ગુજરાત ATSની ટીમે મુંબઈમાં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી તેની અટકાયત કરી અમદાવાદ લાવી છે. તિસ્તા સેતલવાડને ATS ની ટીમ રોડ માર્ગ મુંબઈ થી અમદાવાદ લઈ ગઈ હતી. હાલ વહેલી સવારે પહોંચેલી ટીમ 2002ના ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કેસ શરૂ કરવાનું કાવતરું ઘડવા બદલ ધરપકડ કરી પૂછપરછ કરશે. મળતી વિગતો મુજબ તિસ્તા સેતલવાડ ઉપરાંત ગુજરાત એટીએસ ભૂતપૂર્વ ડીજીપી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે પણ કાર્યવાહી કરશે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દઈ કાયદાનો દુરુપયોગ કરવો યોગ્ય નથી તેવી ટિપ્પણી કર્યા બાદ શનિવારે ગુજરાત ATSના અધિકારીઓ મુંબઈમાં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના ઘરે પહોંચ્યા હતા. તેઓને કસ્ટડીમાં લઈ સૌપ્રથમ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જે બાદ મોડી રાત્રે તેમને લઈને 3 કાર સાથે એટીએસની ટીમ અમદાવાદ જવા રવાના થઈ હતી. મુંબઈથી અમદાવાદ હાઇવે પર રોડ માર્ગે નીકળેલી ATS ની ટીમ વાપીથી અમદાવાદ સુધીના હાઇવે પર મીડિયા કર્મીઓના કેમેરામાં કેદ થઈ હતી. જેમાં ATS ની એક કાર આગળ હતી. જેની પાછળ બીજી કાર હતી. જેમાં તિસ્તા સેતલવાડ પાછળના ભાગે બેસેલા હોય કેમેરામાં કેદ થયા હતા. જેની પાછળ બીજી એક કાર હતી. જેમાં ATS ના અધિકારીઓ હતા. તમામ રોડ માર્ગે વહેલી સવારે અમદાવાદ ATS ના કાર્યાલયે પહોંચ્યા હતાં.
આ મામલે કેટલાક મીડિયા અહેવાલોમાં, ગુજરાત એટીએસ ભૂતપૂર્વ ડીજીપી શ્રીકુમાર અને કાર્યકર તિસ્તા સેતલવાડની 2002ના ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કેસ શરૂ કરવાનું કાવતરું ઘડવા બદલ ધરપકડ કરવાની વાત સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા સેતલવાડ વિરુદ્ધ કેસ નોંધ્યો છે, જેના પગલે એટીએસે શનિવારે તેને મુંબઈથી કસ્ટડીમાં લીધી છે.
મળતી વિગતો મુજબ ઝાકિયા જાફરીએ ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી SITમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત 55 રાજનેતાઓ અને અધિકારીઓને આપવામાં આવેલી ક્લીન ચિટ વિરુદ્ધ અરજી કરી હતી. કોર્ટે શુક્રવારે તેમની અરજી ફગાવી દેતા કહ્યું કે કાયદાનો દુરુપયોગ કરવો યોગ્ય નથી. કોર્ટે SITની પ્રશંસા કરી હતી અને કડક ટીપ્પણી કરી હતી કે કાયદા સાથે રમત કરનારા તમામ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડનું નામ પણ આપ્યું અને કહ્યું કે સેતલવાડ સામે વધુ તપાસની જરૂર છે.
આ સમગ્ર અહેવાલો અનુસાર, અગાઉ સુપ્રીમ કોર્ટના આદેશ પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, “ભાજપના વિપક્ષી રાજકીય પક્ષો, વૈચારિક રાજકારણમાં આવેલા કેટલાક પત્રકારો અને કેટલાક એનજીઓએ સાથે મળીને આ આરોપો લગાવ્યા છે. જેનો ખૂબ જ.” પ્રચાર થયો અને તેમની ઇકોસિસ્ટમ પણ એટલી મજબૂત હતી કે ધીમે ધીમે લોકો અસત્યને સત્ય તરીકે સ્વીકારવા લાગ્યા હતા.
સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે કોર્ટે એમ પણ કહ્યું કે ઝાકિયા જાફરી કોઈ અન્ય વ્યક્તિના ઈશારે કામ કરી રહી છે. શાહે તિસ્તા સેતલવાડનું નામ પણ લીધું હતું, જેમની એનજીઓ સમગ્ર કેસમાં ખૂબ સક્રિય હતી. તેણે તહેલકા મેગેઝિનના સ્ટિંગ ઓપરેશનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કોર્ટે તેને ફગાવી દીધી છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં થયેલા 2002ના રમખાણો બાદ પીડિતોને ન્યાય અપાવવાના બહાને અલગ અલગ NGOમાં વિદેશી રૂપિયા આવ્યા હતા, જે રૂપિયાનો ઉપયોગ કરવાને બદલે તિસ્તા સેતલવાડે અંગત ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તાની સાથે જોડાયેલા NGOની તપાસ કરી હતી. જેમાં તેણે મોંઘા ચપ્પલ, બેગ અને પોતાની અંગત વસ્તુઓ ખરીદી હતી. ત્યાર બાદ તિસ્તા સેતલવાડે ઝાકિયા જાફરીની સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીમાં સહી ખોટી હોવાની શંકાના આધારે ગુજરાત ATSની ટીમ તિસ્તા સેતલવાડના મુંબઈ સ્થિત ઘરે પહોંચી હતી.
તો, આ તરફ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ પણ વિગતો જાહેર કરી છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હાલ ગુનો દાખલ કરી સમન્સ પાઠવ્યા બાદ પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને પુછપરછ માટે બોલાવ્યા છે. હવે કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે. કલમ 120 બી હેઠળ ખોટાં પૂરાવા ઊભા કરવાની તેમના પર
શંકા છે. જે આધારે તિસ્તા સેતલવાડ, આર.બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.