વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 7મા જરૂરિયાતમંદ અને ઘરવિહોણા પરિવારને વાપી નગરપાલિકા ભાજપના સભ્ય દિલીપ યાદવે સ્વખર્ચે નવું મકાન બનાવી આપવાનું ખાતમુહરત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરે જન્મદિવસ હોય. જેની ઉજવણીના ભાગરૂપે જરૂરિયાતમંદને મદદરૂપ થઇ શકાય તેવી ભાવના સાથે વાપી નગરપાલિકાના સભ્ય દિલીપ યાદવે વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ભીખી માતા મંદિર પાસે હળપતીવાસ ટાંકી ફળીયામાં રહેતા ગૂલીબેન મિતેશભાઈ હળપતીના કાચા ઘરના સ્થાને પાકું ઘર બનાવી આપવાનો નીર્ધાર સેવી રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ખાત મુહરત કરાવ્યું હતું.
વર્ષોથી ઝૂંપડામાં રહેતા આ પરિવારને મદદરૂપ થવાની દિલીપ યાદવની ભાવનાને નાણાપ્રધાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દિલીપ યાદવ નામના આ નગરસેવક છેલ્લા 3 વર્ષથી ગરીબ પરિવારને પોતાના સ્વખર્ચે મકાન બનાવી આપે છે. આ પહેલા તેમણે આ જ વિસ્તારમાં 100 વર્ષથી ઝૂંપડામાં રહેતા એક ચમરીબેન નામના આદિવાસી મહિલા અને તેના અપંગ પુત્ર માટે પોતાના સ્વખર્ચે ઘર બનાવી આપ્યું છે. તો અન્ય એક ગરીબ રતિલાલ પટેલના પરિવારને પણ અંદાજિત 1 લાખ આસપાસના ખર્ચે ઘર બનાવી આપ્યું હતું.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા વાપી નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, સભ્યો પણ આ સેવાકીય કાર્યમાંથી પ્રેરણા લે તેવું જણાવી નાણાપ્રધાન કનું દેસાઈએ દિલીપ યાદવની સેવાને બિરદાવી પાકું ઘર મેળવનાર પરિવારને શુભેચ્છા પાઠવી નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણીમાં સહભાગી થવાની ખુશી વ્યક્ત કરી હતી.