વાપી GIDC માં આવેલ N R અગ્રવાલ પેપરમિલમાં મેઇન્ટેનન્સ વિભાગમાં મિકેનિલ હેલ્પર તરીકે કામ કરતા 22 વર્ષીય યુવકને વીજ શૉક લાગતા કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓએ કંપની સંચાલકો સામે કામદારોની સુરક્ષાને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતાં.
વાપી GIDC માં આવેલ N R અગ્રવાલ નામની પેપરમિલમાં કામ કરતા 22 વર્ષીય દીપકુમાર ચીમનભાઈ પટેલને કંપનીમાં કામ કરતી વખતે અચાનક વીજ કરંટ લાગતા તેમને વાપીની ESIC હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મૃતક યુવક દીપકુમાર મૂળ વાપી નજીકના કોચરવા ગામનો રહીશ હતો. N R અગ્રવાલ પેપરમિલમાં તે મેઇન્ટેનન્સ વિભાગમાં મિકેનિકલ હેલ્પર તરીકે નોકરી કરતો હતો. પરિવારમાં પિતાના અવસાન બાદ તે તેની માતાનો એક જ સહારો હતો. પુત્રના અવસાનની ખબર મળતા માતા પર વ્રજઘાત થયો હતો. યુવકના મૃત્યુની ખબર ગામના અન્ય લોકોને થતા તમામ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં. મૃતક યુવકના મૃતદેહને જોઈ સગાસંબંધીઓએ કંપની સંચાલકો સામે બેદરકારીના આક્ષેપ કર્યા હતાં.

મૃતક પરિવારના સબંધીઓએ જણાવ્યું હતું કે, યુવકને જ્યારે વીજ કરંટ લાગ્યો તે બાદ તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને જોતા ખ્યાલ આવ્યો હતો કે તેમને કંપની સંચાલકો દ્વારા કોઈ જ સલામતીના સાધનો આપવામાં આવ્યા નહોતા. તે ઘરેથી જે ચપ્પલ પહેરીને આવેલો તે જ ચપ્પલ તેમણે પહેરી હતી. જે જોતા કંપની સંચાલકોએ કામદારોની સુરક્ષા માટે દાખવેલી બેદરકારીએ એક વિધવા માતાનો એકનો એક સહારો છીનવી લીધો છે.

તો, યુવકને હોસ્પિટલમાં સારવાર માટે લાવેલા અન્ય સાથી કામદારોએ જણાવ્યું હતું કે, કંપનીમાં મૃતક યુવક અને તેઓ અલગ અલગ વિભાગમાં કામ કરતા હતાં. સવારે 10 વાગ્યા આસપાસ અચાનક ઘટના બનતા કંપનીમાં હડકંપ મચ્યો હતો. જેમાં યુવક જમીન પર નીચે પડ્યો હતો. એટલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સાથી કામદારોએ પણ કંપની સંચાલકો સુરક્ષાને લઈને આપતા સાધનો અંગે જણાવ્યું હતું કે કંપનીમાં તેમને ગ્લોવ્ઝ, કેપ આપવામાં આવે છે. અને જે કામદારો ગ્રાઇન્ડિન્ગ મશીન ચલાવે છે તેમને ચશ્માં આપે છે. પરન્તુ કોઈ જ કામદારને સેફટી શૂઝ આપવામાં આવતા નથી.

હાલ મૃતક યુવકના પરિવારજનોએ કંપની સંચાલકો સામે સુરક્ષા સલામતીને લઈને ગંભીર આક્ષેપો કરવા સાથે કંપનીની બેદરકારીથી યુવકનું મૃત્યુ નીપજ્યું હોય તેમની માતાને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી છે. માંગ પુરી નહિ થાય તો કંપની ના ગેટ સામે મૃતદેહને રાખી વિરોધ નોંધાવશે. જ્યાં સુધી કંપની સંચાલકો તરફથી યોગ્ય ખાતરી નહિ મળે ત્યાં સુધી યુવકના મૃતદેહને ગામમાં નહિ લઈ જાય તેવી જીદ પકડી હતી. આ અંગે કંપની સંચાલકો મૃતક યુવકના વીમા કવચ આધારે જે પણ રકમ નીકળતી હશે તે અને એ ઉપરાંત કંપની તરફથી બનતી સહાય કરવાની ખાતરી આપી રહ્યા છે.