Friday, October 18News That Matters

વાપીની શ્રી L G Haria સ્કુલના વિદ્યાર્થીઓએ મ્યુઝિયમ વેનમાં નિહાળ્યો CSMVSમાં સંગ્રહિત ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો

મુંબઈના કાલાઘોડા વિસ્તારમાં આવેલ દેશનું જાણીતું છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય (CSMVS)ના હાલમાં જ 100 વર્ષ પૂર્ણ થયા છે. આ મ્યુઝિયમમાં રહેલો અમૂલ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો લોકો ઘર બેઠા નિહાળી શકે તે ઉદેશયથી મ્યુઝિયમ ઓન વ્હીલ અભિયાન હેઠળ ખાસ મ્યુઝિયમ વેન તૈયાર કરી છે. જે મહારાષ્ટ્ર સહિત દેશના દરેક રાજ્યના વિવિધ શહેરોનું ભ્રમણ કરી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સાંસ્કૃતિક વિરાસતથી અવગત કરાવી રહ્યા છે.
છત્રપતી શિવાજી મહારાજનાં જીવન વિશે તેમજ પુરાતન ચીજવસ્તુઓ સાથે ભ્રમણ પર નીકળેલ આ મ્યુઝિયમ બસનું સોમવારે વાપીની શ્રી એલ. જી. હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલ ખાતે આગમન થયું હતું. જેમાં સંગ્રહિત અમૂલ્ય વારસાનું પ્રદર્શન શાળામાં અભ્યાસ કરતા પ્રિ-પ્રાયમરીથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું હતું.
જે અંગે પ્રિન્સિપાલ બીની પૌલે જણાવ્યું હતું કે, શાળાના દરેક વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે દેશના ઇતિહાસથી, સંસ્કૃતિથી, કલા-કૌશલ્યથી પરિચિત થાય તે ઉદેશથી આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ ભારતની વિરાસત સમાં આ અમૂલ્ય વારસાને નિહાળી તેનાથી અવગત થયા હતાં.
છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય (CSMVS) નો ઉદ્દેશ્ય બાળકોમાં અભ્યાસ સાથે ભારતના સમૃદ્ધ વારસા પ્રત્યે જાગૃત કરવાનો છે. આ સંગ્રહાલયમાં શિવાજી મહારાજના પુરાતન સમયના સિક્કાઓ, ઘરેણાઓ, ચિત્રકળાઓ જેવી ઐતિહાસિક વસ્તુઓ સંગ્રહિત છે.
છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય પશ્ચિમ ભારતનું પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ તરીકે જાણીતું હતું, તે ભારતના અગ્રણી કલા અને ઇતિહાસ સંગ્રહાલયોમાંનું એક છે.  ‘ક્રેસન્ટ સાઈટ’ પર મુંબઈના દક્ષિણ છેડે આવેલું મ્યુઝિયમ ઈમારત એ ઈન્ડો-સેરાસેનિક શૈલીના સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે.
સંગ્રહાલયની ઈમારત ગ્રેડ I હેરિટેજ બિલ્ડીંગ તરીકે સૂચિબદ્ધ છે. આ મ્યુઝીયમને સાંસ્કૃતિક વારસો સંરક્ષણ માટે ‘2010 UNESCO Asia Pacific Heritage Award’ તેમજ ઇન્ડિયન હેરિટેજ સોસાયટી દ્વારા હેરિટેજ બિલ્ડિંગ મેઇન્ટેનન્સ માટે પ્રથમ સ્થાન એનાયત કરવામાં આવ્યું છે.
છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય (CSMVS )દ્વારા શાળાના વિદ્યાર્થીઓને, નાગરિકોને મુંબઈના બદલે તેમના શહેરમાં જ આ પુરાતન અમૂલ્ય વિરાસતને નજરે નિહાળી શકે તેવા ઉદેશયથી મ્યુઝિયમ ઓન વ્હીલ થીમ પર એક બસમાં પુરાતન ચીજોને ગોઠવી પ્રદર્શન તરીકે ભારતના પ્રવાસે રવાના કરી છે. વાપીમાં આ બસમાં સુરક્ષિત રખાયેલ અમૂલ્ય સાંસ્કૃતિક ધરોહરને નિહાળી વિદ્યાર્થીઓ ગદગદિત થયા હતાં.
 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *