Friday, January 31News That Matters

વાપી નજીક મોરાઈ ફાટક બંધ થતાં બલિઠા ફાટકે ટ્રાફિક, ઇમર્જન્સી આવાગમનનો વિકરાળ પ્રશ્ન, અધિકારીઓની સ્થળ મુલાકાતમાં આગેવાનોએ રોષ ઠાલવ્યો

વાપી નજીક આવેલ મોરાઈ ફાટક રેલવેની ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટની કામગીરીને લઈને 6 મહિના સુધી બંધ કરવામાં આવ્યું છે. જ્યાંનો વાહનવ્યવહાર બલિઠા ફાટક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જે માર્ગ સાંકડો હોય ટ્રાફિક જામની અને ઇમર્જન્સી આવાગમનની સમસ્યા ઉભી થઇ છે. ત્યારે, બુધવારે બલિઠા રેલવે ફાટક પર બ્રિજની કામગીરી અને ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ વિભાગના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જ્યાં સ્થાનિક આગેવાનોએ તેમજ ઉદ્યોગોના પ્રતિનિધિઓએ અધિકારીઓ પર રોષ ઠાલવ્યો હતો.

બલિઠા ફાટક પર બનનાર ઓવર બ્રિજનું કામ ટલ્લે ચડ્યું છે. જેને કારણે અહીં પહેલેથી ટ્રાફિક સમસ્યા છે. એવામાં મોરાઈ ફાટક બંધ થવાથી અહીં ફાટક પર જ્યારે જ્યારે ટ્રેનના આવાગમન સમયે ફાટક બંધ કરવામાં આવશે ત્યારે વાહનોની લાંબી કતારો હાઇવે પર લાગશે અને હાઇવે પર ટ્રાફિક જામ થશે. એ ઉપરાંત ઇમર્જન્સી સમયે ફાટક અવરોધ રૂપ બનશે. જો કોઈ કંપનીમાં ફાયરની ઘટના બનશે અથવા કુદરતી કે માનવસર્જિત આફત આવશે તો તેવા સમયે બંધ ફાટક, સાંકડો માર્ગ અને ટ્રાફિક જામ મોટી ખૂંવારી સર્જશે તેવી દહેશત ઉદ્યોગોના આગેવાનોએ વ્યક્ત કરી હતી.

વાપી નજીકના મોરાઈ ફાટકથી દમણ તરફ આવાગમન માટે ભારે ધસારો રહે છે. બંને તરફ મોટા ઉદ્યોગો હોય કન્ટેઇનર સહિતના વાહનો, કામદારોને લાવતા લઈ જતા વાહનો તેમજ સ્થાનિક લોકોની અવરજવર ખૂબ રહે છે. જે ધ્યાને રાખી અહીં ઓવર બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરી છે. જે હજુ ટલ્લે ચડેલી છે.

એવામાં રેલવે વિભાગના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટની કામગીરીને લઈ આગામી 31મી માર્ચ સુધી ફાટક પર અવરજવર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેની સામે તમામ વાહનવ્યવહાર ને બલિઠા ફાટક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જો કે બલિઠા ફાટક પરનો માર્ગ ખુબજ સાંકડો હોય મોટા કન્ટેઇનર ચાલકોને ટર્ન લેવામાં અનેક આપદા પડતી હોય દરરોજ ટ્રાફિક જામ ની સમસ્યા ઉભી થઇ રહી છે.

જે અંગે રેલવે વિભાગ, PWD વિભાગ, ટ્રાફિક શાખા DGVCL અને અન્ય લાગતા વળગતા અધિકારીઓ ને રજુઆત કરતા બુધવારે તમામ વિભાગના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. અધિકારીઓની મુલાકાત સમયે સ્થાનિક લોકો અને ઉદ્યોગોના પ્રતિનિધિઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

સ્થાનિક આગેવાનો અને ઉદ્યોગોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, મોરાઈ ફાટક અને બલિઠા ફાટક પર 2 વર્ષથી ROB નું કામ ચાલે છે. જે ટલ્લે ચડતા પહેલાથી જ ટ્રાફિકની સમસ્યા છે. એવામાં ફાટક બંધ કરવાનો નિર્ણય અયોગ્ય હોવાનું તેમજ જે ટ્રાફિક સમસ્યા ઉદભવશે તેનું નિરાકરણ કઈ રીતે થશે, બ્રિજની કામગીરી કેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવશે. સાંકળા માર્ગને પહોળો કરવામાં આવશે કે નહીં તેવા સવાલો સાથે હાલમાં બલિઠા ફાટક પર પડતી આપદાઓ અંગે પુછાણું લીધું હતુ.

ઉલ્લેખનીય છે કે બલિઠા ફાટકની સ્થળ મુલાકાત અને પ્રશ્નોના નિરાકરણ પ્રસંગે રેલવેના અધિકારીઓ, PWD ના અધિકારી, વલસાડ પ્રાંત અધિકારી, DGVCL ના અધિકારી, વાપી પોલીસ સ્ટેશનના PI સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. બલિઠા ફાટકે સ્થળ મુલાકાત માટે ઉપસ્થિત રહેલા અધિકારીઓના તમામ વિભાગોનું એકબીજા સાથે કોઈ સંકલન ના હોય સ્થાનિકોની રજૂઆતોનો કોઈ સચોટ ઉકેલ અધિકારીઓ આપી શક્યા નહોતા અને એક બીજાના વિભાગ પર અને ઉચ્ચ અધિકારીઓ પર રજૂઆતો અને નિરાકરણનો ટોપલો ઢોળી ચાલતી પકડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *