વલસાડ :- વલસાડ જિલ્લામાં 18 ઓગસ્ટ 2022 સુધીમાં સરેરાશ 75 ઇંચથી 137 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લાના તમામ નદીનાળા સાથે દમણગંગા વિયર છલકાઈને બે કાંઠે વહી રહ્યો છે. જિલ્લાના સૌથી મોટા ડેમ ગણાતા મધુબન ડેમની સપાટી હાલ 74.20 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ડેમમાં 11387 ક્યુસેક નવા નીર ની આવક થઈ રહી છે. જ્યારે ડેમના 2 દરવાજા 1મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 9719 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સારા વરસાદને કારણે મધુબન ડેમમાંથી અત્યાર સુધીમાં 2743.99 MCM પાણી દરિયામાં વહાવી દેવું પડ્યું છે.
વલસાડ જિલ્લાના તમામ તાલુકા મુજબ પડેલા વરસાદની વિગત જોઈએ તો, ઉમરગામ તાલુકામાં 1922mm (75.66 ઇંચ), કપરાડા તાલુકામાં સૌથી વધુ 3495mm (137.54 ઇંચ), ધરમપુર તાલુકામાં 2897mm (114.05 ઇંચ), પારડી તાલુકામાં 2349mm (92.48 ઇંચ), વલસાડ તાલુકામાં 2199mm (86.57 ઇંચ) અને વાપી તાલુકામાં 2449mm (94.41 ઇંચ) વરસાદ વરસી ચુક્યો છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં 2626.8mm (104.42 ઇંચ), ખાનવેલમાં 2505.2mm (98.63 ઇંચ), દમણમાં 2561.6mm (100.85 ઇંચ) વરસાદ વરસ્યો છે. આ વર્ષે વરસાદને કારણે જિલ્લાના તમામ મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગોનું ધોવાણ થયું છે. રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે અનેક વાહનોના અકસ્માત, નુકસાન અને જાનમાલની ખુવારી સર્જાઈ છે.
દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ વલસાડ જિલ્લામાં તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ચોમાસાની ઋતુ એટલે મબલખ આકાશી પાણી વરસવાની ઋતુ. ચોમાસામાં આ વિસ્તારની અનેક નાનીમોટી નદીઓ, ઝરણાં અને ડેમ છલકાયા વિના રહેતા નથી. આમાનું મોટા ભાગનું પાણી જળસંચયના યોગ્ય આયોજનના અભાવે દર વર્ષે અરબસાગર માં ભળી જાય છે. આ વર્ષે પણ આવું અબજો લીટર પાણી દરિયામાં વહી ગયું છે. અને વહી રહ્યું છે.
દક્ષિણ ગુજરાતના નવસારીની પૂર્ણાં નદીથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની તુમ્બ નદી સુધીમાં અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા, દારોઠા જેવી ડઝનથી વધુ નદીઓ દક્ષિણ ગુજરાતની બારેમાસ વહેતી નદીઓ છે. આ નદીઓ ચોમાસા દરમ્યાન ગાંડીતુર બને છે. અને તેમાં વહેતુ અબજો લીટર પાણી દર વર્ષે અરબ સાગરમાં ભળી જાય છે. ડાંગ, વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વરસાદી પાણી મેળવતા ગુજરાતના મહત્વના પ્રદેશ છે. આ વિસ્તારમાં સિઝનનો સરેરાશ 100 ઇંચથી વધુ વરસાદ વરસે છે.
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જળસંચય અભિયાન ચલાવી લોકોને પાણીની બચત કરવા મનની વાત કરે છે પરંતુ એ જ સરકાર હસ્તકના હજારો ડેમ અને નદીઓમાંથી અબજો-ખરબો લિટર પાણી બચાવી શકાતું નથી એટલે જળ એ જ જીવન નો હેતુ સિદ્ધ થતો નથી.
આ માટે જો કોઈ નદી અને ડેમનું ઉદાહરણ પૂરું પાડવું હોય તો તે વલસાડ જિલ્લાને અને સંઘપ્રદેશ ને પાણી પૂરું પાડતા મધુબન ડેમનું છે. ચાલુ વર્ષે મધુબન ડેમમાં 294.23 MCM (મિલિયન ક્યુબિક મીટર) પાણીનો જથ્થો ચોમાસુ વરસાદને પ્રતાપે ઉપલબ્ધ બન્યો છે. મધુબન ડેમની 524.87 MCMની સંગ્રહશક્તિ છે. પરંતુ, તેના રૂલ લેવલને જાળવવા અત્યાર સુધીમાં 2743.99 MCM પાણી દમણગંગા નદી થકી સમુદ્રમાં વહાવી દેવું પડ્યું છે.
વરસાદી સિઝન દરમિયાન ચાર મહિના મધુબન ડેમની પાણીની સપાટી ને જાળવવા પાણી પુરવઠા વિભાગ દમણગંગા જળાશય વિભાગ સતત 24 કલાક કાર્યરત રહે છે. મધુબન ડેમની 524.87 MCM પાણીની સંગ્રહશક્તિ સામે હાલમાં ડેમમાં 294.23 MCM પાણી સંગ્રહ થયું છે. (એક MCM એટલે એકની પાછળ 9 મીંડા લગાડી શકાય તેટલા લીટર પાણી) એટલે કે ડેમમાં હાલ 294230000000 લિટર પાણીનો સંગ્રહ થયેલો છે. ચોમાસા દરમ્યાન ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાં સમયાંતરે દસ દરવાજા વત્તાઓછા મીટરે ખોલવામાં આવ્યા છે. જેના થકી સિઝન દરમ્યાન અત્યાર સુધીમાં કુલ 2743.99 MCM પાણીનો જથ્થો દમણગંગા નદીમાં છોડવામાં આવ્યો છે. (2743989999999.9995 લિટર) જે પાણી દમણગંગા નદી દ્વારા ઓવરફ્લો થઇ ને દમણના દરિયામાં વહી ગયું છે. (હાલના સંગ્રહિત જથ્થા કરતા લગભગ 9 ગણાથી વધુ પાણી) સંગ્રહના આયોજન વગર દરિયામાં ભળી ગયું છે. દર વર્ષે ડેમના લેવલને જાળવવા અંદાજીત 3000 MCM પાણી વહાવી દેવાની નોબત આવે છે. એ વાસ્તવિકતા છે. જે જોતા આપણે દર વર્ષે કેટલો પાણીનો વ્યય કરીએ છીએ તે આંકડો આશ્ચર્યજનક છે.
એક તરફ સરકાર વર્ષોથી પાણી બચાવવા નદીઓને જોડવાના રિવર પ્રોજેકટ ના બણગાં ફૂંકી રહી છે. Save Water, River Link Project પર બજેટમાં નાણાંની જોગવાઈ કરે છે. પરંતુ વર્ષોથી આ પ્રોજેકટ સાકાર થવાને બદલે માત્ર કાગળ પર જ રહ્યો છે. વિચારો કે જો આ પ્રોજેકટ સાકાર થાય તુમ્બની નદીનું દમણગંગા માં અને દમણગંગા નદીનું કોલક, પાર, અંબિકા, પૂર્ણાં, તાપી, નર્મદા સાથે જોડાણ કરે તો કેટલો ફાયદો થાય? તેનું કાગળ પરનું સ્વપ્ન સરકાર વર્ષોથી બતાવતી આવી છે. પરંતુ નક્કર સ્વરૂપ મળી શક્યું નથી.
માત્ર મધુબન ડેમની જ વાત કરીએ તો, ડેમનું વોર્નિંગ લેવલ 79.86 મીટર છે. ડેન્જર લેવલ 82.40 મીટર છે. ડેમમાંથી છોડવામાં આવતા પાણીના જથ્થામાં 2.50 લાખ ક્યુસેક પાણી વોર્નિંગ લેવલનું કહેવાય છે. ડેમ કે નદીમાંથી છોડવામાં આવતા પાણીના જથ્થા માટે ક્યુસેક એકમ છે. 1 ક્યુસેક એટલે એક સેકન્ડમાં એક ઘન ફૂટ પાણી વહેવું, 1 ઘન ફુટ પાણી એટલે 28.32 લિટર થાય છે. એ હિસાબે એક મિનિટમાં 1699.2 લીટર અને 1 કલાકમાં 1,01,952 લીટર પાણી વહી જતું હોય છે જે હિસાબે જો 400 ક્યુસેક પાણી છોડાયું તો તેનો અર્થ દર કલાકે બંધમાંથી 4,07,80,800 લીટર પાણી છોડવામાં આવ્યું!
અન્ય નદીઓનું પાણી તો ગણતરીમાં જ નથી. અને આવો અગણિત આંકડો ગણતાં પણ ન ફાવે એટલો મોટો થઈ જાય, આટલો મોટો આંકડો લખતાં બોલતાં અને સમજતા ગરબડ ન થાય એટલા માટે ક્યુસક એકમ બનાવવામાં આવ્યું છે અને એક ક્યુસેક એકમની જેમ જ MCM નું એકમ બનાવવામાં આવ્યું છે જે આંકડો લિટર ના હિસાબે આશ્ચર્યજનક તો છે જ સાથે સાથે આવનારા દિવસોમાં જળસંચય માટે કેવા આયોજનો કરવા પડશે તે માટે અતિ મહત્વનો પણ છે.