Wednesday, January 15News That Matters

લોકોના વિરોધ બાદ NHAI એ NH-48 પર 6 ટીમને કામે લગાડી ખાડા પુરાણ કામગીરી હાથ ધરી!

વલસાડ જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે હાલ ખાડા માર્ગ બન્યો છે. જેનો વલસાડ જિલ્લામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા 6 ટીમને કામે લગાડી ખાડા પુરાણ નું કામ હાથ ધર્યું છે. જો કે સુરત થી ભિલાડ સુધીના અંદાજિત 130 કિલોમીટરમાં રોજ 12 કિલોમીટરના માર્ગ પર કામગીરી કરે તો પણ 10 દિવસ પહેલા આ ખાડા પુરાણ પતવાનું નથી અને એટલા દિવસમાં હાઇવે પર બીજા વાહનોની નુકસાની સહન કરવી પડશે.
નેશનલ હાઇવે નંબર 48 પર ખાડાના કારણે અકસ્માત વધ્યા છે. મસમોટા ખાડા વાહનોમાં નુકસાન પહોંચાડે છે સાથે જ વાહનચાલકોના જીવ લઈ રહ્યા છે. તો કેટલાકને હોસ્પિટલના બિછાને પહોંચાડી રહ્યા છે.વલસાડ-નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે પર પડેલા મસમોટા ખાડાને કારણે 4 જેટલા લોકો મૃત્યુને ભેટ્યા છે. અન્યો અકસ્માતમાં ઘાયલ થઈ રહ્યા છે.
વાહનોના ટાયર ફાટવાના, પંક્ચર પડવા, વાહનોમાં નુકસાન થવા જેવી ઘટનાઓ રોજિંદી  બની છે. હાઇવે પર દર 50 કે 100 મીટરના અંતર પર તો ક્યાંક દર 50-100 ફૂટ પર માર્ગ માં વચ્ચોવચ્ચ આવતા ખાડાઓ વાહનચાલકો માટે આફત બન્યા છે. જો કે આ ખાડાઓની અનેક રજુઆત બાદ હાલ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નવસારી થી વલસાડ જિલ્લાના વાપી, ભીલાડ સુધીના માર્ગ પર 6 જેટલી ટીમોને કામે લગાડી ખાડાઓને પુરવાની કામગીરી હાથ ધરી છે.
નેશનલ હાઇવે ઓથોરિટીએ નવસારી નજીક બલવાળા અને અન્ય બ્રિજ પર પડેલા ખાડાઓની મરામત હાથ ધરી છે. સાથે જ વલસાડ જિલ્લામાં વાગલધરા, બગવાડા ટોલ પ્લાઝા, સલવાવ બ્રિજ નજીક મરામતની કામગીરી હાથ ધરી છે. 6 ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરાઇ છે. પરંતુ, વરસાદી માહોલ હોય ડામર વર્ક ને બદલે કોન્ક્રીટ મિક્સ અને પેવર બ્લોક પાથરી ખાડાઓમાં પુરાણ કામનો આરંભ કરવામાં આવ્યો છે. ત્યારે, આ પુરાણ કાર્ય વરસાદમાં કેટલું ટકશે?
સુરત થી ભિલાડ સુધીના અંદાજિત 130 કિલોમીટરમાં રોજ 12 કિલોમીટરના માર્ગ પર કામગીરી કરે તો પણ 10 દિવસ પહેલા આ ખાડા પુરાણ પતવાનું નથી એ જોતાં એટલા દિવસમાં હાઇવે પર બીજા વાહનોની નુકસાની સહન કરવી પડશે. કરોડો નો ખાડા પુરાણ ખર્ચ એ રીતે પૈસાનો વેડફાટ બની રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *