વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ગામે 20મી સપ્ટેમ્બરે મંદિરમાં પૂજા પાઠ કરતા રિતેશ અંધેર ઉર્ફે ભગત નામના ઇસમનું અપહરણ કરનારા 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે. ગાડી બંગલો ધરાવતા ભગત પાસેથી 10 કરોડ રૂપિયા પડાવવાની લાલચમાં અપહરણ કરનારાઓને આખરે એક પણ રૂપિયો નહિ મળે તેવું લાગતા ભગત ને માર મારી નિર્જન સ્થળેથી હાઇવે પર છોડી નાસી ગયા હતા. જેનો ભેદ ઉકેલી પોલીસે પાંચેય અપહરણકારોની ધરપકડ કરી છે. જો કે પોલીસે એ સાથે દોઢેક વર્ષ અગાઉ રીતેશનું અપહરણ કરી રકમ પડાવવાનો ગુન્હો ઉકેલી નાખવામાં પણ સફળતા મેળવી છે.
વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી કે, રિતેશ અંધેર ઉર્ફે ભગત નું અપહરણ કરનારા 5 પૈકી એક યુવક રીતેશના જ ગામનો અને અન્ય 4 યુવકો સેલવાસના છે. આ યુવકોએ રિતેશ પાસે બે કાર બંગલો અને પૈસા હોવાથી 20મી સપ્ટેમ્બરે કપરાડાના કાકડકોપર ગામથી અપહરણ કર્યું હતું. અને 10 કરોડ જેવી રકમ પડાવવાનો ઈરાદો સેવ્યો હતો.
વલસાડ જિલ્લા પોલીસવડા ડો.રાજદીપસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે, કપરાડા તાલુકાના કાકડકોપર ગામે મંદિરમાં પૂજાપાઠ કરતો અને ભગત તરીકે જાણીતો બનેલો રીતેશ અંધેર ઉર્ફે ભગત ચા ની લારી ચલાવે છે. જ્યાંથી જ 5 ઈસમો જેમાં એક ભગતના ગામનો જ રહેવાસી અને આ ટીપ આપનાર પ્રદીપ બાબુ ગવળી તથા મુખ્ય સૂત્રધાર જયનેશ ઉર્ફે અંકો શિવ સહિત મનીષ માનુ વડવી, અમીત રાજેશ વારલી, મહેશ અમરત વારલી સેલવાસના રહેવાસીઓએ તેનું અપહરણ કર્યું હતું.
પકડાયેલ આ પાંચેય ઈસમો રીતેશનું અપહરણ કરી તેને વાપીથી ગુજરાત મહારાષ્ટ્રની સરહદે આવેલ નંદીગ્રામ ગામના નિર્જન સ્થળે લઈ ગયા હતા. જ્યાં તેની પાસે મોટી રકમની માંગણી કરી હતી. પરંતુ તે રકમનો બંદોબસ્ત રિતશ કરી નહોતો શક્યો અને તેની તબિયત બગડી હતી. એટલે તેને માર મારી વાપી નજીક વલવાડા ખાતે કારમાંથી ઉતારી નાસી છૂટ્યા હતાં. જે બાદ રિતેશ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો.
અપહરણની અને માર મારવાની આ ઘટનાની નાનાપોન્ઢા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે રિતેશ પર આ પહેલા ચીટીંગ ના આક્ષેપો થયા છે. તેમજ દોઢેક વર્ષ પહેલાં તેનું અપહરણ થયું હતું. જે સમયે રીતેશે અપહરણ કરનારાઓને મોટી રકમ આપી દેતા છુટકારો થયો હતો. જે અંગે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. એટલે આ ઘટના આધારે તે વખતે સંડોવાયેલ ઈસમો પર વોચ રાખી પોલીસે તપાસ તેજ કરી હતી. જેમાં પોલીસે સીસીટીવી કેમેરા ટેકનિકલ એનાલિસિસ આધારે પાંચેય અપહરણ કરનારાઓને અપહારણમાં વપરાયેલ ઇકો કાર સાથે ઝડપી લઈ ગુન્હાનો ભેદ ઉકેલયો છે.
પકડાયેલ ઈસમો પાસેથી પોલીસને મળેલી ચોંકાવનારી વિગતો મુજબ કાકડકોપરના રીતેશનું અપહરણ કરવાની ટીપ તેમના જ ગામના પ્રદીપે સેલવાસના જયનેશને આપી હતી. આ બંને ઈસમો દોઢ વર્ષ પહેલાં રીતેશના અપહરણની ઘટનામાં પણ સામેલ હતા. તે વખતે અપહરણકારો સાથે મોટી રકમની ડિલ કર્યા બાદ પ્રદીપે તે રકમ જયનેશની મદદથી પુરી પાડી હતી. જે ઘટના બાદ પ્રદીપ અને જયનેશે તેમના અન્ય સાગરીતો સાથે મળી ગાડી બંગલો ધરાવતા રિતેશ ભગતનું અપહરણ કરવાનો પ્લાન બનાવી 10 કરોડ પડાવવાના મનોરથ સેવ્યા હતા. જો કે તેમાં તેઓ નાકામ રહ્યા હતાં.
વલસાડ પોલીસે પહેલા બનેલ અને પોલીસ મથકમાં નહિ નોંધાયેલ ગુન્હા આધારે હાલમાં પોલીસ મથકે નોંધાયેલ અપહરણના ગુન્હાનું પગેરું શોધી કાઢી પાંચેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં સફળતા મેળવી છે.