વરસાદમાં ધ્વસ્ત થયેલા વૃક્ષમાંથી કલાકૃતિ બનાવી પર્યાવરણ નો સંદેશ આપી શકાય તો, વરસાદમાં રોડ પર પડેલા ખાડાઓમાં ધબાય નમઃ થતા વાહનચાલકો ની કૃતિઓ બનાવી સરકારને સંદેશ આપી શકાય કે નહીં? આ સવાલ એવા 2-4 મિત્રોએ કર્યો છે. જેને સમાચાર માટે ફોન કરી પૃચ્છા કરી….
જો કે ભૂકંપના આંચકા જેવા આ સવાલ સાથે વળી ઉમેર્યું કે આ વાત એટલે યાદ આવી કે હાલમાં દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદમાં નેશનલ હાઇવે હોઈ કે સ્ટેટ હાઇવે કે પછી પાલિકા-ગ્રામ્ય માર્ગો, તમામ માર્ગો હાલ બિસ્માર બન્યા છે. મસમોટા ખાડાઓ વાહનોને નુકસાન તો પહોંચાડે છે. પણ સાથે સાથે વાહનચાલકોના જીવ પણ લઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાં આ વર્ષે વરસાદમાં હાઇવે પરના ખાડાઓ લગભગ 4 લોકો માટે કાતિલ ખાડા બન્યા છે. તો અસંખ્ય વાહનચાલકો માટે ઘાયલ કરી હોસ્પિટલના બિછાને પહોંચાડનાર સાબિત થયા છે. બિસ્માર રસ્તાઓએ લોકોના મનમાં રસ્તામાં ખાડા છે કે ખાડા માં રસ્તો છે તે ગડમથલ ઉભી કરી છે.
આ સવાલોના દિલાસો આપતા જવાબો સૂઝયા નથી. પણ હાં, મિત્રોને જ્યાંથી સવાલ સૂઝયો તે કલાકૃતિ વાપીના પાલિકા વિસ્તારમાં આવેલ PWD સર્કિટ હાઉસ ખાતે છે. આ અતિથિ ગૃહ માં એક વૃક્ષની સુંદર કલાકૃતિ ઉભી કરવામાં આવી છે. આ વૃક્ષની કલાકૃતિ વર્ષ 2011-12માં કંડારવામાં આવી છે. આ વૃક્ષ વાપીના ચલા વિસ્તારમાં 40 વર્ષ સુધી લોકોને છાંયડો અને ઠંડક આપ્યા બાદ વર્ષ 2011-12માં આવેલ ભારે પવન સાથેના વરસાદમાં ધ્વસ્ત થયું હતું. જે બાદ તત્કાલીન પાલિકા પ્રમુખે તે ઝાડની શાખાઓ, થડ વગેરે એકઠા કરી તેમાંથી સુંદર કલાકૃતિ તૈયાર કરી છે. તેમજ ઝાડના મુખ્ય થડની બગીચામાં જ યાદગીરીરૂપે સમાધિ પણ આપવામાં આવી છે. જેમાં એક સંદેશ પણ લખવામાં આવ્યો છે. જે સ્થળ સંકોચને કારણે અહીં લખવાનું ટાળી ફોટો મુક્યો છે. જેમાં વાંચી લેવું…..
વરસાદમાં ધરાશાયી થતા વૃક્ષની જેમ રસ્તામાં પડેલા ખાડાઓ અને એ ખાડાઓમાં પડેલા વાહનચાલકોની કલાકૃતિ તૈયાર કરી તંત્રને જાગૃત કરી શકાય કે નહીં તેવી કલ્પનાને બદલે વાસ્તવિકતા વાહનચાલકો માં છે….. પંરતુ સમયની બલિહારી જુઓ વાપીમાં આ વૃક્ષના જતનનો સંદેશ આપનાર હાલ રસ્તાઓ-ગટર બનાવતા વિભાગમાં છે ને વર્તમાન પાલિકા પ્રમુખ તેમના વિભાગોએ જ ગટરના કામ પુરા નથી કર્યા એટલે પાણી ભરાયા હોવાની, રસ્તાઓ બિસ્માર બન્યા હોવાની, ટ્રાફિક સમસ્યાઓ ઉભી થઇ હોવાના આક્ષેપો કરી હાથ ખંખેરી રહ્યા છે.
પાલિકાના રસ્તાઓની દશા સામે નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવેના રસ્તાઓની દશા વધુ ખરાબ છે. જે માટે સામાજિક સંસ્થાઓએ જન આંદોલન અને ચક્કાજામ ની ચીમકી બાદ કેટલાક વિસ્તારમાં મરામતની કામગીરી શરૂ કરી છે. એ પણ વરસાદમાં ધૂળના ઢેફા સમાન સાબિત થઈ છે. એટલે હવે વાહનચાલકોએ જે જે વાહનચાલક ખાડાઓમાં પડે તેની સુંદર તો નહીં પરંતુ વાહનોના નુક્સાનવાળી, હાથ-ટાંટિયા ભાંગેલી હોય તેવી કલાકૃતિઓ બનાવી અન્ય વાહનચાલકો ને ચેતવવા સાથે સરકારને મોકલવી જોઈએ … નેશનલ હાઇવે પર તો ટોલ પ્લાઝા વાળાઓને ટોલ ટેક્સ ચૂકવવાને બદલે તેમની પાસેથી સારવારનો અને વાહનના નુકસાનનો ખર્ચ લેવો જોઈએ? તમે શું માનો છો?