Friday, October 18News That Matters

વલસાડમાં શેરડીની ખેતી કરતા ખેડૂતો બાગાયત તરફ વળતા ઉત્પાદન ઘટ્યું

વલસાડમાં 18000 સભાસદો ધરાવતી વલસાડ સુગર ફેક્ટરી એક સમયે ગુજરાતની પ્રસિદ્ધ નામના ધરાવતી ફેક્ટરી હતી. શેરડીનું ખૂબ જ મોટું ઉત્પાદન થતું હતું. જો કે હવે શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે. જિલ્લાના ખેડૂતો બાગાયત પાકો તરફ વળ્યા છે. જેને કારણે વલસાડ સુગરને ચલાવવા અન્ય જિલ્લામાંથી આવતી શેરડી પર મદાર રાખવો પડી રહ્યો છે.
ચેરમેન અરવિંદ પટેલના જણાવ્યું મુજબ દેશમાં શેરડીનું ઉત્પાદન ખાંડ ના આંતરરાષ્ટ્રીય ભાવોની વધઘટ પર મદાર રાખે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ ઊંચા હોય તો ઉત્પાદન વધે છે. જો ખાંડના ભાવ નીચા હોય તો ઉત્પાદન ઘટે છે. તેવા સમયે ખેડૂતો બાગાયત જેવા અન્ય પાકો તરફ વળી જાય છે. વલસાડ જિલ્લામાં મોટાભાગના શેરડી પકવતા ખેડૂતો હાલ બાગાયત તરફ વળ્યા છે.
એક સમયે ફેક્ટરીમાં જે શેરડી આવતી હતી તેમાં હવે જિલ્લાની માત્ર 20 ટકા શેરડી આવે છે. જ્યારે 80 ટકા જેટલી ઘટને પૂરવા માટે વલસાડ સિવાયના અંકલેશ્વર, કામરેજ, માંડવી, મહારાષ્ટ્ર જેવા વિસ્તારમાંથી આવતા ખેડૂતોની શેરડી લેવી પડે છે. જેમાં ટ્રાન્સપોર્ટેશનનો અને અન્ય ખર્ચ વધી જાય છે તો સાથે શેરડીની જે ગુણવત્તા હોય છે તે પણ જળવાતી નથી.
વળી જે શેરડી આવે છે તેનો રિકવરી દર ઓછો હોય છે. આવી અપરિપક્વ શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન ઓછું થાય છે. જે ખોટનો ધંધો બની રહ્યો છે. જો આ પરિસ્થિતિ રહેશે તો આવનારા દિવસોમાં જે નાના ખેડૂતો છે તેમને યોગ્ય વળતર નહિ મળે. એટલે ખેડૂતો સ્થાનિક એજન્ટોને જ પોતાનો માલ આપી દેશે આ એજન્ટો સસ્તા ભાવે આ માલ ખરીદી ખેડૂતોને નુકસાનમાં ધકેલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *