વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ સુપ્રીત કેમિકલ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીમાં શુક્રવારે સવારે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટના બાદ સતત 5 કલાકની મહેનતે ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ની ઘટના માં જાનહાની ટળી છે. પરંતુ, ફાયર દ્વારા કરેલા પાણી અને ફૉમ ના મારા દરમ્યાન સફેદ પાણીને બદલે કેમિકલ કલરયુક્ત પાણી કંપની પરિસર બહાર નીકળતા મુખ્ય માર્ગ પર કલરયુક્ત પાણીની નદી વહી હતી. જે જોઈ અધિકારો, કામદારોમાં કંપનીની બેદરકારી છતી થઈ હતી.
વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ સુપ્રીત કેમિકલ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીમાં શુક્રવારે સવારે 7 વાગ્યે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટના બાદ સતત 5 કલાકની મહેનત બાદ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી, કુલિંગ પ્રક્રિયા હાથ ધરી છે. પરંતુ, ફાયર દ્વારા કરેલા પાણી અને ફોમના મારા સાથે કલરયુક્ત પાણી કંપની પરિસર બહાર નીકળતા મુખ્ય માર્ગ પર કલરયુક્ત પાણીની નદી વહી હતી. ઘટના અંગે કંપનીના મેનેજરે વિગતો આપી હતી કે, હાલ આ આગમાં મોટું નુકસાન થયું છે. આગ જ્યાં સુધી સંપૂર્ણપણે કાબુમાં ના આવે ત્યાં સુધી આગ લાગવાના કારણો જાણી શકાય તેમ નથી.

તો, આગની જાણકારી મળતાં વાપી મામલતદાર, ફેકટરી ઇન્સ્પેકટર, નોટિફાઇડ ચીફ ઓફિસર સહિત GPCB ના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. નોટિફાઇડ ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, આગ પર કાબુ મેળવવા નોટિફાઇડ, પાલિકા ઉપરાંત દમણ-સેલવાસથી ફાયરને બોલાવી હતી. ડિઝાસ્ટર કોલ જાહેર કરી આગ પર કાબુ મેળવવા સ્થાનિક કંપનીઓના ફાયરની પણ મદદ લેવામાં આવી હતી.

જો કે કંપનીમાં આગ લાગી તે દરમ્યાન કંપનીમાં વધારાનું પાણી CETP માં કે STP માં નાખી શકાય તેવી કોઈ સુવિધાઓ ના હોવાનું ફલિત થયું હતું. કેમ કે, ફાયરે આગ બુઝાવવા જ્યારે પાણી અને ફોમનો મારો ચલાવ્યો ત્યારે કંપનીમાં સ્ટોરેજ થયેલું કેમિકલ કલરયુક્ત પાણી કંપની પરિસર બહાર નીકળી મુખ્ય રસ્તાઓ પર અને વરસાદી ગટરોમાં વહ્યું હતું. જેના GPCB એ સેમ્પલ લીધા હતાં. જો કે આ અંગે નોટિફાઇડ ઓફિસરે વરસાદ ને વેરી ગણાવી કંપની સંચાલકોની બેદરકારી પર પરદો પાડવાની કોશિશ કરી હતી.

ઉલ્લેખનીય છે કે સુપ્રીત કેમિકલમાં આગ કઈ રીતે લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ આગની ઘટનાએ કંપનીમાં સ્ટોર થયેલ કલરયુક્ત પાણીનો ભાંડો ફોડી નાખ્યો છે. અત્રે નોંધનીય છે કે ચોમાસા દરમ્યાન અનેક કંપની સંચાલકો તેમની કંપનીનું ગંદુ પાણી વરસાદી પાણીની આડમાં છોડતા હોય છે. અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડતા હોય છે. ત્યારે આ મામલે GPCB યોગ્ય તપાસ કરે તે હિતાવહ છે.
