Friday, October 18News That Matters

વાપીના બલિઠા ખાતે હાઇવે પર ફરતા ગઠિયાઓ છીનવી રહ્યા છે રાહદારીઓના મોબાઈલ, ઘટના CCTV માં કેદ

વાપી પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી રસ્તે ચાલતા રાહદારીઓના મોબાઈલની ચીલઝડપ કરતા ગાઠીયાઓનો ત્રાસ ફેલાયેલો હતો, પોલીસે આ ચીલ ઝડપકારોને પકડીને જેલમાં પણ ધકેલ્યા હતા, છતાં હાલની તારીખમાં મોબાઈલ ચોરીની ઘટનાઓમાં જરા પણ ઘટાડો આવ્યો નથી, 
તાજી ઘટનાની વાત કરીએ તો ત્રણ દિવસ પહેલા બલીઠા બ્રહ્મદેવ મંદિર સામેના હાઇવે પર બાઈક પર આવેલા બે ગઠિયાઓ બે યુવકોના મોબાઈલ તફડાવીને ફરાર થઇ ગયા હતા, પ્રથમ ઘટનાની વાત કરીએ બલિઠામાં એક ગેરેજમાં કામ કરતા મોહમ્મદ હસનેન નામનો યુવક હાઇવે પર સ્થિત બ્રહ્મદેવ મંદિર નજીક મોબાઈલ પર વાતો કરતો પોતાની ગેરેજ પર જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી એક નંબર વગરની પલ્સર બાઈક પર આવેલા બે ચોર મોહમ્મદ હસનેનનો મોબાઈલ હાથમાંથી છીનવીને ફરાર થઈ ગયા હતા,
અચાનક બનેલી ઘટનાથી હેબતાઈ ગયેલા હસનેને બાઈક ચોરો પાછળ દોટ મૂકી પણ તેઓ હાથ આવ્યા નહોતા,  તો બીજા બનાવમાં પણ આ જ જગ્યાએ આવી જ રીતે બાઈક પર આવેલા બે તસ્કરો અન્ય એક રાહદારીનો મોબાઈલ છીનવીને ભાગી ગયા હતા, ચોરીની સમગ્ર ઘટના નજીકના બ્રહ્મદેવ મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી, જો કે આ બંને યુવકોએ અમુક કારણોસર મોબાઈલ ચોરીની ફરિયાદ ન નોંધાવતા પોલીસ પણ કઈ કરી શકે તેમ નથી,
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા બે થી ત્રણ મહિનામાં બલીઠાની મામલતદાર કચેરીથી કિયા મોટરના શોરૂમ સુધીમાં મોબાઈલ ચોરીના અનેક કિસ્સાઓ નોંધાયા છે, પરંતુ જેમના મોબાઈલ ચોરાયા છે તેઓએ હજુ સુધી પોલીસ ફરિયાદ ન નોંધાવતા આ તસ્કરોને ફાવતું મળી ગયું છે,
રાજ્યમાં મોબાઈલ ચોરી અને વાહન ચોરીના બનાવો અટકે, લોકોને પોલીસ મથક સુધી ધક્કા ખાવાની જરૂર ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઈ-એફઆઈઆરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, પોલીસ દ્વારા ઈ-એફઆઈઆર વિષે અનેક જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે, છતાં ઘણા લોકો પોલીસ પ્રશાસનની આ મહત્વની સેવાથી અજાણ હોય એવું લાગી રહ્યુ છે,
મોબાઈલ માલિકોની જતું કરવાની નીતિનો સીધો ફાયદો ચીલઝડપકારોને પહોંચી રહ્યો છે, ત્યારે હાઇવે પર શિકારની શોધમાં રસ્તે રખડતા ચોરટા કાયદાના સકંજામાં આવે એ માટે પ્રજા પણ પોલીસને સહયોગ આપે અને પોલીસ આવા તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલે તે હાલ ખુબ જરૂરી થઇ પડ્યું છે

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *