Wednesday, January 15News That Matters

વલસાડ હાઇવે પર વરસાદમાં ખાડા માર્ગ બનેલા રસ્તાઓને કારણે વાહનમાં થતા નુક્સાનમાં વધારો

વરસાદમાં ખાડા માર્ગ બનેલા રસ્તાઓને કારણે વાહનમાં થતા નુક્સાનમાં વધારો નોંધાયો છે. વલસાડ જિલ્લામાં 4,10,313 દ્વિચક્રી વાહનો, 1,20,598 કાર, 35,234 ગૂડ્સ કેરિયર અને અન્ય વાહનો મળી અંદાજિત 6,24,134 RTO રજીસ્ટર્ડ વાહનો છે. જેના માટે વલસાડ જિલ્લાના આંતરિક માર્ગો અને નેશનલ હાઇવે પર વરસાદમાં પડેલા ખાડા ખર્ચના ખાડા બન્યા છે.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 17 દિવસમાં સરેરાશ 75 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેને કારણે તમામ ધોરીમાર્ગો અને આંતરિક રસ્તાઓનું ધોવાણ થયું છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે રસ્તા પર પડેલા ખાડાઓના કારણે જિલ્લાના વાહનોમાં થતા નુક્સાનમાં 30 ટકા જેટલો વધારો થયો છે.
વલસાડ જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદમાં તમામ મુખ્ય માર્ગો અને નેશનલ હાઇવે ખાડા માર્ગ બન્યા છે. જિલ્લામાં સરેરાશ 75 ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તા પરના ખાડા જીવલેણ બનવા સાથે ખર્ચના ખાડામાં ઉતારનારા સાબિત થયા છે. જે અંગે વલસાડ જિલ્લાના કાર, બાઇક, રિક્ષાના ડિલર્સ એવા કુંજલ શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષની તુલનાએ આ વર્ષે રસ્તાઓમાં પડેલા ખાડાઓને કારણે વાહનોમાં થતા નુક્સાનમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે.
નેશનલ હાઇવે અને અન્ય તમામ મુખ્ય માર્ગો ખાડા માર્ગ બન્યા હોય સામાન્ય રીતે વાહનના વ્હીલ ખાડામાં પડવાથી વ્હીલ બેન્ડ થવાના, વ્હીલ બેરિંગ તૂટી જવાના, સ્ટિયરિંગ એસેમ્બલીમાં રોડ બેન્ડ થવાના એવા વિયર એન્ડ ટીયર ના પાર્ટસની નુકસાની અને સર્વિસના કામ વધ્યા છે. વાહનનું પૈડું ખાડા માં પડ્યા બાદ પૈડાં વળી જવાના બનાવો બનતા વ્હીલ અલાયમેન્ટ ના કામમાં પણ વધારો થયો છે. તમામ ગેરેજમાં હાલ મોટી સંખ્યામાં વાહન માલિકો તેમના વાહનોનું રીપેરીંગ કરવા આવી રહ્યા છે. આ નુકસાનના ખર્ચમાં મોટેભાગે  ઇન્શ્યોરન્સ ક્લેમ પણ થતા ના હોય વાહન ચાલકોને ખર્ચના ખાડામાં ઉતારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *