Friday, October 18News That Matters

વાપી GIDCના 70 જેટલા ઉદ્યોગોની વિવિધ પ્રોડકટમાં થાય છે મિથેનોલનો ઉપયોગ

બોટાદ, બરવાળા લઠ્ઠાકાંડમાં મિથેનોલ નામનું કેમિકલ વપરાયું હોય વાપી GIDC માં વિવિધ ઉત્પાદનો માટે આ કેમિકલ મંગાવતા ઉદ્યોગકારો સાથે વાપી ડિવિઝનના ASP, પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરે એક બેઠકનું આયોજન કરી વિવિધ સૂચનો સાથે આવા એકમો પાસેથી મિથેનોલના વપરાશ અંગેની વિગતો મેળવી હતી.
વલસાડ જિલ્લામાં આવેલ વાપી GIDC, સરીગામ GIDC, ઉમરગામ GIDC સહિત જિલ્લામાં 100 જેટલા એકમો મિથેનોલનો વિવિધ પ્રોડક્ટમાં ઉપયોગ કરે છે. એકલા વાપી GIDC માં જ 70 જેટલા એકમો મિથેનોલ વપરાશ કર્તા છે. વલસાડ જિલ્લામાં દર મહિને સરેરાશ 15 લાખ લિટર મિથિનોલનો વપરાશ થાય છે. જેમા 12 મોટા એકમોનો સમાવેશ થાય છે. તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ 10 જેટલા એકમો દર મહિને સરેરાશ 1-1 લાખ લિટર મિથેનોલનો વપરાશ કરે છે. જે કુલ 10 લાખ લિટર થાય છે. બાકીના 90 એકમો મળી 4.50 લાખ લિટરનો વપરાશ કરે છે. જેમાં 70 એકમો વાપી GIDC માં કાર્યરત હોય તે તમામ એકમોના સંચાલકોને VIA ખાતે બોલાવી વાપી ડિવિઝન ના ASP શ્રીપાલ શેષમાએ મિથેનોલની SOP અંગે તેમજ તેના વપરાશ અંગે ચર્ચા કરી વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતાં.
વલસાડ જિલ્લામાં મિથેનોલનું ઉત્પાદન કરતી ફેકટરીઓની સામે તેનો વપરાશ કરતી કંપનીઓ વધારે છે. મિથેનોલનો વપરાશ કરતી કંપનીઓને મિથેનોલના જથ્થાનો હિસાબ રાખવો ફરજીયાત છે.  બોટાદમાં લઠ્ઠાંકાડ બાદ વલસાડ જિલ્લા પોલીસ, નશાબંધી વિભાગ અને વહિવટી તંત્ર મિથેનોલ વપરાશકર્તા પર વોચ રાખી રહ્યું છે. જે અંગે મહત્વના સૂચનો આપવા સાથે કેટલીક જરૂરી વિગતો ઉદ્યોગકારો પાસેથી મેળવવામાં આવી હોવાનું ASP શ્રીપાલ શેષમાએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે તેનો ઉપયોગ કેટલાક દારૂ બનાવવામાં કરે છે. જે ઝેર છે. અને તે પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. VIA હોલ ખાતે વાપી GIDC, ડુંગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર, SOG, LCB ના પોલીસ ઇન્સ્પેકટર સાથે ASP એ જરૂરી વિગતો એકઠી કરવા સાથે તેનો ગેરુપયોગ ના થાય તે માટે સતર્ક રહેવા સૂચન કર્યું હતું.
બેઠક બાદ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું હતું કે, વાપીમાં 70 જેટલા એવા એકમો છે જે મિથેનોલનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે ફાર્મા કંપનીઓ, ઇન્ક બનાવતી કંપનીઓ, તેમજ પેઇન્ટ બનાવતી કંપનીઓમાં તેનો ઉપયોગ થાય છે. જે એકમોના સંચાલકોએ ખાતરી આપી હતી કે, તેઓ આ અંગે સતર્ક રહી તેનો ક્યાંય દુરુપયોગ ન થાય એ માટે જે જથ્થો આવશે તેના સ્ટોક અંગેનો ડેટા રાખવા સાથે ઉપયોગ કેટલો થયો તે તમામ ડેટા જાળવતા આવ્યાં છે. તેમ આગળ પણ જાળવતા રહેશે. તો, જે ટેન્કર મારફતે મિથેનોલ નો જથ્થો આવશે તે વાહનનું પણ GPS હેઠળ સતત મોનીટરીંગ કરવામાં આવશે.
વાપી GIDC ના એકમો સહિત જિલ્લાના અને સમગ્ર દેશના વિવિધ ઉદ્યોગોમાં મિથેનોલના વપરાશ અને ઉત્પાદન અંગે ગુજરાતમાં પહેલેથી જ કડક કાયદા છે. સુગર ફેકટરીઓ અને કેટલાક ઉદ્યોગો દ્વારા મિથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. જેનું વાપી જેવા ઔદ્યોગિક એકમોમાં સપ્લાય કરવામાં આવે છે. વાપીમાં ગુજરાતમાંથી તેમજ વિદેશથી પણ મિથેનોલ મંગાવવામાં આવે છે. તે ટેન્કર મારફતે મોકલવામાં આવે છે. જે દરમ્યાન તેમાં રહેલ મિથેનોલના એક લિટરનો પણ ક્યાંય ગેર ઉપયોગ ના થાય એ તકેદારી રખાય છે. જે એકમમાં મિથેનોલનો જથ્થો આવે ત્યારે તેના સિલને ખોલતા પહેલા સ્થાનિક પ્રોહીબિશન શાખાને અવગત કરવામાં આવે છે. જેમના એક કર્મચારીની હાજરીમાં સમય, તારીખ, કુલ જથ્થો, ક્યાંથી આવ્યો તે તમામ વિગતોની નોંધ કરી તે બાદ સિલ ખોલી જથ્થો ઠાલવવામાં આવે છે. જે બાદ તે જથ્થો કેટલો વપરાયો, ક્યાં ઉત્પાદનમાં વપરાયો, કેટલા પ્રમાણ માપે વપરાયો તેનો લિટર ટૂ લિટર નો ડે ટૂ ડે નો ડેટા સંચાલકે રાખવો ફરજીયાત છે. જ્યારે વેસ્ટ થતા મિથેનોલ અંગે GPCB ને અવગત કરી GPCB ની ગાઈડલાઈન મુજબ તેનો નાશ કરવામાં આવે છે.
સામાન્ય રીતે મિથેનોલ એક આલ્કોહોલિક કેમિકલ છે. 100 ટકા શુદ્ધ મિથેનોલ માત્ર ફાર્મા કંપનીઓમાં વપરાય છે. જ્યારે ઇન્ક, પેઇન્ટ્સ, પરફ્યુમ, કોસ્મેટિક્સ અને કેટલાક કેમિકલના ઉત્પાદનમાં શુદ્ધતા આંક જે તે ઉત્પાદન મુજબ નક્કી કરવામાં આવે છે. વર્ષોથી તેનું સરકારના કડક કાયદાના નિયંત્રણ હેઠળ વપરાશ અને ઉત્પાદન થાય છે. જો કે ક્યારેક જે ટેન્કરમાં મિથેનોલ આવ્યું હોય તે ટેન્કરમાં થોડુંઘણું બચી જાય છે. જે બાદ તે ટેન્કરને વૉશ કરવા લઈ જતી વખતે પાણી સાથે બહાર નીકળી આવે છે. જે શુદ્ધ નથી ભેળસેળ યુક્ત છે. અને તેને આવા ટેન્કર ચાલકો કે વૉશ સર્વિસ વાળા બરોબર કોઈને વેચી દે છે. જેનો ઉપયોગ તે બાદ દેશી દારૂ માં કે અન્ય નશાકારક ચીજવસ્તુઓમાં કરે છે. તેવું અનુમાન વપરાશકર્તાઓ લગાવી રહ્યા છે જો કે હાલ તો બોટાદની ઘટનાએ અનેક ઉત્પાદનોમાં ઉપયોગી ગણાતા મિથેનોલ ને વિલન રૂપે ચિતરી નાખ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *