Wednesday, January 15News That Matters

નિચાણવાળા વિસ્તારોમાં સર્જાયેલ તબાહી સાથે વલસાડ જિલ્લા, સંઘપ્રદેશમાં સિઝનનો સરેરાશ 40 થી 59 ઇંચ વરસાદ!

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ચોમાસાની સિઝન કહીં ખુશી કહીં ગમ લઈને આવી છે. જિલ્લામાં અને સંઘપ્રદેશમાં આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ 40 થી 59 ઇંચ વરસાદ વરસ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસેલા વરસાદે ખેડૂતોને ખુશ કર્યા છે. તો, કાંઠા વિસ્તારના લોકોને તારાજ કર્યા છે. શહેરી વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ કર્યું છે. કેટલાય ગામડાઓને સંપર્ક વિહોણા કર્યા છે. 
વર્ષ 2021ની ચોમાસાની સિઝન ઉમરગામ વાસીઓ માટે આફત સમાન નીવડી હતી. તો વર્ષ 2022ની ચોમાસાની સિઝન વલસાડ તાલુકા માટે આફત સમાન બની છે. આ વર્ષે છેલ્લા 4 દિવસથી અવિરત વરસતા વરસાદના પાણી ઔરંગા નદીમાં આવતા વલસાડ, કપરાડા, ધરમપુર તાલુકામાં નદી કાંઠે રહેતા ગામડાઓમાં 8 ફૂટથી પણ વધુ પાણી ભરાયા હતાં.
અંદાજિત 50 જેટલા લોકોને પુરના પાણીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું……..
નદીના પુરનું પાણી ગ્રામ્ય વિસ્તારમાં આવતા વલસાડ તાલુકાના વેજલપોર, લીલાપોર, ધમડાચી, કાંજણહરી, કાંજણરણછોડ, ભાગડાખુર્દ, પારડી સાંઢપોર, ભાગડાવાડામાં જ્યારે કપરાડા તાલુકાના નળીમધની, વડખંભા ધરમપુર તાલુકાના નાની વહીયાળ, બામટી, મરઘમાળ સહિતના ગ્રામ્ય વિસ્તારો અને વલસાડ નગરપાલિકા વિસ્તારમાંથી અંદાજિત 1500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે, NDRFની ટીમ તેમજ કોસ્ટગાર્ડ ના હેલિકોપ્ટરથી અંદાજિત 50 જેટલા લોકોને પુરના પાણીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ઔરંગા નદીની સપાટી વધતા પુરના પાણી ગામમાં પ્રવેશ્યા……
 11મી જુલાઈના મધરાતે ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે ઔરંગા નદીમાં પાણીની સપાટી વધી જવાથી વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં નદી કિનારેના વિસ્તારમાં તેમજ નીચાણ વાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. વલસાડ નગરપાલિકા દ્વારા 6 ટીમ બનાવી નગરપાલિકા વિસ્તારના જુદા જુદા સ્થળ પર સ્થળાંતરની કામગીરી કરવામાં આવી હતી. નદી કિનારેના કાશમીર નગર, વલસાડ પારડી, બરૂડીયાવાડ, યાદવનગર વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી વહીવટીતંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ, NDRFની ટીમ દ્વારા સતર્કતા દાખવી 500 લોકો નું સ્થળાંતર કરાવીને વલસાડ પારડી ગુજરાતી સ્કુલ માં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. તરિયાવાડ વિસ્તારના આશરે 260 લોકોનું સ્થળાંતર તરીયાવાડ ગુજરાતી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. વાવ ફળિયા વિસ્તારમાં આશરે 210 લોકોનું સ્થળાંતર વાવ ફળીયા ગુજરાતી સ્કૂલ તથા ફૂડ એન્ડ ઇન્સ કંપની ખાતે કરવામાં આવ્યું હતું. છીપવાડ વિસ્તારમાં આશરે 15 લોકોનું વલસાડ પારડી સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
અસરગ્રસ્તોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા……..
