વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ નારગોલ ગામ મત્સ્ય બંદર ધરાવવા સાથે સુંદર રમણીય દરિયા કિનારો ધરાવે છે. ત્યારે ગામની સ્વચ્છતા અને સુંદરતા જાળવવા કચરાપેટી વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં સ્થાનિકો કચરાપેટી લેવા માટે પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા.
ઉમરગામ તાલુકાના નારગોલ ગામે ગ્રામ પંચાયત દ્વારા વિનામૂલ્યે કચરાપેટી વિતરણ કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના જાણીતા નારગોલ ગામને વધુ સ્વચ્છ બનાવવા માટે ગ્રામ પંચાયત નારગોલ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ગુરુવારના સવારે 11:00 કલાકે સરપંચ સ્વીટી યતીન ભંડારીની આગેવાની હેઠળ કચરાપેટી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ નિમિત્તે ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ધાંગડા, તાલુકા પંચાયત સભ્ય દક્ષાબેન ધોડી, ઉપસરપંચ સંધ્યાબેન મહેર, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રી દિપાલીબેન પાટીલ, ગામના આગેવાનો, ગ્રામજનોની ઉપસ્થિતિ જોવા મળી હતી તેઓના વરદહસ્તે કચરાપેટીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કચરાપેટી નો કચરો એકત્રિત કરવા માટે જ ઉપયોગ કરવો જેવા અનેક સૂચનો ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવ્યા હતા. કચરાપેટી સ્વીકારતા સમયે કચરાપેટીનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની ખાત્રી સ્થાનિક ગ્રામજનોએ આપી હતી. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાનું નારગોલ ગામ મત્સ્ય બંદર ધરાવવા સાથે સુંદર રમણીય દરિયા કિનારો ધરાવે છે. ગામને વર્ષ 2008માં રાષ્ટ્રપતિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ત્યારે ગામની સ્વચ્છતા જાળવવા કચરાપેટી વિતરણ કાર્યક્રમની શરૂઆત થતાની સાથે જ મોટી સંખ્યામાં સ્થાનિકો કચરાપેટી લેવા માટે પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા.