Sunday, December 22News That Matters

દમણમાં મર્સીડીઝ કાર અને સ્પોર્ટ્સ બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત, પોલીસે કાર ચાલકની ધરપકડ કરી

મંગળવારે મોડી રાત્રે દમણના જામપોરથી રામસેતુ બીચ રોડ પર એક સ્પોર્ટ્સ બાઈક અને લકઝરીયસ મર્સીડીઝ કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, આ ગમખ્વાર અકસ્માત બાદ પંથકમાં અરેરાટી મચી ગઈ હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપીના ચલાના બે મિત્રો બે બાઈક પર મોટી દમણના જમ્પોર તરફ જતા રામસેતુ બીચ રોડ પર પુરપાટ ઝડપે જતા હતા. ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતી એક મર્સીડીઝ કાર નંબર DD03-AC-0029 સાથે એક બાઈક ધડાકાભેર અથડાઈ હતી, ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં ચલાના 22 વર્ષીય ધવલ અશોક પરમાર નામના યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું,
ઘટનાની જાણકારી દમણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને મૃતક યુવકના મૃતદેહનો કબ્જો લઈને મરવડ સરકારી હોસ્પિટલમાં PM માટે મોકલ્યો હતો. જયારે મર્સીડીઝના કાર ચાલક પ્રિન્સ કિરણ ભંડારી ઉમર વર્ષ 23 રહે ભીમપોરનાની ધરપકડ કરી હતી. પોલીસે IPC એક્ટ 304, MV એક્ટ 177, 181, અને 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે,
અકસ્માતની આ ઘટના અંગે લોકોના જણાવ્યા મુજબ રાત્રીના સમયે આ રોડ એકદમ ખાલી હોય ઘણા લોકો પુરપાટ ઝડપે વાહન ચલાવવાનો શોખ પૂરો કરવા આ રોડનો ઉપયોગ કરે છે, જેને કારણે અવારનવાર અહીં ગમખ્વાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે. એટલે આવી ગમખ્વાર ઘટનાઓ બનતી અટકે તે દિશામાં પોલીસ અને પ્રશાસન કડક નિયમો બનાવી તેનું પાલન કરાવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *