વાપીમાં વાહન તકરાર બાબતે વકીલાતનામું કરનાર વકીલ પર 2 વ્યક્તિએ હુમલો કરી કાચ તોડી એડવોકેટના હાથ પર ગંભીર ઈજા પહોંચાડી હોવાની ઘટના બની છે. જે ઘટના બાદ વાપી બાર એસોસિએશન ના વકીલોએ વાપી ટાઉન પોલીસ મથકે આરોપીઓને સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ વકીલોએ આરોપી તરફથી કોઈ પણ વકીલ વકીલાતનામું નહિ કરે તેવો ઠરાવ કરી ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે.
ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીના જાણીતા એડવોકેટ પી. એન. સીંગે એક સર્વજીત કુમાર નામના વ્યક્તિને વાહન તકરાર બાબતે કાનૂની સેવા આપી હતી. જેનાથી નારાજ જયપ્રકાશ સિંગ અને શિવા બચુ સિંગ નામના 2 લોકોએ આનંદ નગરના શાંતિ એપાર્ટમેન્ટ ખાતે એડવોકેટ પી. એન. સિંગની ઓફિસે આવી તેમની કારના કાચ તોડી વકીલ પર હુમલો કરી હાથમાં આંગળીના ભાગે ઇજા પહોંચાડી હતી. ઘટના દરમ્યાન સ્થળ પર હાજર લોકોએ દોડીને શિવા સિંગ ને દબોચી લીધો હતો. જ્યારે મુખ્ય સૂત્રધાર જય પ્રકાશ સિંગ ભાગી ગયો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરી પી. એન. સીંગે વાપી ટાઉનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે IPC એક્ટ અને પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઘટનામાં પકડાયેલ ઇસમને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા શિવા સીંગે જણાવ્યું હતું કે, જય પ્રકાશ સિંહ સર્વજીતના કેસમાં મદદ કરવા બદલ એડવોકેટ પી. એન. સિંગથી નારાજ હતો અને તેમના ઈશારે જ પી.એન. સિંહ પર હુમલો ક૨વા આવ્યા હતા . પોલીસે શિવા સિંગની ધરપકડ કરી જય પ્રકાશ સિંગને વોન્ટેડ જાહેર કર્યો છે.
આ ઘટનાને પગલે વાપી બાર એસોસિએશન દ્વારા મિટિંગ કરી આરોપી તરફથી કોઈ પણ વકીલ તેમનું વકીલાતનામું નહિ કરે અને વકીલ મિત્ર પર હુમલો કરનારને સજા અપાવવામાં મદદ કરશે તેવો ઠરાવ પસાર કરી વાપી ટાઉન પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેકટર બી. જે. સરવૈયાને મળી રજુઆત કરી હતી કે, વોન્ટેડ આરોપી જયપ્રકાશ સિંગ સામે પોલીસમાં અનેક ગંભીર ગુના નોંધાયેલા છે. તે લેબર કોન્ટ્રાક્ટર છે અને કામદારોને વેતન ન ચૂકવવા સહિતના અનેક વિવાદોમાં ફસાયેલ છે. તેનો ગુનાહિત ઇતિહાસ જોતા તેની વહેલી ધરપકડ કરી કડક કાર્યવાહીની માંગ ક૨ી હતી.
ઉલ્લેખનીય છે કે વકીલ પર હુમલો કરવા આવેલા 2 ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી ઘટના સ્થળે પંચનામું કરતી વખતે એક કારતુસ પણ મળી આવેલ હોય આ ઈસમો ફાયરિંગના ઇરાદે આવેલ હોવાની શંકા આધારે પોલીસ તે દિશામાં પણ તપાસ કરે તેવી માંગ વકીલ મંડળે કરી હતી.