એ જ રીતે ભારે વરસાદમાં ફસાયેલા લોકોને વલસાડ નગરપાલિકા ટીમ અને NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. જેમાં નદી કિનારે છીપવાડ વિસ્તારમાં 1 વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બરૂડીયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી 8 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બરૂડીયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી 1 કુતરાનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વધુ વરસાદનાં કારણે નીચાણવાળા ભાગમાં ફસાયેલા ચાર વ્યક્તિઓને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. ત્રણ વ્યક્તિઓને NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.
અષાઢી મેઘનું અનોખું તાંડવઃ……
જો કે અષાઢી મેઘના મંડાણે એ ઉપરાંત વાપી, વલસાડ, પારડી, ઉમરગામ જેવા શહેરી વિસ્તારોમાં તમામ મુખ્ય માર્ગોનું ધોવાણ કરી નાખ્યું છે. એમાં પણ વાપીના રસ્તાઓની હાલત ખાડામાં રસ્તાઓ જેવી થતા વાહનચાલકો એ પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક કોઝવે પર પાણી ફરી વળતા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આવી જ હાલત સંઘપ્રદેશ દમણમાં છે. દાદરા નગર હવેલીમાં ઓછા વરસાદની ચિંતા છે. વલસાડ જિલ્લાની માધ્યમથી રેલવે લાઇન પસાર થતી હોય અવરજવર માટે બનાવેલ તમામ ગરનાળામાં પાણી ભરાતા અનેક વાહનચાલકો ફસાયા હતાં. જે બાદ તંત્રએ મોટાભાગના ગરનાળામાંથી અવરજવર પર પ્રતિબંધ લગાડવાનો ફરજ પડી છે.
મેઘરાજાએ સૌમ્ય ને બદલે રૌદ્ર રૂપનો પરચો આપ્યો……
આમ જિલ્લામાં અને સંઘપ્રદેશમાં આ વર્ષે મેઘરાજાએ સૌમ્ય ને બદલે રૌદ્ર રૂપનો પરચો આપ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીના કુલ વરસેલા વરસાદની વાત કરીએ તો તમામ તાલુકામાં મેઘરાજા અડધી સદી પુરી કરવા આતુર બન્યા છે. જેમાં ધરમપુર-કપરાડા તાલુકામાં અને દમણમાં અડધી સદી વટાવી છે. વિગતો જોઈએ તો ઉમરગામ તાલુકામાં સિઝનનો કુલ 42 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. એ જ રીતે કપરાડા તાલુકામાં 51.62 ઇંચ, ધરમપુર તાલુકામાં 59 ઇંચ, પારડી તાલુકામાં 45.41 ઇંચ, વલસાડ તાલુકામાં 48 ઇંચ, વાપી તાલુકામાં 47.54 ઇંચ, દાદરા નગર હવેલીના સેલવાસમાં 43.64 ઇંચ, ખાનવેલ માં 37.20 ઇંચ મળી સરેરાશ 40 ઇંચ, દમણમાં 50.51 ઇંચ વરસાદ વરસ્યો છે.
તંત્ર જાન માલનું નુકસાન ઓછું થાય તે માટે એલર્ટ મોડમાં….
સારા વરસાદને પગલે મધુબન ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. 12મી જુલાઈ સુધીમાં ડેમનું રુલ લેવલ 72.85 મીટર પહોંચ્યું છે. ડેમના કેચમેન્ટ એરિયામાં 1,73,215 ક્યુસેક પાણીની આવક થતી હોય ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલી દમણગંગા નદીમાં 1.50 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને કારણે વાપી નજીક દમણગંગા વિયરનો નજારો આંખોને ઠારવાને બદલે અચરજમાં મુકતો જોવા મળી રહ્યો છે. હજુ પણ તંત્રની 2 લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી છે. જેથી કાંઠા નજીકના ગામલોકોને ખાસ સૂચના અપાઈ છે. જો કે 12મી જુલાઈથી 15મી જુલાઈ સુધીની હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોય શાળા કોલેજમાં રજા જાહેર કરાઈ છે. હાલ તંત્ર સાવચેત બની મેઘરાજાની તોફાની બેટિંગ પર નજર રાખી લોકોનું અને જાન માલનું નુકસાન બને તેટલું ઓછું થાય તે માટે એલર્ટ સાથે એક્શન મોડમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *