વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા સહિત અનેક વિસ્તારમાં આજે પણ આવાગમનના મુખ્ય માર્ગો પર ચોમાસા દરમ્યાન નદીના ધસમસતા પાણી ફરી વળે છે. બેઠા ઘાટના કોઝવે પરથી વાહનચાલકો એ જીવ ના જોખમે પસાર થવું પડે છે. તો, મોટેભાગે નદી કિનારે જ સ્મશાન હોય ભારે વરસાદના પુરમાં મૃતદેહને અગ્નિસંસ્કાર આપવા રાખેલા લાકડાઓ, તો, ક્યારેક અગ્નિસંસ્કાર સમયે આવતી રેલ મૃતદેહ અને લાકડાને પણ તાણી જાય છે. જો કે આવી સમસ્યા વર્ષોથી છે. તેમ છતાં તેંનો નિવેડો લાવવા વિકાસના બણગાં ફૂંકતા નેતાઓ કે વહીવટીતંત્ર આગળ આવતું નથી.
ગુજરાત વિકાસના પંથે દૌડ લગાવી રહ્યું છે. વાપી જેવી ઔદ્યોગિક વસાહતમાં ધમધમતા ઉદ્યોગો રોજગારીની નવી તકો પુરી પાડી રહ્યું છે. રાજ્યનો દરેક નાગરિક ઉત્તમ સુવિધા મેળવતો થયો છે. નેતાઓની આવી અનેક વાતોનો છેદ ઉડાડતા ઉદાહરણો વાપીથી માત્ર 20 કિલોમીટર દૂર સામે આવી રહ્યા છે. વાપીથી અંદાજિત 20 કિલોમીટર દૂર મોટા પોન્ઢા ગામ જવું હોય તો વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ સાથે કમરના દુઃખાવાની પીડા લેવી પડે છે.
તો, વળી જો વરસાદ હોય અને મોટપોન્ઢાથી ઓમકચ્છ, તંબાડી માર્ગે સેલવાસ તરફ જવાનું થયું અથવા તો તે તરફથી આ તરફ આવવાનું થયું તો તમારે જીવ ના જોખમે કોઝવે પાર કર્યા વિના છૂટકો નથી. કેમ કે અહીં વચ્ચે પસાર થતી નદીનો કોઝવે ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ ડૂબી જાય છે. એટલે વાહનચાલકો એ તેને જીવના જોખમે પાર કર્યા વિના છૂટકો નથી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે વર્ષોથી આ સમસ્યા છે. જેના નિવારણ માટે અહીં બ્રિજ બનાવવાની વારંવારની ભલામણ બાદ અંદાજિત અઢી કરોડના ખર્ચે બ્રિજ મંજુર થયો કોન્ટ્રાક્ટરે કામ શરૂ કર્યું, લોકોને લાગ્યું કે હવે નદીના ધસમસતા પ્રવાહમાંથી જીવના જોખમે પસાર થવામાંથી મુક્તિ મળશે. પરંતુ દેશમાં દરેક ચીજવસ્તુઓના ભાવ વધવા સાથે સિમેન્ટ, સ્ટીલના ભાવ વધતા કોન્ટ્રાકટરે કામ અધૂરું છોડી દીધું છે. અને આ વર્ષે વર્ષો જૂની સમસ્યા યથાવત રહી છે.
આ વિસ્તારના રહેવાસીઓ માટે આ મુખ્ય જીવાદોરી સમાન માર્ગ છે. કામધંધે જતા કામદારો માટે, શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે, દવાખાને જતા દર્દીઓ માટે અતિ ઉપયોગી કોઝવે પર નદીના પાણી ફરી વળે ત્યારે જીવને જોખમમાં મૂકી પુરના પાણીમાંથી પસાર થવું પડે છે. એમાં પણ જ્યારે પ્રવાહ વધુ હોય તો તે ઉતરે તે માટે ક્યારેક એક આખો દિવસ કે સપ્તાહ સુધી રાહ જોઈ અન્ય લાંબા રૂટ પરથી અવરજવર કરવી પડે છે.
નદી અને કોઝવે નજીક ગામનું સ્મશાન છે. વધારે રેલ સ્મશાનના લાકડા અને ક્યારેક સળગતી ચિતાને પણ લાકડાઓ સાથે તાંણી જાય છે. જેની દહેશતે અગ્નિસંસ્કાર માટે પણ અન્ય સ્મશાન માં જવું પડે છે. ઉલ્લેખનીય છે કે આવી સમસ્યા વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર સહિત આસપાસના વિસ્તારમાં વર્ષો જૂની છે. વિકાસની ગુલબાંગો અહીં જરૂર પહોંચી છે પરંતુ વિકાસ હજુ પહોંચ્યો નથી.