વલસાડ જિલ્લાના વાપીમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે 70 જેટલા CCTV લગાડવામાં આવ્યા બાદ વધુ 80 જેટલા CCTV લગાડવામાં આવશે. જે અંગે ગુરુવારે વલસાડ જિલ્લા પોલીસવડાએ VIA ના હોદ્દેદારો, પાલિકા પ્રમુખની હાજરીમાં VIA ખાતે એક પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ વાપી GIDC પોલીસ સ્ટેશન ખાતે તે અંગે ચર્ચા કરી હતી.
પ્રતીકાત્મક તસ્વીર, સોર્સ:- ગૂગલ ઇમેજ
વલસાડ જિલ્લામાં વાપી ઔદ્યોગિક વસાહત સૌથી મોટી વસાહત છે. સાથે જ વાપી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની સરહદને અડીને આવેલો પાલિકા તેમજ ઔદ્યોગિક વિસ્તાર છે. ગુજરાત મહારાષ્ટ્રને જોડતો નેશનલ હાઇવે પણ વાપીની માધ્યમથી પસાર થાય છે. ત્યારે આ સમગ્ર વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે, દરેક ગંભીર ઘટના પર તીસરી આંખની નજર રહે, તે માટે તમામ મુખ્ય રસ્તાઓ, ચોક, ભીડવાળા વિસ્તારમાં 70 જેટલા CCTV કેમેરા લગાડવામાં આવ્યાં છે. જો કે પરપ્રાંતીય વસ્તીથી ઉભરાતી વાપી ઔદ્યોગિક વસાહત અને વાપી નગરપાલિકામાં છાશવારે ચોરી લૂંટ, ચિલઝડપની ગંભીર ઘટનાઓ બનતી આવી છે. જેમાં વધુ ચોક્સાઈ દાખવી શકાય તે માટે વધુ 80 CCTV કેમેરા લગાડવામાં આવશે.
વધારાના 80 જેટલા અદ્યતન ટેક્નોલોજીથી અને વધુ મેગાપિક્સેલ ધરાવતા કેમેરા લગાડવાની ગતિવિધિ તેજ થઈ છે. જે માટે ગુરુવારે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ કમલેશ પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, વાપી ભાજપ શહેર પ્રમુખ સતીશ પટેલ સહિત VIA ના હોદ્દેદારો સાથે VIA ખાતે એક પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. જેમાં ઝૂમ દ્વારા જે કેમેરા લગાડવામાં આવશે. તેની ટેકનોલોજી, ક્યાં વિસ્તારમાં કઈ રીતે લગાડવામાં આવશે તેની વિગતો ટેક્નિશયન પાસેથી મેળવી હતી.
અદ્યતન ટેકનોલોજીના આ CCTV કેમેરા વાપીના પાલિકા વિસ્તાર, નોટિફાઇડ વિસ્તાર અને GIDC ના તમામ મુખ્ય નાકાઓ પર લગાડવામાં આવશે. જેનું સર્વર વાપી GIDC પોલીસ સ્ટેશન ખાતે તૈયાર કરવામાં આવશે. જે માટે તમામે પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ GIDC પોલીસ સ્ટેશને તે અંગેનું નિરીક્ષણ કરી તેના પર ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે વાપી નજીક સંઘપ્રદેશ લિકર ફ્રી ઝોન હોય ત્યાંથી ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં મોટાપાયે દારૂની હેરાફેરી થાય છે. આ CCTV લગાડ્યા બાદ તેના પર અને શહેર માં તેમજ GIDC માં થતા વિવિધ ગુન્હા માં પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મદદ મળશે. સાથે જ વાહનચાલકો પર ટ્રાફિક ના નિયમોનો પણ કડકાઇથી અમલ કરી શકાશે.