વલસાડ જિલ્લામાં ભારે વરસાદમાં વાહનોમાં થતા નુકસાનની ફરિયાદો ઉઠી છે. ધસમસતા પાણીના પ્રવાહમાં એકાદ બે વાહનો ફસાતા તેમના એન્જીનની મરામત તેમજ ઇલેક્ટ્રિક પાર્ટ્સ ડેમેજ થવાના કિસ્સા વચ્ચે માર્ગ પરના ખાડાઓએ વાહનચાલકોને ટાયરના વધુ ખર્ચ કરાવ્યા છે. હાઇવે પરના ખાડાઓએ વાહન ચાલકો ને 1200થી 50000 સુધીનો ખર્ચ કરાવ્યો છે.
આ અંગે વાહનચાલક આશિષ ચોખાવાલાએ વસવસો ઠાલવતા જણાવ્યું હતું કે, હાઇવે પર પડેલા મસમોટા ખાડાઓને કારણે તેમની કારના 2 ટાયર ફાટી ગયા છે. જે બંને આઉટ ઓફ વોરંટી પિરિયડ હોય સીધો 16 હજારનો ખર્ચ થયો છે. તેના જેવા અન્ય અસંખ્ય વાહન માલિકો છે. જેમને માટે આ ખર્ચ અસહ્ય બન્યો છે. એટલે સરકારે આવા ખાડા માર્ગોનું વહેલી તકે સમારકામ કરવું આવશ્યક છે. ટોલ પ્લાઝા વાળા વાહનોનો ટોલ લે છે તો વાહન ચાલકોને સારા રસ્તાની સુવિધા પૂરી પાડવી જોઈએ. રસ્તા પર પડેલા ખાડા ને કારણે પરિવાર સાથે લાંબી મુસાફરી પર નીકળતા વાહનચાલકોએ આવા સમયે હેરાન પરેશાન થવું પડી રહ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે એક તરફ ટાયરની ડિમાન્ડ વધી છે. ત્યારે બીજી તરફ સપ્લાય ચેઇન તૂટી છે. તેમ છતાં ટાયરના વેપારીઓએ વાહનવહાલકોને મદદરૂપ થવા રાત્રીના ઉજાગર કર્યા છે. આ અંગે વાપીના ટાયરના વેપારી વિપુલ ભાવસારે જણાવ્યું હતું કે, ખાડા માર્ગોને કારણે વાહનચાલકો ને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. હાલમાં રોજિંદા 10 ગ્રાહકોમાંથી 6 ગ્રાહકો એવા આવે છે જેમના વાહનોના ટાયર રસ્તા પરના ખાડાઓને કારણે ફાટયા હોય અને તેઓ હેરાન પરેશાન થયા હોય.
સામાન્ય રીતે વાહનોમાં ટૂ વ્હીલર્સ ના 1200 રૂપિયાના ટાયરથી મોંઘીદાટ કાર અને ટ્રક ના ટાયર 50 હજાર સુધીની કિંમતના હોય છે. જેમાં ટાયરની કંપનીઓ પણ અમુક નિયમોને આધીન વોરંટી આપતી હોય હાલના કિસ્સાઓમાં મોટેભાગે વાહન માલિકો રસ્તાના ખાડાઓને કારણે જાન ના જોખમથી તો બચી જાય છે. પરંતુ ખર્ચના ખાડામાં ચોક્કસ ઉતરી રહ્યા છે. આશા રાખીએ કે રોડ અને હાઇવે મંત્રાલય આ અંગે ત્વરિત નિર્ણય લઈ હાઇવે ઓથોરિટી પાસે વહેલી તકે ખાડાઓનું પેચવર્ક કરાવે અને તે બાદ રિકાર્પેટિંગ કરી મુખ્ય માર્ગોને ફરી સારા માર્ગો બનાવી વાહનચાલકોને હાઇવેના ખાડા સાથે ખર્ચના ખાડામાંથી પણ બહાર કાઢે.