સેલવાસ બસ સ્ટેશનની સામે આવેલ હોટલની બાજુમા એક મોબાઇલની દુકાનમાં મોબાઈલ ફોનની ચોરી કરી વાપી સેલવાસની બસમાં ભાગી રહેલ બિહારની ચાદર ગેંગના એક ચોરને પકડી ડુંગરા પોલીસે 9.27 લાખના 59 મોબાઈલ, 71,580 રૂપીયા રોકડા સહિત કુલ 10,04,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસને ચોર પાસેથી ચોરી કરાયેલ મોબાઇલ ફોન નેપાળમા વેચાણ કરવાની મોડસ ઓપરન્ડી ધરાવતા હોવાની વિગતો મળી છે.
આ અંગે ડુંગરા પોલીસે બહાર પાડેલ અખબારી યાદી મુજબ પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રીપાલ શેષમાના જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા ખાસ એકશન પ્લાન તૈયાર કરી પરીણામલક્ષી કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારોને સૂચના આપી હતી. જે સુચના અન્વયે 16મી જુલાઈના ડુંગરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દાદરા ચેકપોસ્ટ ઉપર ફરજ ઉપર હતા. દરમ્યાન બાતમી મળેલ કે એક ઇસમ શંકમંદ ચીજવસ્તુ સાથે વાપી– સેલવાસ બસમા સેલવાસ થી વાપી તરફ નિકળેલ છે. જે આધારે ચેકીંગ દરમ્યાન ચંદીગઢના બુડેલ સેકટરમાં રહેતા વીર દરોગા ચૌધરીને શંકાસ્પદ મોબાઇલ ફોન તથા રોકડ સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસમાં વીર દરોગા ચૌધરી પાસેથી અલગ અલગ કંપનીના 59 જેટલા નવા મોબાઇલ ફોન મળી આવ્યા હતાં. પોલીસે તેની 9,27000 રૂપિયાની કિંમત ગણી, તથા રોકડ રકમ 71,580 રૂપીયા તથા 2 મોબાઇલ, ATM કાર્ડ, સીમકાર્ડ, આધાર કાર્ડ સહિત કુલ 10,04,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપીની ઉંડાણ પુર્વક પુછપરછ કરતા સેલવાસ બસ સ્ટેશનની સામે આવેલ હોટલની બાજુમા એક મોબાઇલની દુકાનમાં ચોરી કરી હોવાનું જણાવી, અન્ય આરોપીઓ સાથે જે વિસ્તારામા ચોરી કરવાની હોય તે જગ્યાની આજુ બાજુની હોટલમા રોકાઇ સ્થળ રેકી કરી વહેલી સવારના ચોરી કરી મળી આવેલ મોબાઇલ ફોન નેપાળ મા વેચાણ કરવાની મોડસ ઓપરન્ડી ધરાવતા હોવાની વિગતો મળી હતી. જો કે પોલીસે આ ચોરીની ઘટનામાં અન્ય કેટલા ઈસમો સામેલ છે. તેની પૂછપરછ કરી તમામ સાગરીતોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ચોરીની આ ઘટના અંગે સેલવાસમાં પણ ગુન્હો દાખલ થયો છે. ત્યારે, ડુંગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર વી. ડી. મોરી, PSI આર. કે. પ્રજાપતી સહિત તમામ પોલીસ કર્મચારીઓએ આરોપી વીર દરોગા ચૌધરીને ઝડપી પાડી ગુન્હો ડીટેક્ટ કરી પ્રસંશનીય કામગીરી કરતા જિલ્લા પોલીસ વડાએ તેમજ સેલવાસ પોલીસે અભિનંદન પાઠવ્યા હતાં.