી મહત્વની સફળતા મેળવવા સાથે વધુ તપાસ હાથ ધરી છે.