વાપી નગરપાલિકા વિસ્તારમાં વરસેલા ભારે વરસાદમાં રસ્તાઓની હાલત ખાડામાં પરિણમી છે. વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે, વાપી શહેર કોંગ્રેસ સમિતિ અને મહિલા સમિતિ દ્વારા વોર્ડ નંબર 8 માં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે નવાઈની વાત એ હતી કે વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના 6 પુરુષ અને 6 મહિલા કાર્યકરો મળી માત્ર 12 કાર્યકરો જ ઉપસ્થિત રહ્યા હતાં.
વાપી કોંગ્રેસ દ્વારા વાપીના પાલિકા વિસ્તારમાં આવેલ ચલારોડ, વાપી મચ્છી માર્કેટ, વાપી મેઈન બજાર રોડ, સ્ટેશન રોડ સહિત તમામ મુખ્ય માર્ગો પર વિરોધ પ્રદર્શન કરી રસ્તાઓમાં પડેલા ખાડાઓમાં વૃક્ષારોપણ કર્યું હતું. કોંગ્રેસના આગેવાન અને પાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વાપીની જનતા રસ્તા પર ખાડા પડી ગયેલ હોવાથી ભારે ત્રાહિમામ પોકારી રહી છે. તેના વિરોધમાં વૃક્ષારોપણ કરીને વાપી નગરપાલિકા અને સત્તામાં બેઠેલી ભાજપની સરકાર ને ઉજાગર કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ખંડુભાઈએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વાપી નગરપાલિકા જે વિધાનસભામાં વિસ્તારમાં આવે છે. તે વિધાનસભાના ધારાસભ્ય ગુજરાતના નાણામંત્રી છે. અને તેમ છતાં વાપી પાલિકા પાસે ભંડોળ નથી. વાપી નગરપાલિકાને વિકાસના કામ માટે હાઈએસ્ટ ભંડોળ મળે છે તેવું ગુજરાત માં લાગતું જોઈએ. ત્યારે, શું નાણાપ્રધાન તેમના વિસ્તારની પાલિકા માટે નાણાં ફાળવી નથી શકતા?
વાપી નગરપાલિકા સ્વચ્છતાના નામે માત્ર એવોર્ડના ફોટા પડાવે છે. જ્યારે વિકાસના કામના નામે કોન્ટ્રાકટર સાથે મિલીભગત આચરી રહ્યા છે.
આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સહિત યુથ કોંગ્રેસ પ્રમુખ, અને કોંગ્રેસ મહિલા પ્રમુખ, ઉપપ્રમુખ મળી માત્ર 12 કાર્યકરો જોડાયા હતા. જે જોતા વાપીમાં ખાડાઓની સમસ્યા માટે કોંગ્રેસને સાથ આપવા તેમના કાર્યકરો તો ઠીક પણ જનતા ને પણ કોઈ રસ નથી. તેવું આ વિરોધ પરથી ફલિત થયું હતું.