Friday, October 18News That Matters

વાપીમાં 13મી ઓગસ્ટથી 100 ફૂટ ઉંચા ધ્વજધ્રુવ પર લહેરાશે રાષ્ટ્રધ્વજ

દેશના 75માં આઝાદીના દિવસને દેશ આખો એક ઉત્સવના રૂપ માં ઉજવી રહ્યો છે. ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાપીમાં નગરપાલિકા દ્વારા 100 ફૂટ ઊંચા ધ્વજ ધ્રુવ પર 13મી ઓગસ્ટના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપી લોકાર્પણ કરવામાં આવશે.
આ અંગે વાપી નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈએ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, દેશ હાલ 75માં અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયો છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાલિકા તરફથી 100 ફૂટ ઉંચો તિરંગો લહેરાવી આ ભેટ આપવાનો પ્રયાસ છે.
વાપી નગરપાલિકા દ્વારા સરદાર ચોક ખાતે કુલ 107 ફૂટનો ફ્લેગ પોલ તૈયાર કરવામાં આવ્યો છે. જેના પર 21 ફૂટ બાય 14 ફૂટનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. જેનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન થશે. 21 ફૂટ લાંબા અને 14 ફૂટ પહોળાઈ ધરાવતા આ ધ્વજને “ઝજબા તિરંગે કા” થીમ સાથે વાપીના આકાશમાં લહેરાતો કરવામાં આવશે.
આ પ્રસંગે 13મી ઓગસ્ટના વહેલી સવારે 8 વાગ્યે નાણાપ્રધાનને આગમન સાથે વાપીના ઝંડા ચોકથી શણગારેલ ખુલ્લી જીપમાં સરદાર ચોક સુધી લાવવામાં આવશે. જેમાં વિવિધ સંસ્થાના સભ્યો, પોલીસ બેન્ડ, વ્હોરા બેન્ડ, સ્કાઉટ ટીમ, NCC ટીમ, શાળાના બાળકો, નગરજનો, સમાજના આગેવાનો દેશભક્તિના ગીત સંગીતના સુરે જોડાશે. જેઓ ફ્લેગ માર્ચ યોજી સરદાર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરશે. ઝજબા તિરંગે કા થીમ પર તૈયાર કરેલ 100 ફૂટ ઊંચા ધ્વજ પોલ પર બાંધેલ રાષ્ટ્રીય ધ્વજને નાણાપ્રધાન ના હસ્તે ફરકાવી સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવશે.
આ પ્રસંગે અન્ય ગ્રુપ દ્વારા કાર્નિવલ જેવો માહોલ ઉભો કરી દેશપ્રેમ પ્રગટ કરતા દેશ ભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક ઉપસ્થિત નગરજનો સમક્ષ રજુ કરશે. આ કાર્યક્રમ દરમ્યાન ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે કાર્યક્રમ દરમ્યાન ટ્રાફિક રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તેમજ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *